4 રાજ્યોમાં સરકાર બનાવવાને લઈને PMના નિવાસસ્થાને બેઠક, અમિત શાહ અને જેપી નડ્ડા હાજર
ભારતીય જનતા પાર્ટીએ ચાર
રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. જીત બાદ હવે સરકાર બનાવવાને
લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
નિવાસ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકારની
રચનાને લઈને આ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સામેલ છે.
10 માર્ચે ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં જીત મેળવી
હતી. ભાજપ આ રાજ્યોમાં સરકાર બનાવવા માટે સતત બેઠકો કરી રહ્યું છે. ઉત્તરાખંડ અને
મણિપુરમાં સરકારની રચનાને લઈને આજે દિલ્હીમાં મોટી બેઠકો યોજાઈ હતી. પુષ્કર સિંહ
ધામી ઉત્તરાખંડથી દિલ્હી પહોંચ્યા હતા. ઉત્તરાખંડમાં સરકારને લઈને દિલ્હીમાં મંથન
થયું. રાજ્યના અનેક નેતાઓએ જેપી નડ્ડા, બીએલ સંતોષ, પુષ્કર ધામી સાથે બેઠક કરી
હતી. બેઠક પહેલા પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, અમે પાર્ટીની બેઠકમાં હાજરી આપવા માટે આવ્યા છીએ. પાર્ટી હાઈકમાન્ડ
ઉત્તરાખંડના મુખ્યમંત્રીના નિર્ણયના મુદ્દા પર વિચાર કરશે અને તેમનો નિર્ણય અંતિમ રહેશે.
ઉત્તરાખંડમાં 70માંથી 47 બેઠકો મેળવનાર ભાજપે હજુ મુખ્યમંત્રીનું નામ નક્કી કરવાનું બાકી છે. આઉટગોઇંગ
સીએમ પુષ્કર સિંહ ધામી પોતે ખાતિમા સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. જો કે સીએમ તરીકે
તેમનું નામ મોખરે ચાલી રહ્યું છે. આ સિવાય આઉટગોઇંગ મિનિસ્ટર ધન સિંહ રાવત, આઉટગોઇંગ મિનિસ્ટર સતપાલ મહારાજ, પૂર્વ સીએમ બીસી ખંડુરીની દીકરી
રિતુ ખંડુરી ભૂષણ, આઉટગોઇંગ મિનિસ્ટર ગણેશ જોશીના
નામ પણ ચર્ચામાં છે.