કરાચી યુનિવર્સિટીમાં બુરખો પહેરેલી મહિલાએ કર્યો વિસ્ફોટ, 3 ચીની સહિત 5 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત
આતંકવાદને મદદ અને આશ્રય આપનારૂં પાકિસ્તાન હવે આતંકવાદના લીધે જ
મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. પાકિસ્તાનમાં દિવસે દિવસે આતંકવાદી હુમલાઓ વધી રહ્યા
છે. હાલમાં જ પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં બોમ્બ
બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટમાં 3 ચીની નાગરિકો સહિત પાંચ લોકોના મોત થયા છે. આ આંકડો પણ વધવાની શક્યતા છે. પાકિસ્તાનના
સિંધ પ્રાંતના કરાચી શહેરમાં આવેલી યુનિવર્સિટીમાં આ વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ
કરાચી યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ બિલ્ડીંગ પાસે થયો હતો. સિંધ પોલીસ વડાએ આ ઘટનાની
પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે મુખ્યમંત્રી મુરાદ અલી શાહને પણ આ અંગે અપડેટ
આપવામાં આવ્યું છે. તેણે એમ પણ કહ્યું કે પ્રાથમિક તપાસમાં એક બુરખા પહેરેલી
મહિલાએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
આ ઘટના બપોરે 2.30 વાગ્યાની આસપાસ થઈ હતી. પાકિસ્તાની ટીવી ચેનલોના ફૂટેજમાં જોઈ શકાય છે કે સફેદ વેનમાં
વિસ્ફોટ થયો અને પછી ધુમાડો ફેલાઈ ગયો. મોટી સંખ્યામાં સુરક્ષા દળોને ઘટનાસ્થળે
મોકલવામાં આવ્યા છે. પાકિસ્તાની ટીવી ચેનલ પાસેથી મળતી માહિતી મુજબ બોમ્બ
વિસ્ફોટમાં માર્યા ગયેલાઓમાં 3 ચીની નાગરિકો પણ સામેલ છે. સૂત્રોનું કહેવું છે કે જ્યારે ચીની
મૂળના શિક્ષક વાનમાં બેસીને કન્ફ્યુશિયસ ડિપાર્ટમેન્ટમાં જઈ રહ્યા હતા ત્યારે
બ્લાસ્ટ થયો હતો. આ વાહન સાથે પાકિસ્તાની સેનાના જવાનો સુરક્ષામાં હાજર હતા. તે
પછી પણ આ વિસ્ફોટ સવાલો ઉભા કરે છે.
કરાચીના પોલીસ વડા
ગુલામ નબી મેમને કહ્યું કે તે આત્મઘાતી વિસ્ફોટ જેવું લાગે છે. તેમણે કહ્યું કે
પ્રાથમિક માહિતીથી જાણવા મળ્યું છે કે આ બોમ્બ વિસ્ફોટમાં બુરખો પહેરેલી એક મહિલા
સામેલ હતી. વિસ્ફોટમાં પાકિસ્તાની સેનાના ચાર જવાન પણ ઘાયલ થયા હતા, જેઓ વાનની રક્ષા કરી રહ્યા હતા. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં
ચીની નાગરિકો પર આ ત્રીજો હુમલો છે. આ પહેલા ગયા વર્ષે 13 જુલાઈએ ખૈબર પખ્તુનખ્વામાં એક બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કોહિસ્તાન જિલ્લામાં ચાલી રહેલા દાસુ હાઈડ્રો પ્રોજેક્ટમાં
ચીની મૂળના એન્જિનિયર કામ કરી રહ્યા હતા. આ ઘટનામાં 9 એન્જિનિયર સહિત 10 ચીની નાગરિકોના મોત થયા હતા. એટલું જ નહીં 20 ઓગસ્ટ 2021ના રોજ બલૂચિસ્તાનના ગ્વાદર
વિસ્તારમાં હુમલો થયો હતો. ચીનના નાગરિકોને લઈ જઈ રહેલા વાહનને નિશાન બનાવીને આ
હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા
છે. તેમાંથી એક ચીનનો નાગરિક પણ હતો.