શ્રીલંકામાં ઈમરજન્સી જાહેર કર્યા બાદ આજથી 36 કલાકના લોકડાઉનની જાહેરાત

શ્રીલંકામાં દિવસે દિવસે
હાલત ખુબ જ ખરાબ થઈ રહી છે. ત્યારે શ્રીલંકામાં ઈમરજન્સી જાહેર કર્યા બાદ
હવે શનિવારે દેશભરમાં 36 કલાકનો કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો
છે. કર્ફ્યુ શનિવાર સાંજથી અમલમાં આવશે અને સોમવારે સવારે હટાવી લેવામાં આવશે.
સરકારે કર્ફ્યુ લાદવા પાછળ જાહેર વ્યવસ્થાની સુરક્ષાનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં
શ્રીલંકાના જુદા જુદા ભાગોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આગજનીની અનેક
ઘટનાઓ પણ સામે આવી છે.
શ્રીલંકા હાલમાં ઐતિહાસિક આર્થિક
સંકટનો સામનો કરી રહ્યું છે અને ઈંધણ, રાંધણ ગેસ અને
અન્ય આવશ્યક ચીજવસ્તુઓ માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. પાર્ટીના જનરલ
સેક્રેટરી અને મંત્રી દયાસિરી જયસેકરાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય સમિતિએ
શુક્રવારે સંસદમાં પ્રતિનિધિત્વ કરતા તમામ પક્ષોને સામેલ કરીને સરકારની રચના માટે
વિનંતી કરવાનો નિર્ણય કર્યો છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા
રાજપક્ષેએ શુક્રવારે મોડી રાત્રે 1 એપ્રિલથી તાત્કાલિક અસરથી શ્રીલંકામાં
જાહેર કટોકટી જાહેર કરતી વિશેષ ગેઝેટ સૂચના જારી કરી હતી. એક ગેઝેટ નોટિફિકેશનમાં રાષ્ટ્રપતિએ કહ્યું મારા મતે શ્રીલંકામાં જાહેર કટોકટી લાદવી એ જાહેર સુરક્ષા વ્યવસ્થા જાળવવા
તેમજ સમુદાયોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓના પુરવઠાના હિતમાં છે. રાજપક્ષેના નિવાસસ્થાન સામે વિરોધ
પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરાયેલા વિરોધીઓના જૂથને અદાલતે જામીન આપવાનો આદેશ આપ્યા
બાદ કટોકટી જાહેર કરવામાં આવી હતી. વિરોધકર્તાઓએ કહ્યું હતું કે તેઓ કોઈ રાજકીય
જૂથથી પ્રેરિત નથી અને તેમનો ઉદ્દેશ્ય માત્ર સરકારી સ્તરે લોકોને પડતી મુશ્કેલીઓનો
ઉકેલ શોધવાનો છે.