વડોદરામાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન, એકસાથે 35 સ્થળોએ દરોડાની કાર્યવાહી
વડોદરામાં વહેલી સવારથી આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી હતી. અને 35 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. વડોદરામાં આવકવેરા વિભાગે બિલ્ડર ગૃપ,આર્કિટેક્ટ અને રેલવેના અધિકારીના નિવાસસ્થાન, ઓફિસો તથા કન્સ્ટ્રક્શન સાઇટો સહિત 35 થી વધુ સ્થળો ઉપર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ બંદોબસ્ત સાથે આવકવેરા વિભાગે દરોડા પાડતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
રેલવેના અધિકારીના નિવાસસ્થાનો પર દરોડા
વડોદરાના જાણીતા બિલ્ડર ગૃપ અને તેમના ભાગીદારો તેમજ અલકાપુરીમાં આવેલા નિવાસસ્થાનો, વિવિધ વિસ્તારોમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટો, અને ચરોતર સોસાયટીમાં પ્રખ્યાત આર્કિટેક્ટ ઋચિર શેઠની જૂના પાદરા રોડ પાસે આવેલી ઓફિસ, સુભાનપુરામાં દર્શનમ્ ગૃપની ઓફિસમાં તેમજ રેલવેના એક અધિકારીના નિવાસસ્થાન સહિત 35 સ્થળ ઉપર આવકવેરા વિભાગની ટીમોએ એકસાથે દરોડા પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં અંત સુધીમાં નર્ધારીત લક્ષ્યાંક પૂરો કરવા માટે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સામે આવ્યું છે.
વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યાં
વહેલી સવારે અચાનક આવકવેરા વિભાગની ટીમોએ બિલ્ડર ગૃપ, આર્કિટેક્ટ અને રેલવે અધિકારીના નિવાસસ્થાન અને ઓફિસોમાં હલ્લાબોલ કર્યો હતો. રેડ દરમિયાન અધિકારીના નિવાસસ્થાન અને ઓફિસોમાંથી વાંધાજનક દસ્તાવેજો, બેંક પાસબુકો સહિતના દસ્તાવેજો કબજે કર્યા હતા. આવકવેરા વિભાગને દરોડા દરમિયાન બિનહિસાબી રોકડ અને ઘરેણા પણ હાથ લાગ્યા હોવાની શક્યતા છે. મોડી રાત સુધી આવકવેરા વિભાગની આ કાર્યવાહી ચાલી શકે છે અને તપાસ બાદ બિલ્ડરોની વધુ બેનામી સંપત્તિનો પર્દાફાશ થઈ શકે છે.