Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હું મને ગમું, મને પરણું એમાં દુનિયાને શું? - ક્ષમા બિંદુ

ખુદ કો ઈસલિયે નહીં સજાતી કી મેરી ખામિયાં છૂપા સકું, વો મેરી ઈચ્છા હૈ, ઔર મેરી ખામિયાં મેરા હિસ્સા હૈ... મેં ઉનકો અપનાતી, હું બિના સજાવટ ભી મેં ખુદ કો ઈતના હી ચાહતી હું....  છેલ્લા કેટલાય સમયથી વડોદરાની એક યુવતીની વાત વાયરલ થઈ છે. નામ એનું ક્ષમા બિંદુ. ઉપરની પંક્તિઓ પણ એણે જ લખી છે. 11મી જૂને એના લગ્ન છે. એની સાથે જ. એ પોતાના જ પ્રેમમાં છે અને પોતાને જ પરણવાની છે. આ વાત જ્યારથી બહાર આવી છે ત્યાર
10:04 AM Jun 04, 2022 IST | Vipul Pandya
ખુદ કો ઈસલિયે નહીં સજાતી કી મેરી ખામિયાં છૂપા સકું, 
વો મેરી ઈચ્છા હૈ, ઔર મેરી ખામિયાં મેરા હિસ્સા હૈ... 
મેં ઉનકો અપનાતી, હું બિના સજાવટ ભી 
મેં ખુદ કો ઈતના હી ચાહતી હું....  
છેલ્લા કેટલાય સમયથી વડોદરાની એક યુવતીની વાત વાયરલ થઈ છે. નામ એનું ક્ષમા બિંદુ. ઉપરની પંક્તિઓ પણ એણે જ લખી છે. 11મી જૂને એના લગ્ન છે. એની સાથે જ. એ પોતાના જ પ્રેમમાં છે અને પોતાને જ પરણવાની છે. આ વાત જ્યારથી બહાર આવી છે ત્યારથી એ ઘણી બધી મિક્સ લાગણીમાં જીવી રહી છે.  
સૌથી પહેલાં તો એ પોતાને પરણવાની છે એને શું કહેવાય એની વાત કરીએ. ખુદના પ્રેમમાં હોય એને સોલોગેમી કહેવાય. કોરોનાના કાળમાં એકલા રહેલાં લોકોમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એકલા રહેતાં લોકો ખુદને પ્રેમ કરવા માંડ્યા. કેટલાક કિસ્સાઓમાં લાંબો સમય સુધી જાત સાથે એકલા રહેલા લોકો કોઈની સાથે રહી શકવા માટે તૈયાર પણ ન હતા. ખુદને ચાહવું, ખુદના અસ્તિત્વને પ્રેમ કરવો, ખુદને પરણવું એટલે સોલોગેમી. ઓસ્ટ્રેલિયાની પેટ્રીસિયા ક્રિસ્ટીન અને બ્રાઝિલની ક્સિ ગેલેરાઆ રીતે આત્મપ્રેમમાં પડીને ખુદને પરણી ચૂકી છે. ભારતની પહેલી વહેલી એવી દુલ્હન છે ક્ષમા જે પોતાને પરણી રહી છે. જો કે, કાયદા નિષ્ણાતોના મતે કોઈ વ્યક્તિ ખુદને ન પરણી શકે.  
જાણીતા મનોચિકિત્સ ડૉ. પ્રશાંત ભીમાણી છેલ્લા એક-બે દિવસથી ક્ષમા બિંદુની સાથે અલગ અલગ પ્લેટફોર્મ પર લાઇવ સેશનમાં જોડાયા હતા. ડૉ. પ્રશાંતભાઈ કહે છે, આ વર્તનને સાધારણ ન ગણી શકાય. ઘણી વખત લોકોનું ધ્યાન પોતાના તરફ જાય એ માટે લોકો કંઈક જુદું કરતાં હોય છે એ માનસિકતા આ યુવતીની ગણી શકાય. એ જે કરે છે એને વિકૃતિ તો ન જ કહી શકાય. આ કોઈ બીમારી પણ નથી. એટેન્શન સીકિંગ પર્સનાલિટીની કેટેગરીમાં આ પ્રકારનું વર્તન કરતા લોકોને મૂકી શકાય.  
સમાજશાસ્ત્રની ગ્રેજ્યુએટ ક્ષમા બિંદુ પ્રાઈવેટ કંપની માટે આઉટસોર્સિંગ કરે છે. એની સાથે બહુ લાંબી વાત થઈ. ચોવીસ વર્ષી ક્ષમાએ અત્યારે એના ઘરની બહાર બ્લેક સેલોટેપ વડે લગાવી દીધું છે કે, નો મીડિયા એલાઉડ. થોડીક પીડા અને થોડાક નારાજગીના સૂર સાથે એ પોતાની વાત માંડે છે. એ કહે છે, હું મને ચાહું છું. મને ગમું છું. એમાં લોકોને કેમ આટલી બધી નારજગી છે. મારી મને ચાહવાની વાત વિવાદ અને હિન્દુત્વથી માંડીને બેશરમી સુધી લોકોએ પહોંચાડી દીધી.  
ક્ષમા કહે છે, બે-ત્રણ મહિના પહેલાની વાત છે. મારા મિત્રોને મેં વાત કરી કે, મારે મને પરણવું છે. તો પહેલા તો એમણે એ વાત મજાકમાં ગણી લીધી. થોડા દિવસો પછી મેં ફરીને વાત કરી તો બધાંને થયું કે હું ગંભીર છું. તમામ મિત્રોએ મને સપોર્ટ કર્યો. હું મારો લહેંગો ખરીદવા ગયેલી. મારા માથે જ્યારે દુકાનદારે ચૂંદડી મૂકી ત્યારે મારી આંખો વરસી પડી. નાનપણથી જોયેલું સપનું પૂરું થઈ રહ્યું હોય એવું મને લાગે છે. મારે લગ્ન કરવા હતા. પણ કોઈની પત્ની નહોતું બનવું. મારે દુલ્હનનો ડ્રેસ પહેરવો છે પણ કોઈ દુલ્હો નથી જોઈતો મને. મારી મહેંદી, પીઠી ચોળવાની વિધિ અને લગ્નનું આયોજન કર્યું છે.  
ક્ષમાની વાતને ઘણાં બધાં લોકો પબ્લીસિટી સ્ટંટ કહે છે. પડોશીઓ એની સાથે બોલતા નથી. એ જે સોસાયટીમાં રહે છે એની સામે સોસાયટીના રહીશોની નારાજગી છે. એટલા માટે નથી કે, એ પોતાની સાથે પરણી રહી છે. એટલા માટે છે કે, મીડિયાના લોકોની અવર જવર વધી ગઈ એમાં રહીશોને અગવડ પડે છે.  
આ વાત અને વિવાદ હજુ લંબાવવાનો છે. ક્ષમા કહે છે, આપણે  ત્યાં ઝાડને પરણી શકો. પ્રાણીને પરણી શકો. પણ પોતાને ન પરણી શકો! જો કે એની આ વાત-દલીલ ગળે ઉતરવી અઘરી છે. દરેકની વિચારસરણી સરખી તો નહીં જ હોવાની. આ યુવતી પણ ચાહતી ન હતી કે, વિવાદ થાય. એને શાંતિથી લગ્ન કરવા છે. પણ દેશ-વિદેશમાં એની આ વાત વાયરલ ખબર બની ગઈ છે. એની સોશિયલ મીડિયાની વોલ ઉપર ગાળોનો વરસાદ થઈ રહ્યો છે. બહુ ઓછા લોકો એને ધન્યવાદ આપે છે. જે વાતની માન્યતા આપણે ત્યાં ન હોય એને સ્વીકારી કેમ શકાય? ટીકા કરનારા લોકો અને એના આ પગલાને અણછાજતું કહેનારા લોકોની કોઈ કમી નથી. આપણે ગાયન સ્વીકારી શકીએ, કે માય નેમ ઈઝ શીલા... મેં તો ખુદ સે હી પ્યાર કરું. આપણે જબ વી મેટ ફિલ્મનો ડાયલોગ ફટકારી શકીએ કે, મેં અપની ફેવરીટ હું.... પણ કોઈ પોતાને પસંદ કરે તો આપણું નાકનું ટીચકું કેમ ચડી જાય છે? કાયદાકીય રીતે સેમસેક્સ મેરેજને આપણે ત્યાં માન્યતા નથી. પણ પુખ્તવયના બે સજાતીય લોકો સાથે રહી શકે એનો સ્વીકાર આપણે ત્યાં થવા માંડ્યો છે. ખુદને પરણવાની વાત અજુગતી લાગે. પણ ખુદને ચાહવું એ કોઈ ગુનો તો નથીને?
Tags :
AutogamyDifferentMarriagegirlGujaratFirstgujaratnewsMarryherselfSologamyVadodara
Next Article