Chhota Udepur : સટુન ગામે ઢોંગી ભુવાનો વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ
- લેભાગુ ઉપચારના નામે ઠગાઈ કરતા ભુવા-બાપુઓમાં ફફડાટ ફેલાયો
- પરીક્ષામાં પાસ કરવા બોલપેનનું વેચાણ કરતા હતા
- ભુવો મહિલાના પગમાં માલિશ કરતો રંગે હાથે ઝડપાયો
Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલ સટુન ગામ ખાતે ઢોંગી ભુવો બની લોકોના વિશ્વાસ તેમજ ભાવનાઓ સાથે ખેલ કરતો અને ઉપચારના નામે મસમોટી ફી વસુલી લોકો સાથે ઠગવિદ્યાના કારસ્તાન ચલાવતો હોવાની માહિતી ગાંધીનગર વિજ્ઞાન જાથાની ટીમને મળતા વિજ્ઞાનજાથાની ટિમ દ્વારા છટકું ગોઠવી આ તમામ મામલે પર્દાફાશ કર્યો હતો.
સટુનના ભુવા ગણપત નાથુભાઈ મહિલાના પગમાં માલિશ કરતો રંગે હાથે ઝડપાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજરોજ વિજ્ઞાન જાથાની ટીમ પાવીજેતપુર તાલુકાના સટૂન ગામે મળેલ માહિતી પ્રમાણે પહોંચી હતી, જ્યાં સટુનના ભુવા ગણપત નાથુભાઈ મહિલાના પગમાં માલિશ કરતો રંગે હાથે ઝડપાઈ જતાં તેની પાસે સદર ગુના બાબતે માફી મંગાવી અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરવા બાબતે વચન પણ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભુવાને પોલીસને હવાલે કર્યો હતો.
ભુવા ગણપત નાથુભાઈ દોરા-ધાગા જોવાનું, ઉતાર કાઢવાનું કામ છેલ્લા ૨૦ વર્ષથી કરે છે
છોટાઉદેપુર જિલ્લો એ ગરીબ ભોળી પ્રજા ધરાવતો જિલ્લો છે. જિલ્લાની પ્રજામાં શિક્ષણનું પ્રમાણ પણ ક્યાંક ને ક્યાંક ઓછું હોવાથી આવા ભુવાઓના ચુંગલમાં ભોળી પ્રજા ફસાઈ જતી હોય છે. અને ક્યારેક ક્યારેક મોટા નુકસાન વેઠવાના વારા આવતા હોવાની વાત પણ કંઇ નવી નથી. ત્યારે વિજ્ઞાન જાથાની ટીમની આ મેહનતથી લેભાગુ ઉપચાર કરતા તેમજ કહેવાતા ભુવા બાપુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ગામ સટુનમાં વિજ્ઞાન જાથાનો આ ૧૨૬૫મો પર્દાફાશ થયો છે. વિજ્ઞાનજાથા ની ટીમ સામે થયેલા ખુલાસાઓમાં સટુનના ભુવા ગણપત નાથુભાઈ દોરા-ધાગા જોવાનું, ઉતાર કાઢવાનું કામ છેલ્લા ૨૦ વર્ષથી કરે છે.
પરીક્ષામાં પાસ કરવા બોલપેનનું વેચાણ કરતા હતા
પરીક્ષામાં પાસ કરવા બોલપેનનું વેચાણ કરતા હતા. તેમજ રવિવાર-મંગળવારે દુઃખ-દર્દ મટાડવા લોકોની અવરજવર થતી હતી. યુવક-યુવતી ભાગીને આવે તેને સગવડતા આપી રૂપિયા પડાવતો હતો. તેમજ પિતૃ-સુરાપુરા નડતરના વિધિ-વિધાન, માનતા, ટેક, બાધા રખાવી વાર ભરવાનું જણાવતો હતો. તથા રૂપિયા ૧૦૦૦ થી ૨૫૦૦૦ ની ફી વસુલતો હતો. મેલીવિદ્યા, મેલીવસ્તુ ખવડાવી દીધાનો વ્હેમ નાખી અંદરો-અંદર ઝઘડા કરાવતો હતો. તથા ચાર ચોકમાં શ્રીફળ, કાળું કપડું, ઉતાર વિધિ કરાવતો હતો. જેમાં છાત્ર-છાત્રાઓને પરીક્ષામાં પાસનો ભ્રમ ફેલાવી બોલપેનનું વેચાણ કરતો હતો તેમાં પરીક્ષામાં પાસ થવાની બોલપેનના રૂ. ૨૫૧/- વસુલતો હતો. તથા ઘર ઉપર નજર ન લાગે તે માટે લીંબુ મરચા, ઘોડાની નાળ મુકાવતો હતો.
મોટર સાયકલ, ફોર વ્હીલ ખરીદી વખતે પૂજાવિધિનો આગ્રહ કરતો
મોટર સાયકલ, ફોર વ્હીલ ખરીદી વખતે પૂજાવિધિનો આગ્રહ કરતો હતો. તથા વાહનમાં ચૂંદડી બાંધી રક્ષા કવચ આપતો હતો. અત્રે ખાસ નોંધનીય છે કે ભુવા ગણપતના પર્દાફાશમાં જાથાના ચેરમેન જયંત પંડયા, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, ભાનુબેન ગોહિલ, સ્થાનિક સંખેડાના પીનલ ભોય એડવોકેટ અને રાણા ધર્મેશભાઈ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરી હતી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાની ભોળી ગરીબ તેમજ અશિક્ષિત પ્રજાને છેતરી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા જિલ્લામાં બોગસ ડોક્ટરોનો પણ કેહવાય છે કે રાફડો ફાટ્યો છે. તેવામાં જિલ્લાની પ્રજાના આરોગ્ય સાથે થતા દેખીતા અખતરા સામે પણ તંત્ર કમર કશે તે ઇચ્છનીય છે. સેંકડો બોગસ ડોક્ટરો જિલ્લામાં ધોળે દિવસે ખુલ્લેઆમ પ્રેક્ટિસ કરતા કિસ્સા સામે આવ્યા હોવાનો ઇતિહાસ સાક્ષી પુરે છે. તેવામાં હાલ એ યક્ષ પ્રશ્ન ઉભો થયો છે કે કોના છુપા આશીર્વાદથી આ વેપલો જિલ્લામાં હજી પણ પનપી રહ્યો છે.?
એહવાલ : તૌફીક શેખ, છોટા ઉદેપુર
આ પણ વાંચો: Gujarati Top News : આજે 24 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?