Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવાં વર્ષના પ્રથમ દિવસે જ વડોદરાના એક પરિવારમાં છવાયો માતમ, ચાઈનીઝ દોરીએ લીધો યુવાનનો ભોગ

તમારી મજા, કોઇની માટે મોતની સજા, આ તે કેવી ઉત્તરાયણપતંગનાં રસિયાઓ હવે તો સમજો, ક્યાં સુધી બનશો કોઇના મોતના નિમિત્તનવાં વર્ષના પ્રથમ દિવસે જ વડોદરાના આ પરિવારમાં માતમ છવાયોપતંગની 'પ્રતિબંધિત' દોરીથી યુવાનનાં જીવનનો પેચ કપાયોઆશાસ્પદ યુવાનનાં મોતનું કારણ બની ચાઇનીઝ દોરીગુજરાતીઓનાં પ્રિય તહેવારો પૈકીનાં એક એવા ઉત્તરાયણ પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ઉત્તરાયણે ગુજરાતીઓ પતં
નવાં વર્ષના પ્રથમ દિવસે જ વડોદરાના એક પરિવારમાં છવાયો માતમ  ચાઈનીઝ દોરીએ લીધો યુવાનનો ભોગ
  • તમારી મજા, કોઇની માટે મોતની સજા, આ તે કેવી ઉત્તરાયણ
  • પતંગનાં રસિયાઓ હવે તો સમજો, ક્યાં સુધી બનશો કોઇના મોતના નિમિત્ત
  • નવાં વર્ષના પ્રથમ દિવસે જ વડોદરાના આ પરિવારમાં માતમ છવાયો
  • પતંગની 'પ્રતિબંધિત' દોરીથી યુવાનનાં જીવનનો પેચ કપાયો
  • આશાસ્પદ યુવાનનાં મોતનું કારણ બની ચાઇનીઝ દોરી
ગુજરાતીઓનાં પ્રિય તહેવારો પૈકીનાં એક એવા ઉત્તરાયણ પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ઉત્તરાયણે ગુજરાતીઓ પતંગ ઉડાવી, એકબીજાના પતંગના પેચ કાપી મજા લૂંટતા હોય છે. પણ આપણી આ મજા ક્યારેક અન્યો માટે સજા બની જતી હોય છે. અને આવી જ એક સજા ઉત્તરાયણ પહેલાં વડોદરાના એક પરિવારને ભોગવવી પડી છે. વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં ભાથીજીનગરમાં રહેતાં બાથમ પરિવારમાં માતમ છવાયો છે. પરિવારે એક જુવાનજોધ આશાસ્પદ દિકરો ગુમાવ્યો છે. જેથી સામી ઉત્તરાયણે આ પરિવારમાં હૈયા હોળી છે. આ પરિવારના માથે તૂટી પડેલાં દુઃખના પહાડનું કારણ છે પતંગની દોરી. પતંગની આ દોરી બીજી કોઇ નહીં પરંતુ રાજ્યમાં જેનાં પર પ્રતિબંધ છે તેવી ચાઇનીઝ દોરી છે. એ દોરી કે જે તમારી બે ઘડીની મજા માટે સામેવાળાની પતંગનો પેચ તો કાપી નાંખે છે, પણ આ જ જીવલેણ દોરી ક્યારેક કોઇ નિર્દોષનાં જીવનનો પણ પેચ કાપી નાંખે છે.
વડોદરાનાં દંતેશ્વર વિસ્તારમાં રહેતો અને એક ખાનગી ન્યુઝપેપરમાં ફિલ્ડ સુપરવાઇઝર તરીકે નોકરી કરતો રાહુલ ગિરીશ બાથમ નામનો યુવક રવિવારની સાંજે પોતાની બાઇક પર નવાપુરા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો, તે સમયે રબારીવાસ પાસે ચાલુ વાહને તેનાં ગળામાં પતંગનો દોરો ફસાઇ ગયો હતો. જેને કારણે આ યુવાન લાંબે સુધી ઢસડાયો હતો. પતંગનો આ દોરો યુવકનાં ગળામાં ખૂંપી ગયો હતો. જેને કારણે તેનાં ગળાની તમામ નસો કપાઇ ગઇ હતી. ગળું કપાઇ જતાં સ્થળ પર જ લોહી વહી ગયું હતું. લોહીથી લથપથ તરફડીયા મારતાં યુવાનને સ્થાનિકો તેમજ પોલીસની મદદથી તાત્કાલિક એસએસજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. પણ તેનો જીવ ન બચી શક્યો. કોઇની પતંગનો પેચ કાપવા માટે કોઇએ ચાઇનીઝ દોરી વડે પતંગ ઉડાવી, જેને સામેવાળાની પતંગનો પેચ કાપ્યો કે નહીં તે તો ખબર નહિ પણ નાયલોનથી બનતી અને આસાનીથી ન તુટતી આ જીવલેણ ચાઇનીઝ દોરી વડોદરાનાં એક આશાસ્પદ યુવાનના જીવનનો પેચ કાપી ગઇ.
ઘરમાં સન્નીના હુલામણાં નામથી ઓળખાતો 30 વર્ષનો રાહુલ એક સારો હોકી પ્લેયર હતો. બરોડા હોકી ક્લબ તરફથી રમતો રાહુલ અનેક વાર રાષ્ટ્રીય સ્તરે પણ રમી શાનદાર પ્રદર્શન કરી ચુક્યો હતો. પણ રાષ્ટ્રીય સ્તરના આ આશાસ્પદ યુવાનના ઉજ્જવળ ભવિષ્યનો નવાં વર્ષના પ્રથમ દિવસે જ અકાળે અંત આવી ગયો. જેનાંથી રાહુલનો પરિવાર તો શોકમાં ગરકાવ છે જ, પણ આ આશાસ્પદ હોકી પ્લેયરના સાથી ખેલાડીઓ પણ આઘાતમાં છે. અને તેનું એકમાત્ર કારણ છે ચાઇનીઝ દોરી.
લોકોનો જીવ લઇ લેતી અથવા ક્યારેક ગંભીર ઇજા પહોંચાડતી હોવાને કારણે સરકારે ચાઇનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર કડક પ્રતિબંધ લગાવ્યો છે. તેમ છતાં તેને ચોરી છુપી વેચવામાં આવે છે તે દુઃખની બાબત છે. અને તેનાંથી વધારે દુઃખની વાત એ છે કે, કોઇની પતંગનો પેચ કાપી બે ઘડીની મજા લુંટવા માટે નાગરિકો હજીએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી નિર્દોષોના જીવ જોખમમાં મુકી રહ્યાં છે. તમારી આવી મજા શું કામની કે જે બીજા કોઇ માટે મોત અને તેમનાં પરિવાર માટે માતમનું કારણ બની જતી હોય. પણ હવે આ બંધ થાય તે જરૂરી છે. પતંગ ચગાવવા માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ બંધ થવો જોઇએ. પતંગના રસિયાઓ હવે તો સમજો. ક્યાં સુધી તમારા પળવારના આનંદ માટે કોઇ નિર્દોષના મોત માટે નિમિત્ત બનશો! આશા રાખીએ કે વડોદરાની આ કરૂણ ઘટના ચાઇનીઝ દોરીથી થતાં મૃત્યુની છેલ્લી ઘટના હોય.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.