ગોંડલમાં વ્યાજખોરે વૃદ્ધનું ગળું દબાવી રૂ. 18 લાખની પઠાણી ઉઘરાણી કરી
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો ને ભો ભીતર કરી દેવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગોંડલમાં ત્રણ વ્યાજખોર શખ્સોએ વૃદ્ધ પાસે રૂ. 18 લાખ માંગી ગાળો ભાંડી ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કરી, વાડી મૂકી જતો રહેજે અને તારા દીકરાને કહેજે રૂપિયા આપી દે નહીંતર તને જીવતો સળગાવી દેશું કહી ધમકી આપ્યાની ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગ્રીનપાર્કમાં રહેતાં હંસરાજભાઈ દેવરાજભાઈ રૈયાણી (ઉ.વ.60) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રામો ભરવાડ (રહે. દૈયા,ગોંડલ), ગૌતમ વાઘેલા, એક અજાણ્યાં શખ્સનું નામ આપ્યું હતું. તેમના પુત્ર કપીલે આરોપી રામો ભરવાડ પાસેથી પાંચ વર્ષ પહેલાં એક લાખ રૂપિયા વ્યાજે લીધેલ હતાં. પાંચ માસ બાદ તેના પુત્રએ રકમ વ્યાજ સાથે રૂ.5 લાખ ચૂકવી દિધા હતાં. જે બાદ પણ વ્યાજખોર રામો અવારનવાર ઘરે આવી તેમના પરિવારને હેરાન કરતો હતો. ગઈ તા.12 ના તેઓના ઘરે તેમના પત્ની ઘરે એકલાં હતાં ત્યારે ત્રણેય શખ્સો તેમના ઘરે જઈ બેફામ ગાળો આપી ક્યાં ગયો તારો પતિ અને દિકરો તેને મારી નાંખવા છે કહીં નાસી છૂટ્યા હતાં.ગઈકાલે ફરિયાદી તેમની વૃંદાવન પાર્ક પાસે આવેલ વાડીએ એકલાં હતાં ત્યારે આરોપીઓ રામો ભરવાડ સહિત ત્રણેય શખ્સો ઘસી આવ્યાં હતાં અને ગાળો આપી ઝપાઝપી કરવાં લાગેલ હતાં અને ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કરી કહેલ કે, આ વાડી મૂકી તું જતો રહેજે અને તારા દિકરાને કહેજે અમારા પૈસા આપી દે નહીંતર તને જીવતો સળગાવી દેશું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ નાસી છૂટ્યા હતાં.બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ કલમ 447, 323, 504, 506(2), 294(ખ) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે