Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રિસ્ટોરેશનની કામગીરી બાદ ખુલ્લો મુકાનાર જુનાગઢનો ઉપરકોટ હવે એક નવા રૂપરંગમાં જોવા મળશે

અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ  જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની રિસ્ટોરેશનની કામગીરી હવે પૂર્ણ થઈ છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવનાર છે. ઉપરકોટનો ઐતિહાસિક કિલ્લો હવે નવા રૂપરંગ સાથે જોવા મળશે અને શહેરીજનો તથા પ્રવાસીઓને...
રિસ્ટોરેશનની કામગીરી બાદ ખુલ્લો મુકાનાર જુનાગઢનો ઉપરકોટ હવે એક નવા રૂપરંગમાં જોવા મળશે
અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ 
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની રિસ્ટોરેશનની કામગીરી હવે પૂર્ણ થઈ છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવનાર છે.
ઉપરકોટનો ઐતિહાસિક કિલ્લો હવે નવા રૂપરંગ સાથે જોવા મળશે અને શહેરીજનો તથા પ્રવાસીઓને એક નવું નજરાણું મળશે. મુખ્યમંત્રી ઉપરકોટ સાથે મહાબત મકબરો પણ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકશે.
16/07/2020 ના રોજ રિસ્ટોરેશન કામગીરીનું ખાતમુહૂર્ત કરાયુ હતું 
જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો તદન જર્જરીત હાલતમાં હતો અને તેની જાળવણી જરૂરી હતી, અનેક રજૂઆતો અને લોક લાગણીને ધ્યાનમાં રાખીને પ્રવાસન વિભાગ દ્વારા ઐતિહાસિક ઈમારતોને તેના મુળ સ્વરૂપમાં લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી .
જે અંતર્ગત તા. 16/07/2020 ના રોજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તે સમયના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ગાંધીનગરથી આ રિસ્ટોરેશન કામગીરીનું ઈ તકતીના માધ્યમથી ખાતમુહૂર્ત કર્યુ હતું.
ઉપરકોટમાં પ્રવાસીઓ માટે આ સુવિધા ઉભી કરાઇ 
ઉપરકોટનો કિલ્લો 2,72,490 ચોરસ વાર માં ફેલાયેલો છે, રિસ્ટોરેશન ની કામગીરીમાં સ્મારકને તેની મુળ અવસ્થામાં લાવવાનો પ્રયાસ હોય છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કન્ઝર્વેશન અને રિસ્ટોરેશનના માપદંડોને અનુસરીને આ કામગીરી થતી હોય છે.
સરકાર દ્વારા ઉપરકોટ માટે અંદાજે 74 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઉપરકોટ કિલ્લાની ફરતે વોકવે, સાથે કિલ્લાની અંદર આવેલ અડી અને કડી વાવ, નવઘણ કુવો, રાણકદેવીનો મહેલ, અનાજના ભંડારો સહીતના સ્મારકોના રિસ્ટોરેશન ની કામગીરી કરવામાં આવી છે. રિસ્ટોરેશન સાથે પ્રવાસીઓની સુવિધા હેતુ બગીચા, બેસવાની વ્યવસ્થા, પીવાના પાણી, ટોયલેટ સહીતની બ્યુટીફીકેશન ની કામગીરી પણ કરવામાં આવી છે.
ત્રણ ઐતિહાસિક સ્થળો, જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો, ધોળાવીરા અને માતાના મઢ માટે 20 કરોડની ફાળવણી કરવામાં આવી હતી
રાજ્ય સરકારના વર્ષ 2020-21 ના બજેટમાં ગુજરાતના ત્રણ ઐતિહાસિક સ્થળો, જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો, ધોળાવીરા અને માતાના મઢ માટે 20 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, ઉપરકોટ કિલ્લાના વિકાસ માટે અગાઉ પણ અલગ અલગ યોજનાઓ અને જોગવાઈઓ અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને હવે આ રિસ્ટોરેશન ની કામગીરી પૂર્ણ થતાં હવે તેને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.
જૂનાગઢના શહેરીજનો અને પ્રવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે અને લોકોને ઉપરકોટનો એક સમયનો જર્જરીત અને ખંઢેર ભાસતો કિલ્લો હવે નવા રૂપરંગ અને સુવિધાઓ સાથે જોવા મળશે.
રિસ્ટોરેશન દરમિયાન અનેક તોપ મળી આવી છે
ઉપરકોટના કિલ્લામાં આવેલી અડી કડી વાવ અને નવઘણ કુવા માટે તો કહેવતો બની છે, જૂનાગઢ પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે ત્યારે અદભૂત કહી શકાય તેવી કામગીરી કરવામાં આવી છે, રિસ્ટોરેશન દરમિયાન અનેક તોપ મળી આવી છે, નિલમ, માણેક અને કડાનલ તોપ તો પહેલે થી હતી પરંતુ તે ઉપરાંત 22 જેટલી તોપ મળી આવી છે, આ ઉપરાંત 8 ગઝીબો બનાવવામાં આવ્યા છે જ્યાં લોકો બેસીને એક રજવાડી અનુભવ કરી શકે છે, રાણકદેવીના મહેલના રિસ્ટોરેશન દરમિયાન અનેક પ્રાચિન અવશેષો પણ મળી આવ્યા છે.
લોકો જૂનાગઢના ભવ્ય ઈતિહાસને જાણી અને માણી શકશે
રાણકદેવીના મહેલની ભવ્યતા ફરી ઉજાગર થઈ છે, રાણકદેવીના મહેલની સામે જ લાઈટ એન્ડ સાઉન્ડ શો માટે ઓપન એર થિયેટર બનાવાયું છે જ્યાં લોકો જૂનાગઢના ભવ્ય ઈતિહાસને જાણી અને માણી શકશે. રિસ્ટોરેશનની કામગીરીમાં કિલ્લામાં લાઈટીંગ પણ કરવામાં આવ્યું છે, જ્યાં એક સમયે દિવસે પણ જતાં ડર લાગતો ત્યાં હવે રાત્રીના સમયે લાઈટીંગ જોવા લોકો ઉમટી પડશે, કિલ્લામાં ફરવા માટે ઈ કારની પણ સુવિધા ઉપલબ્ધ થશે, યાત્રીકો નિયત શુલ્ક આપીને તેમાં સફર કરી શકશે.
ઈતિહાસ જીવંત રહે અને કિલ્લાની ભવ્યતા લોકો જૂએ અને જાણે સાથે જૂનાગઢ વાસીઓ જ નહીં પરંતુ દેશ વિદેશના પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર ઉભું થાય તેવા પ્રયાસોના ભાગરૂપે જે કામગીરી કરવામાં આવી તેને લઈને કહી શકાય કે લોકોને ઉપરકોટ કિલ્લાનો એક અદભૂત નજારો જોવા મળશે અને આધુનિક યુગમાં જૂનાગઢની ઐતિહાસિક ભવ્યતાના દર્શન થશે.
Advertisement
Tags :
Advertisement

.