સિક્રેટ ડોક્યુમેન્ટ કેસમાં કોર્ટમાં હાજર થયા ટ્રમ્પ, ખુદને ગણાવ્યા નિર્દોષ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ સિક્રેટ ફાઇલ્સ ઘરે લઈ જવાના કેસમાં મંગળવારે મોડી રાત્રે ફ્લોરિડા રાજ્યની મિયામી કોર્ટમાં હાજર થયા હતા. ટ્રમ્પને સિક્રેટ ડોક્યુમેન્ટ્સ કેસ સાથે સંબંધિત 37 મામલાઓનો સામનો કરવા માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી એપી તરફથી મળતી માહિતી અનુસાર, મિયામી કોર્ટમાં ટ્રમ્પના ફિંગરપ્રિન્ટ્સ પણ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન ટ્રમ્પે તમામ આરોપોનો સામનો કર્યો અને પોતાને નિર્દોષ ગણાવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ ટોડ બ્લેન્ચે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું - "અમે ચોક્કસપણે દોષિત ન હોવાની દલીલ કરી રહ્યા છીએ." ન્યૂઝ એજન્સી એપી અનુસાર, જ્યુરીએ ટ્રમ્પને કોર્ટમાંથી બહાર જવાની બિનશરતી પરવાનગી આપી છે.
મહત્તમ 10 વર્ષની સજા થઈ શકે
ટ્રમ્પ સામે જે આરોપો લાગ્યા છે તેમાં મહત્તમ 10 વર્ષની સજા થઈ શકે છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ગયા શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ સામેના આરોપોને સાર્વજનિક કર્યા હતા. તેમની સામે 49 પાનામાં આરોપ ઘડવામાં આવ્યા હતા. તેમાં રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવા, પરમાણુ અને સંરક્ષણ રહસ્યોની ફાઈલો ખોટી રીતે રાખવાના આરોપો સામેલ છે. સુનાવણી પહેલા ટ્રમ્પે જ્યોર્જિયામાં પોતાના સમર્થકોને કહ્યું કે સરકાર તેમને ષડયંત્રમાં ફસાવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે તેમને 'ભ્રષ્ટ બિડેન એડમિનિસ્ટ્રેશન' દ્વારા ફસાવવામાં આવ્યા છે. આવતા વર્ષે યોજાનારી ચૂંટણીને લઇને તેમના પર આ કેસ કરવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પે દસ્તાવેજો ક્યાં છુપાવ્યા હતા ?
49 પાનાની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે આ દસ્તાવેજો તેમના બાથરૂમ, બોલરૂમ, શાવર એરિયા, ઓફિસ, સ્ટોર રૂમ અને બેડરૂમમાં છુપાવ્યા હતા. પ્રોસિક્યુટર્સે એમ પણ કહ્યું હતું કે ટ્રમ્પે એફબીઆઈની તપાસમાં અવરોધ ઊભો કરવા માટે તેમના વકીલોને ફાઇલો છુપાવવા અથવા તેનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો.
ગુપ્ત ફાઇલોના 15 બોક્સ નેશનલ આર્કાઇવ્ઝને સોંપ્યા
ગયા ઓગસ્ટમાં, એફબીઆઈએ માર-એ-લાગો ખાતે 11,000 થી વધુ દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તે દરમિયાન ટ્રમ્પને ન્યાયમાં અવરોધના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. છેવટે, જાન્યુઆરી 2022માં, તેમણે નેશનલ આર્કાઇવ્સને લગભગ 200 વર્ગીકૃત દસ્તાવેજો ધરાવતા 15 બોક્સ સોંપ્યા.
ડઝનબંધો પર નાણાકીય ગુનાનો પણ આરોપ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર ડઝનેક નાણાકીય ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં મોં બંધ રાખવા માટે એડલ્ટ ફિલ્મ સ્ટારને પૈસા આપવાનો આરોપ પણ શામેલ છે. આ એડલ્ટ ફિલ્મસ્ટારે ટ્રમ્પ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો. ફોજદારી ટ્રાયલ માર્ચ, 2024 માં શરૂ થવાની છે, જ્યારે અમેરિકામાં ચૂંટણીની મૌસમ પુરજોશમાં હશે