Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Exclusive : Gujarat First ની ટીમ પહોંચી ICGS સજગ શીપ પર

Exclusive : દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા માટે ભારતીય તટરક્ષક દળ હંમેશા તૈયાર હોય છે. ભારતીય તટરક્ષક દળ (Indian Coast Guard) ના જવાનો કેવી કપરી પરિસ્થીતીમાં દેશ સેવા કરે છે તેનો અનુભવ મેળવવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ના ICGS...
exclusive   gujarat first ની ટીમ પહોંચી icgs સજગ શીપ પર

Exclusive : દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા માટે ભારતીય તટરક્ષક દળ હંમેશા તૈયાર હોય છે. ભારતીય તટરક્ષક દળ (Indian Coast Guard) ના જવાનો કેવી કપરી પરિસ્થીતીમાં દેશ સેવા કરે છે તેનો અનુભવ મેળવવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ના ICGS સજગ શીપ (ICGS Sajag ship) પર પહોંચી હતી અને સમુદ્રના પહેરીઓ સાથે ગુજરાત ફર્સ્ટ (Gujarat First)ની ટીમે એક દિવસનો સમય વિતાવ્યો હતો.

Advertisement

ભારતીય તટ રક્ષક દળ દેશનું સમુદ્રી પહેરી

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ કે ભારતીય તટ રક્ષક દળ કે પછી દેશના સમુદ્રી પહેરી.જે કરે છે દેશના 7516.6 કિલો મીટરની દરિયાઈ સીમાઓની સુરક્ષા, જેમાં દેશના દરિયા કાંઠાના 9 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે ગુજરાતનો 1600 કિમીનો દરિયાઈ વિસ્તાર પણ સામેલ છે.પશ્ચિમમાં અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર અને પૂર્વમાં બંગાળની ખાડીથી ઘેરાયેલા આપણા દેશ માટે નૌ સેના સાથે સાથે સમુદ્રીય પહેરીની ઇન્ડીયન કોસ્ટગાર્ડ ભૂમિકા ભજવે છે.

Advertisement

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની શું છે ભૂમિકા

- દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા.
- બચાવ અને રાહત કામગીરી
- કૃત્રિમ ટાપુઓ, ઓફશોર ટર્મિનલની સુરક્ષા અને સંરક્ષણ.
- દરિયામાં માછીમારો અને નાવિકોને રક્ષણ અને સહાય.
- દાણચોરી વિરોધી કામગીરીમાં કસ્ટમ્સ વિભાગને સહાયક
- પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય સમુદ્રિય કાયદાનો અમલ
- લીડ ઈન્ટેલિજન્સ એજન્સી.
- દરિયાકાંઠા અને દરિયાઈ સરહદો માટે
-કોસ્ટલ સિક્યુરિટી

Advertisement

સમુદ્રની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજગ સમર્થ

ગુજરાત ફર્સ્ટની ટીમ સવાર થઇ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ICGS સજગ નામના આ શિપ પર...અને શરૂ થઈ સમુદ્રીય સુરક્ષા ની આ સફર..અમે ગુજરાત ના પોરબંદર દરિયા કિનારા થી પહોંચીશું મધ દરિયે અને જાણીશું કેવી રીતે કરે છે કોસ્ટ ગાર્ડ આપણા દરિયાઈ સીમાઓની રક્ષા..અમે જેમાં સફર કરવાના છીએ એ ICGS સજગ શીપ મેક ઇન ઇન્ડિયા હેઠળ સંપૂર્ણ ભારતીય બનાવટનું અતિઆધુનિક અને ટેક્નોલોજીથી સજ્જ શિપ છે.સમુદ્રની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજગ સમર્થ છે. આ જહાજ 1 મહિના સુધી સતત સમુદ્રમાં શેલિંગ એટલે કે પેટ્રોલિંગ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.સાથે દુશ્મનના દરિયા વચ્ચે દાંત ખાટા કરી શકે તેવી યુદ્ધની તાકાત પણ ધરાવે છે.

ICGS સજગ ની ક્ષમતા

સજગની લંબાઈ 105 મીટર
સજગની પહોળાય 13.6 મીટર
સજગની ઊંડાઈ 6.2 મીટર
સજગમાં 2 અલગ એન્જીન
એરક્રાફટ HAL માર્ક 3

સમુદ્ર વચ્ચે જવાનોએ ફિટ રહેવું જરૂરી

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની મુખ્ય કામગીરી સીમાની સુરક્ષા, રેસ્ક્યુ, પેટ્રોલિંગ, અને ગેરકાયદેસર રીતે થતી સ્મગલિંગને રોકવાની છે જેના માટે શિપ ને 20 થી 25 દિવસ સુધી સમુદ્રમાં રહેવું પડે છે. આટલા દિવસો સમુદ્રમાં શિપ પર રહેલા કોસ્ટ ગાર્ડ ના જવાનો શું કરે છે, કેવો રહે છે તેમનો દિવસ...તે જાણવાનો અમે પ્રયાસ કર્યો. સવારના સમયે અમે પહોંચ્યા ICGS સજગ શીપના જિમ એરિયામાં જ્યાં કોસ્ટગાર્ડના જવાનો કસરત કરી રહ્યા છે. શિપ પર નિયમિત કસરત, યોગ, પ્રાણાયામ, કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવે છે.કારણે સમુદ્ર વચ્ચે જવાનોએ ફિટ રહેવું જરૂરી છે.

સેટેલાઇટ મેપિંગ થી શિપની સફર

શિપે દરિયા કિનારો છોડ્યા બાદ સેટેલાઇટ મેપિંગ થી શિપની સફર હવે નક્કી થઈ રહી છે.દૂરબીનથી સમુદ્રમાં નજર રાખવામાં આવે છે.રેડીઓ સેટેલાઇટથી સિગ્નલ આપવામાં આવે છે. શિપ પર લાગેલ રડાર ફિકવન્સી મોકલી અને મેળવી રહ્યા છે. શિપનું કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર શિપ નો બ્રિજ એરિયા છે જેને પાયલોટ હાઉસ અથવા વ્હીલ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે શિપનું એક પ્લેટફોર્મ છે.જ્યાંથી જહાજને આદેશ આપી શકાય છે.

ડ્રગ્સની હેરાફેરીને કોસ્ટ ગાર્ડે અનેક વખત પકડી પાડી છે

પોરબંદર નો દરિયા કિનારો છોડ્યા બાદ હવે અમે ડીપ-સી માં પહોંચી ગયા છીએ લગભગ 50 મોટિકલ માઈકલ થી પણ વધુ દૂર...તે વચ્ચે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને સમુદ્ર વચ્ચે માછીમારી કરી રહેલ શંકાસ્પદ એક બોટ ટ્રેસ થાય છે.કોસ્ટગાર્ડને શંકા છે કે તે બોટ પર કઈક શંકાસ્પદ ગતિવિધિ હોઇ શકે છે.મહત્વનુ છે કે ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ ઘણી વખત ડ્રગ્સની સ્મગલિંગ માટે કરવામાં આવે છે.ડ્રગ્સની હેરાફેરીને કોસ્ટ ગાર્ડે અનેક વખત પકડી પાડી છે.શંકાસ્પદ બોટ ટ્રેસ થયા બાદ સેટેલાઇટ ફિકવન્સી દ્વારા શંકાસ્પદ બોટ ને જે તે સ્થળ પર રોકાઇ જવા સૂચના અપાય છે.અને પછી એક્શન શરૂ થાય છે કોસ્ટગાર્ડના સર્ચ ઓપરેશનનનું.કોસ્ટગાર્ડ ના જવાનો 24×7 તૈનાત હોય છે સમુદ્ર વચ્ચે આવા કોઈપણ પ્રકારના સર્ચ ઓપરેશન ને પાર પાડવા માટે...

જવાનોના ભોજનનું પણ શિપ પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે

સર્ચ ઓપરેશન રેસ્ક્યુ ઓપરેશન રુટિંગ એક્સેસાઈઝ વચ્ચે જવાનોના ભોજનનું પણ શિપ પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. જે માટે અમે પહોંચ્યા શિપ ના રસોઈ ઘરમાં.શિપના શેલિંગ એટલે કે મહિનાઓ સુધી ચાલનારા પેટ્રોલિંગમાં શિપ પર 120 કરતા વધુ જવાનો અને ક્રુ મેમ્બર હોય છે જેમના ભોજન માટેનો સંપૂર્ણ સરો સમાન સ્ટોર કરી લેવામાં આવે છે.અને બને છે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન.

બોફોર્સ 40 એમએમ ઓટોમેટિક ગન L/60 નો ઉપયોગ

બપોરના ભોજન બાદ કોસ્ટ ગાર્ડ ના આ શિપ પર ફરી સમય શરૂ થાય છે એક્શન મોડનો.કોસ્ટગાર્ડની શિપના આગળના ભાગ પર લાગેલ આ મિસાઈલ ટેક તરફ નજર નાખો.તે મિસાઈલ ટેન્કમા લોડ થઈ રહેલી ગોળાબારુદ અને ત્યારબાદ સમુદ્રને ગજવી નાખતા મિસાઈલ ફાયરિંગ નો અવાજ.....જાણે સમુદ્ર વચ્ચે યુદ્ધની સ્થિતિ હોય... પણ આ યુદ્ધ નહીં પણ યુદ્ધ અભ્યાસ છે...સજગ શિપ પર લાગેલ આ છે બોફોર્સ 40 એમએમ ઓટોમેટિક ગન L/60 જેને બોફોર્સ 40 એમએમ ગન તરીકે પણ ઓળખવમાં આવે છે.જેનો ઉપયોગ એન્ટ્રી એરક્રાફ્ટ મિસાઈલ તરીકે દુશ્મન દેશની શિપને નેસ્તનાબૂદ કરવા માટે થાય છે જે 11 કિલોમીટર સુધીના એરિયામાં મિસાઈલ ફાયર કરી શકે છે. એટલે કે દુશ્મન દેશની મિસાઇલ 11 કિમિ દૂર છે તો પણ તેને પાણીમાં નેસ્તનાબૂદ કરી શકે છે.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની રેસ્ક્યુની પણ ભૂમિકા

સમુદ્રી શિપ થી હવે સામે દૂર સુદૂર આકાશમાં ઉડી રહેલ એરક્રાફ્ટ તરફ નજર નાખો.આકાશ માથી સમુદ્રમા ફેંકવામાં આવેલ લાઈફ સેવિગ રેસ્ક્યુ બોટના આ દ્રશ્યો જુઓ...આપને લાગશે કે કોસ્ટ ગાર્ડનું સમુદ્રીય ઓપરેશન છે કે પછી વાયુ સેના નું હવાઈ ઓપેશન...પણ આ સમુદ્ર અને હવાઈ સંયુક્ત ઓપરેશન છે..અને હવામા ઉડી રહેલ આ એરક્રાફ્ટ ઇન્ડિયન કોસ્ટગાર્ડનું ડોનીયર એરક્રાફ્ટ છે...ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની રેસ્ક્યુની પણ ભૂમિકા છે..ન માત્ર સમુદ્રના માર્ગે પણ હવાઈ માર્ગે પણ.. ભારતીય કોસ્ટ ગાર્ડના ડોર્નિયર એરક્રાફ્ટે સમુદ્રમા ડૂબી રહેલ વ્યક્તિનો જીવ હવાઈ માર્ગે કઈ રીતે બચાવે છે જુઓ તેનું લાઈવ ડેમોસ્ટેશન..જ્યારે કોઈ વ્યક્તિ દરિયા મા ડૂબી રહી છે તેની ભાળ કોસ્ટગાર્ડના ડોર્નિયર એરક્રાફ્ટેને મળે છે ત્યારે તે તારણહાર બની ને ડૂબી રહેલ વ્યક્તિ માટે લાઈફ સેવિંગ બોટ દરિયામા ડ્રોપ કરે છે. જેથી રેસ્ક્યુ ઓપરેશન સુધી ડૂબી રહેલ વ્યક્તિ તે બોટનો સહારો લઈને જીવન ટકાવી શકે. બાદમાં તેનું ચોપર મારફતે રેસ્ક્યુ કરવામાં આવે છે.

વ્યક્તિના જીવને બચાવવાની રેસ્ક્યુ

એરક્રાફ્ટ બાદ હવે આકાશમાં ગસ્ત લગાવી રહેલ આ હેલિકોપટર તરફ નજર દોડાવો.ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું આ માર્ક 3 ચોપર છે.ઇન્ડિયન કોસ્ટગાર્ડના માર્ક 3 ચોપરને દરિયામાં ડૂબી રહેલ એક વ્યક્તિના રેસ્ક્યુ માટેનો કોલ મળે છે. સમુદ્ર વચ્ચે એક વ્યક્તિ ડૂબી રહી છે અને તેનું ચોપર મારફતે રેસ્ક્યુ કરવાનું છે. બાદમાં શરૂ થાય છે કોસ્ટ ગાર્ડના માર્ક 3 ચોપરની તે વ્યક્તિના જીવને બચાવવાની રેસ્ક્યુ કામગીરી. દરિયા વચ્ચે અનેક વખત માછીમારી કરી રહેલ બોટ ડૂબવાની ઘટના વખતે કે સાઈકલોન તુફાન વખતે સમુદ્ર વચ્ચે ફસાયેલ માછીમારોનું રેસ્ક્યુ કરવા કોસ્ટ ગાર્ડના આ માર્ક 3 ચોપરનો ઉપયોગ કરાય છે.ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના શીપ પર એક ચોપરની માટેની વ્યવસ્થા પણ હોય છે જે શેલિંગ એટલે કે પેટ્રોલિંગ દરમિયાન કે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન શિપ સાથે રહે છે.દિવસ દરમિયાન શિપ સાથે રહેલ માર્ક 3 ચોપર સમુદ્રી સીમાઓની આકાશ દ્વારા સુરક્ષા કરે છે.ચોપર શિપ પર લેંડ થાય છે તેમાં ઇંધણ પુરવામાં આવે અને ત્યારબાદ ફરી તે ચોપર નીકળી પડે છે સમુદ્રી સીમાઓની આકાશ માર્ગે સુરક્ષા કરવા.આવું દિવસભર ચાલ્યા કરે છે.

મધ દરિયે ફાયર ફાઇટિંગ

કોઈ બિલ્ડીંગમા લાગેલ આગને કાબુમા લેવા માટે જે પ્રકારની કામગીરી ફાયર બ્રિગેડની ટીમ કરે છે તે પ્રકારની મધ દરિયે ફાયર ફાઇટિંગની કામગીરી ઇન્ડીન કોસ્ટ ગાર્ડ પણ કરે છે. સમુદ્રમાં માછીમારી કરી રહેલ કોઈ નાવ પર જ્યારે આકસ્મિક આગ લાગવાની ઘટના બને છે ત્યારે તે બોટમાં લાગેલ આગ પર કાબુ મેળવવાનું કામ મધ દરિયે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવે છે.

શિપ પર લાગેલા છે ઓટોમેટિગ MK 38 ફાસ્ટ એટેક ક્રાફ્ટ્સ ગન મશીન

સજગ શિપ પર લાગેલ આ ગન મશીનમા ગોળીઓ લોડ થઈ રહી છે...હવે તે ગન મશીનનો ટાર્ગેટ સેટ કરવામાં આવી રહ્યો છે. ઢળતી સાંજના આછા અંધારા વચ્ચે આકાશમાં પ્રકાશ સાથે એક મિસાઈલ લોન્ચ થાય છે અને ત્યારબાદ ઓટોમેટિક ગન મશીનમાથી ધડાધડ ગોળીઓનો વરસાદ શરૂ થાય છે. કોસ્ટ ગાર્ડની શિપ પર લાગેલા છે ઓટોમેટિગ MK 38 ફાસ્ટ એટેક ક્રાફ્ટ્સ ગન મશીન.જે શિપ પર એટેક અથવા સ્વ-બચાવ માટે લગાવેલ 25 એમએમ મશીનગન સિસ્ટમ MGS છે.ઘણી વખત ડ્રોન અથવા ચોપર મારફતે શિપ પર હુમલો કરવામાં આવે ત્યારે આ ઓટોમેટિક ગન મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.તે સ્વયં સંચાલિત એટલે કે ઓટોમેટિક છે તે રડાર આધારિત પણ ગોળીબાર કરી શકે છે.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની કામગીરી દિવસ રાત

મધ દરિયે હવે સૂર્ય અસ્થ થઈ ચૂક્યો છે. સમુદ્ર પર જે સૂર્યની રોશની પથરાયેલ હતી તે હવે અંધકારમાં ભાસી રહી છે.ઘોર અંધકાર વચ્ચે પણ કોસ્ટગાર્ડની શિપ પર લાગેલ અત્યાધુનિક સાધનો મારફતે કોસ્ટગાર્ડ દરિયાઈ હલનચલન પર સતત નજર રાખી રહ્યું છે..ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની કામગીરી દિવસ રાત ચાલતી કામગીરી છે. જે સમુદ્ર ના અંધકાર વચ્ચે રાત્રી દરમિયાન પણ ચાલુ જ રહે છે. ઉલટાનું રાત્રે કોસ્ટ ગાર્ડ વધુ સજ્જ અને સજાગ જોવા મળે છે.કોસ્ટગાર્ડના જવાનો રાત્રી પેટ્રોલિંગની તૈયારીઓ કરી રહ્યા છે.કોસ્ટગાર્ડના જવાનો હવે રાત્રીના અંધકાર ભાસતા અને હિલોળે લેતા વિકરાળ સમુદ્રિય મોજાઓ વચ્ચે પણ રાત્રી પેટ્રોલિંગ માટે નીકળી પડશે...

ચોપરને શિપના હેલિપેડ પર લેન્ડ કરાવવાની તૈયારીઓ

સમુદ્રના રાત્રીના અંધકાર વચ્ચે હવે ચોપરને શિપના હેલિપેડ પર લેન્ડ કરાવવાની તૈયારીઓ થઈ રહી છે....સજગ શિપ પર રહેલ માર્ક 3 ચોપર જેને પેટ્રોલિંગ માટે શિપ પરથી દિવસે ઉડાન ભરી હતી તે હવે રાત પડતા શિપ પર પરત ફરી રહ્યું છે શિપ પર તેના લેન્ડિંગની તૈયારીઓ ચાલી રહી છે. રાત્રી દરમિયાન ચોપરનું લેન્ડિંગ મુશ્કેલ માનવામાં આવે છે અને તે પણ સમુદ્રમાં દોડતી શિપ ના હેલો ડેગ પર લેન્ડિંગ વધુ કઠીન અને મુશ્કેલ હોય છે પણ આ કઠિન કામ પણ કોસ્ટગાર્ડના જવાનો સરળ અને નિપુર્ણતા પૂર્વક પાર પાડે છે.

ઘૂઘવતા દરિયાઈ મોજાઓ વચ્ચે કોસ્ટગાર્ડના જવાનોનો દરિયાનો રાત્રી પહેરો

પોરબંદરથી વહેલી સવારે નીકળેલ આ શિપ હાલ મધ દરિયે એટલે કે ડિપ સી સુધી દૂર દરિયા વચ્ચે પહોંચી ચૂક્યું છે. અડધી રાત વીતી ચુકી છે. હિલોળે લેતા અને અંધકાર ભાસતા આકાશ અને ઘૂઘવતા દરિયાઈ મોજાઓ વચ્ચે કોસ્ટગાર્ડના જવાનો દરિયાનો રાત્રી પહેરો કરી રહ્યા છે. તેઓ પુરી રાત જાગે છે જેથી આપણે નિરાંતની મીઠી નિદર માણી શકીએ છીએ.

કોસ્ટ ગાર્ડના જવાનો સાથે વિતાવ્યો 36 કલાકનો સમય

ગુજરાત ફર્સ્ટની ટીમે ભારતીય તટ રક્ષક દળના નોર્થ વેસ્ટ કોસ્ટલ કમાન્ડ એરિયાના પોરબંદરથી ઇન્ડીયન કોસ્ટગાર્ડના સજગ શિપ પર કોસ્ટ ગાર્ડના જવાનો સાથે 36 કલાકનો સમય વિતાવ્યો હતો. અમારો પ્રયાસ આપને એ દર્શાવવાનો હતો કે કેવી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ઇન્ડિયન કોસ્ટગાર્ડ કરે છે આપણી સમુદ્રી સીમાઓની રક્ષા.

અહેવાલ--નિકુંજ જાની, પોરબંદર

આ પણ વાંચો---COAST GUARD : મધદરિયે જહાજમાં દર્દીને સારવાર આપતી ભારતીય કોસ્ટ ગાર્ડની બોર્ડિંગ ટીમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.