Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાય રામા યે ક્યા હુઆ?- સ્વર્ણલતા હવે ભૂતકાળ...!

અહેવાલ---કનુ જાની, અમદાવાદ સાઉથ ઇન્ડસ્ટ્રીની ‘હમિંગ ક્વિન’ અને બોલીવુડમાં અલગ ચીલો ચાતરનાર સ્વર્ણલતા (Swarnaltha)નો સુમધુર સ્વર હવે આપણને સાંભળવા નહીં મળે. આપણામાનાં કેટલાયની યુવાવસ્થા આ ગાયિકાના ગીતો સાંભળીને વીતી હશે. આપણે તે ગીતોને તો જાણીએ છીએ, માણીએ છીએ પણ તે...
હાય રામા યે ક્યા હુઆ   સ્વર્ણલતા હવે ભૂતકાળ
અહેવાલ---કનુ જાની, અમદાવાદ
સાઉથ ઇન્ડસ્ટ્રીની ‘હમિંગ ક્વિન’ અને બોલીવુડમાં અલગ ચીલો ચાતરનાર સ્વર્ણલતા (Swarnaltha)નો સુમધુર સ્વર હવે આપણને સાંભળવા નહીં મળે.
આપણામાનાં કેટલાયની યુવાવસ્થા આ ગાયિકાના ગીતો સાંભળીને વીતી હશે. આપણે તે ગીતોને તો જાણીએ છીએ, માણીએ છીએ પણ તે ગાયિકા વિશે બહુ ઓછું જાણીએ છીએ.
એ ગાયિકા, હિન્દી ફિલ્મ જગતમાં રહેમાનને મળેલી વાહવાહી જેનાં ગાયનને આભારી છે.
ગાયિકા  સ્વર્ણલતાનું નામ હજુ તો લખાયું ત્યાં ભૂંસાઈ ગયું
નેવુંનો દાયકો હિન્દી ફિલ્મ સંગીતનો મહત્વનો દાયકો. આ દાયકામાં સંગીતકાર-ગાયકની કેટલીક જોડીએ ખૂબ યાદગાર ગીતો આપ્યાં. એવી જ જોડી હતી રહેમાન અને સ્વર્ણલતા. સ્વર્ણલતા, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક નામાંકિત ગાયિકા કે જેણે બોલીવુડ માટે બહુ ઓછા ગીત ગાયાં છે પરંતુ જેટલાં ગાયાં છે એટલા ગીતો સાંભળીને આપણને ચોક્કસપણે એમ લાગે કે આ ગીત માટે સ્વર્ણલતા સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ હોય જ ના શકે. તેનો અવાજ એવો કે  તેને સાંભળીએ ત્યારે,  અવાજ જાણે દૂરથી આવીને હૃદય સોંસરવો ઉતરતો હોય તેવી અનુભૂતિ થાય. આવા વિશેષ અવાજની સ્વામીની એટલે કે ગાયિકા  સ્વર્ણલતાનું નામ હજુ તો લખાયું ત્યાં ભૂંસાઈ ગયું!
પિતા ચેરુકુટ્ટી ખુદ એક ગાયક અને હાર્મોનિયમ વાદક હતા
એપ્રિલ 1973 કેરેલાનાં પલક્કડ જિલ્લામાં તેનો જન્મ. પિતા ચેરુકુટ્ટી ખુદ એક ગાયક અને હાર્મોનિયમ વાદક હતા. મા પણ સંગીતમાં રસ ધરાવતી હતી. પૂરો પરિવાર જ જાણે સંગીત પ્રેમી હતો. ઘણા ભાઈબહેનોમાં સ્વર્ણલતા નવમું સંતાન હતી.  પિતાએ સ્વર્ણલતાને ત્રણ વર્ષની ઉંમરથી જ કર્ણાટક તેમજ હિન્દુસ્તાની સંગીતની તાલીમ શરુ કરી દીધી હતી. સાથોસાથ હાર્મોનિયમ તેમજ કીબોર્ડ વગાડવાનું પણ શીખવ્યું હતું તો આગળ જતા મોટી બેન સરોજાએ તેને ગીત-ગાયકી વિશે શીખવાડ્યું.
જીનિયસ ગાયક યશુદાસ સાથે ગાયું ત્યારે તેની ઉંમર હતી માત્ર ચૌદ વર્ષ
નાનપણમાં એ જ્યારે ગાતી ત્યારે તેને સાંભળનારા મંત્રમુગ્ધ થઈ જતાં. નાની ઉંમરે સંગીત પર આટલી પકડ જોઈને પરિવારને સમજાઈ ગયું હતું કે આ છોકરી સંગીતના ક્ષેત્રમાં નામ રોશન કરશે. એટલે આ ક્ષેત્રમાં જ તેની કેરિયર બનાવવા માટે પરિવાર 1987માં ચેન્નાઈમાં સેટ થયો. અને તે જ વર્ષે દક્ષિણ ભારતના વિખ્યાત સંગીતકાર એમએસ વિશ્વનાથનને મળ્યો. વિશ્વનાથને સ્વર્ણલતાને પોતે કંપોઝ કરેલું એક ગીત ગાવાનું કહ્યું એ સાંભળીને તરત જ તેને પોતાની ફિલ્મમાં ગાવા માટે બ્રેક આપ્યો. 1987માં તમિલમાં ગાયેલું  માતૃત્વભાવથી છલકાતું આ ગીત તેની કેરિયરનું પ્રથમ ગીત હતું જે તેણે જીનિયસ ગાયક યશુદાસ સાથે ગાયું ત્યારે તેની ઉંમર હતી માત્ર ચૌદ વર્ષ! વિચારો કે જે ખુદ હજી બાળપણ જીવી રહી છે તેણે એક માનુ મમતાભર્યું ગીત કેવી રીતે ગાયું હશે! પણ પહેલું જ ગીત એટલા આત્મવિશ્વાસથી અને એટલું ભાવસભર ગાયું કે તેમાં તેની પરિપક્વતા અને ગાયકીની વિશેષતા ભારોભાર છલકાતી હતી, જાણે કાચી ઉંમરમાંથી નીકળીને માતૃત્વની ઊંડાઈને પામી લીધી, માતૃહૃદયને સ્પર્શી લીધું હોય! આ ગીત સાંભળીને ખુદ એમએસ વિશ્વનાથને કહ્યું કે ‘શી ઇસ ગ્રેટ એમંગ ધ રેર સિંગર’ આ ગીત સાંભળીને દક્ષિણના બીજા પ્રખ્યાત કમ્પોઝર ઇલ્યારાજાની નજર આ ગાયિકા પર પડી તેણે તેની પાસે 1988માં ગવડાવ્યું. આ ગીત સાંભળીને લોકોની નવાઈનો પાર ન રહ્યો, જ્યારે લોકોએ જાણ્યું કે આ કામુક અને માદક ગીત એક પંદર વર્ષની છોકરીએ ગાયું છે! નવોદિત છોકરીએ તે પછીના વર્ષોમાં ઇલ્યારાજા ઉપરાંત સાઉથના બીજા સંગીતકારો સાથે કામ કર્યું જેમાં સાબિત થતું રહ્યું કે બહુમુખી પ્રતિભાની ધની સ્વર્ણલતા દરેક પ્રકારના ગીત માટે સક્ષમ છે!
ઇલ્યારાજા સાથેના ઘણા પ્રયોગાત્મક ગીતોએ તે સમયે ધૂમ મચાવી
તેણે રહેમાન, ઇલીયારાજા, વિદ્યાસાગર, હેરીસ જયરાજ, પી.વેણુ, રાજા કોટી, અન્નુ મલિક, શંકર અહેસાન લોય રાજા કોટી વગેરે વગેરે બધા સંગીતકારો સાથે કામ કર્યું. તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, હિન્દી, ઉર્દૂ, બંગાળી, ઉડિયા, પંજાબી અને બડાગા સહિતની કેટલીક ભારતીય ભાષાઓમાં સાત હજારથી વધુ ગીતો ગાયાં. તેનાં ઇલ્યારાજા સાથેના ઘણા પ્રયોગાત્મક ગીતોએ તે સમયે ધૂમ મચાવી હતી.
રહેમાનના સંગીત નિર્દેશનમાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર તે પહેલી મહિલા પાર્શ્વગાયિકા
૧૯૯૪માં‘કરુથ્થમા’ ફિલ્મમાં તેને પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો  આ જ ગીતમાં એમ આર રહેમાનને તામિલનાડુ સ્ટેટ એવોર્ડ પણ મળ્યો. આ એવોર્ડની ખાસ વાત એ છે કે રહેમાનના સંગીત નિર્દેશનમાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર તે પહેલી મહિલા પાર્શ્વગાયિકા હતી.
રહેમાનની ફેવરિટ સિંગર
આ ગીતની સફળતા પછી તે રહેમાનની ફેવરિટ સિંગર બની ગઈ. ત્યારબાદ રહેમાને દક્ષિણ ભારતની ફિલ્મોમાં લગભગ બધા જં ગીતો સ્વર્ણલતા પાસે ગવડાવ્યા. જેટલું ઇન્ટેન્સ રહેમાનના સંગીતનું હતું એટલે જ ઇન્ટેન્સિટી વાળી સ્વર્ણલત્તાની ગાયકી હતી. 2002માં વધુ એક સિદ્ધિ  તેણે હસ્તગત કરી જ્યારે તમિલ ફિલ્મ ‘થલપાલી’ના તેનાં ગીતને  બીબીસી વર્લ્ડ ટોપ ટેન મ્યુઝિકપોલમાં સામેલ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં તેણી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એનો ઊંચો મુકામ બનાવી ચૂકી હતી પરંતુ હિન્દી બેલ્ટના લોકો હજી તેને વધુ ઓળખતાં ન હતા. સાલ 1995માં રામગોપાલ વર્માની હિન્દી ફિલ્મ રંગીલા માટે રહેમાને સંગીત તૈયાર કરી રહ્યા હતા આ પહેલા તેમનું સંગીત ફિલ્મ રોજા અને બોમ્બેમાં લોકોને વખાણ્યું હતું જે તામિલમાંથી ડબ કર્યું હતું પણ અત્યાર સુધી રહેમાને  કોઈ અસલ ઓરીજનલ હિન્દી ફિલ્મ માટે કામ કર્યું નહોતું એટલે એ રીતે રંગીલા રહેમાનની પહેલી હિન્દી ફિલ્મ હતી. ચારોતરફ આ ફિલ્મના સંગીતની ચર્ચા હતી સાથોસાથ આ ફિલ્મથી હિન્દી ફીલ્મજગતને એક સક્ષમ અને મધુર ફિમેલ વોઈસ મળ્યો. રંગીલાનું ગીત ‘હાય રામા યે ક્યા હુઆ’માં  ચાહતના ઊંડા એહસાસ અને નાયીકાની બેચેનીને તેના અવાજમાં ઉજાગર કરી અને તે પણ હરિહરન જેવા દિગ્ગજ  ગાયક સાથે! તેનાં સ્પાર્કવાળા માદક, આર્જવભર્યા અવાજથી તેણે આ ગીતને માસ્ટરપીસ બનાવી દીધો કે આજે પણ આ ગીત એટલું જ અપીલીંગ લાગે છે. આ ગીતથી હિંદીજગતમાં રહેમાનનો જાદુ ચાલ્યો તેમાં સ્વર્ણવત્તાનો મોટો ફાળો રહ્યો.
મુકાબલા.. મુકાબલા’ એ સમયે નેશનલ ક્રેઝ બની ગયું હતું
આ ઉપરાંત એક બીજું ગીત કે જેના ઉલ્લેખ વગર વાત અધૂરી રહી જાય. 1994માં આવેલી તમિલ ફિલ્મ ‘કાધરન’નું ‛મુકાબલા.. મુકાબલા’ એ સમયે નેશનલ ક્રેઝ બની ગયું હતું. રહેમાનના કમ્પોઝિશનનાં હિન્દી વર્ઝને અનેક નવા રેકોર્ડ બનાવ્યા હતાં અને અનેક રેકોર્ડ તોડ્યા હતાં. બીજા બધા ગીતો આ ગીતની સામે ત્યારે વામણા સાબિત થયા હતા. આ ગીત માટે ગીતકાર-ગાયકોને અનેક એવોર્ડ મળ્યાં.
એક થી એક ચડિયાતા કર્ણપ્રિય ગીત
હિન્દી ફિલ્મોમાં સ્વર્ણલતાનાં એક થી એક ચડિયાતા કર્ણપ્રિય ગીત હજુ સુધી યાદ કરવામાં આવે છે. તેરે હોઠો કી હંસી,  સુનતા હૈ મેરા ખુદા,  લટકા દિખા દિયા, હાય રામા, મુકાબલા મુકાબલા....વગેરે વગેરે...તો દક્ષિણની ફિલ્મમાં તો તેણે ગણ્યા ગણાય નહીં એટલાં કર્ણપ્રિય ગીતો આપ્યાં છે.
સ્વર્ણલત્તા કુદરતી રીતે જ ખૂબ સારો અવાજ ધરાવતી
તેની સાથે કામ કરનારા સંગીતકારોનું કહેવું છે કે સ્વર્ણલત્તા કુદરતી રીતે જ ખૂબ સારો અવાજ ધરાવતી હતી તેનો આ અવાજ ઈશ્વર દત્ત હતો. તે જે રીતે ઉદાસીના દર્દભર્યા ગીત ગાય એ જ સરળતાથી ડાન્સ નંબર પણ ગાયા અને એટલા જ સ્વાભાવિક પણે રોમેન્ટિક સોંગ પણ ગાયા આ બધા ઉપરાંત તેની ગાયકીમાં રહેલી મુગ્ધતા અને ચંચળતા ને નજરઅંદાજ કરવી મુશ્કેલ છે. સ્વર્ણલતાનો અનોખો અવાજ ટેકનીકલી  અનન્ય હતો અને નકલ કરવી મુશ્કેલ હતી. તે તેના અવાજના ટોનમાં કોઈ ફેરફાર કર્યા વિના તે ઉચ્ચ સ્તરે પહોંચી શકતી હતી.
કોઈપણ ભાષાના ગીતમાં તેના ભાવને શ્રોતા આબેહૂબ અનુભવી શકે
સ્વર્ણલતાએ જે પણ ભાષામાં ગાયું એ ગીતને યાદગાર બનાવી દીધું તેને ફક્ત શબ્દો ન ગાઇને, તેમાં છુપાયેલા ભાવને, ગીતના આત્માને ઓળખીને તેમાં પ્રાણ દીધા રેડી દીધા. આપણને ભલે ભાષા સમજમાં ન આવે પણ તેનાં કોઈપણ ભાષાના ગીતમાં તેના ભાવને શ્રોતા આબેહૂબ અનુભવી શકે છે મલયાલી હોવા છતાં તેનો ઉચ્ચારણ દરેક ભાષામાં એટલું સટીક કે તે કોઈપણ પણ ભાષામાં ગાતી હોય, તેને સાંભળનાર શ્રોતાઓને એમ જ લાગે કે આ ગાયકાની આ જ માતૃભાષા છે
પ્રોફેશનલ પોલિટિક્સ બહુ નડી ગયું
1994થી લઈને 2000ની સાલ આવતા આવતા તેની સંગીત કારકિર્દી ધીમી પડી ગઈ.પણ આખરે એવુ તો શું થયું કે કુદરતની આ આ મધુર અવાજ આપણને પછી સાંભળવા જ ન મળ્યો! એ કડવું સત્ય છે કે ઉપર ઉપરથી ચમકતી લાગતી આ રૂપેરી દુનિયા પણ રાજનીતિથી પર નથી. સ્વર્ણલતા અતિ સરળ સ્વભાવને  કારણે તેને પ્રોફેશનલ પોલિટિક્સ બહુ નડી ગયું. આટલી ટેલેન્ટેડ હોવા છતાં એવું થવા માંડ્યું કે તેને મળેલા ગીતો એવી ગાયિકા પાસે જવા લાગ્યા કે જે સ્વર્ણલતા સાથે ક્યાંય ટકી શકે એમ ન હોય! જે સંગીતકારો રાત દિવસ તેની પાસે જ ગવડાવતાં એ બધા ધીમે ધીમે દૂર થતાં ગયાં!
તે ચોક્કસ કોઈ પીડા સાથે  જીવી રહી હતી
કહેવાય છે કે સ્વર્ણલતા હંમેશા ઇન્ટ્રોવર્ટ હતી અને તેને કોઈ  પણ સાથે વાત કરવી ફાવતી ન હતી!  સ્ટુડિયોના બંધ રૂમમાં ગીત ગાવામાં સહજતાં અનુભવતી સ્વર્ણલતા લોકો સાથે વાતો કરતા ગભરાતી હતી તે માન્યા મન આવે તેવું સત્ય છે. તો ઘણાનું કહેવું છે કે તે એક્યુટ સાયકોલોજીકલ ડિસઓર્ડરથી પીડાતી હતી. તે લોકો સાથે વાત કરવાનું ટાળતી હતી. અસંખ્ય ચાહકો અને સહકાર્યકરો વચ્ચે પણ કોઈ નિકટની મિત્રતા ન બની. હદ ઉપરાંતના કેમેરાશાઇ નેચરને કારણે તે ટીવી પર અને જાહેરમંચ પર આવવામાં કોઈ અજ્ઞાત ડર તેને કોરી ખાતો. બસ, તેના સમકાલીન ગાયકોએ તેની આ નબળાઈનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો  તે તેના નજીકના લોકોના કહેવા પ્રમાણે તેના દેખાવ અંગે તે સતત લઘુતાના અનુભવતી હતી. એક્યુટ એર સિકનેસને કારણે તે વારંવાર હવાઈ સફર પણ ટાળતી હતી. તેના કારણે બીજા રાજ્યો અને દેશોમાં પર્ફોર્મન્સ ન આપી શકવું એ તેના માટે ડેન્જર પોઇન્ટ સાબિત થયો. તેને નજીકથી જોનારા જાણનારા કહે છે કે  તે ચોક્કસ કોઈ પીડા સાથે  જીવી રહી હતી પણ તેના પાછળનું કારણ કોઈ જ જાણી શક્યું નહીં. વળી, તે ઇડિયોપોથી નામની ફેફસાની બીમારીનો ભોગ બની. જેમાં ફેફસા સુધી ઓક્સિજન પહોંચવામાં તકલીફ થાય છે અને સીડી ચડવી તેમજ નાનું મોટું કામ કરવામાં પણ તકલીફ થાય છે. ઘણી બધી તબીબી સારવાર પછી પણ ઈલાજ કારગત ન નિવડ્યો. બોલીવૂડ તેમજ સાઉથ ઇન્ડસ્ટ્રીને હજારો રોમેન્ટિક ગીતો આપનાર સ્વર્ણલતાએ આજીવન એકલતા વેઠીને આખરે 12 સપ્ટેમ્બર 2010ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું! કોણ માની શકે કે ચંચળ, માદક, નટખટ અવાજની સ્વામીની તેની અસલી જિંદગીમાં માયુસીનો ભાર વેંઢારી જીવી રહી હતી!
Advertisement
Tags :
Advertisement

.