Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોતે કોરોનામાં પતિ અને દીકરો ગુમાવ્યો, છતાં વિધવા પુત્રવધૂના કરાવ્યા પુન: લગ્ન

રાજકોટના પટેલ સમાજના બે પરિવારોએ કુદરતી થપાટ બાદ નવું જીવન શરૂ કર્યું છે. 6 અને 9 વર્ષના બે સંતાનો સાથે સાસુની જવાબદારી પણ સ્વીકારતા રવિભાઇ આસોદરીયા આ પરિવાર સાથે તેમનો વ્યવસાય પણ સંભાળશે. કોરોના કાળની કરુણ પરિસ્થિતિ તમામ લોકો માટે કપરી રહી છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવવા પડયા છે. ત્યારે આજે જાણો કોરોનાને સામે લડીને જીવનની નવી રાહ
પોતે કોરોનામાં પતિ અને દીકરો ગુમાવ્યો  છતાં વિધવા પુત્રવધૂના કરાવ્યા પુન  લગ્ન
રાજકોટના પટેલ સમાજના બે પરિવારોએ કુદરતી થપાટ બાદ નવું જીવન શરૂ કર્યું છે. 6 અને 9 વર્ષના બે સંતાનો સાથે સાસુની જવાબદારી પણ સ્વીકારતા રવિભાઇ આસોદરીયા આ પરિવાર સાથે તેમનો વ્યવસાય પણ સંભાળશે. કોરોના કાળની કરુણ પરિસ્થિતિ તમામ લોકો માટે કપરી રહી છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવવા પડયા છે. ત્યારે આજે જાણો કોરોનાને સામે લડીને જીવનની નવી રાહ ચીંધતો એવો જ એક પ્રેરણાદાયી કિસ્સો આજે સામે આવ્યો છે.  રાજકોટના પટેલ પરિવાર પ્રવિણભાઇ પાંભર અને હંસાબેન પાંભરને ત્યાં કોરોનામાં હૃદયદ્રાવક કરુણ ઘટના બની હતી.
પ્રવિણભાઇ પાંભરની પુત્રી એકતાના લગ્ન 2011માં મિતાબેન અને ચંદુભાઇ કોટડીયાના એકના એક દીકરા સમ્રાટ સાથે થયા હતા. કોરોનાના કપરા સમયમાં એકતાબેને પતિ સમ્રાટભાઇ અને પિતા ચંદુભાઇનું 15 દિવસના ટૂંકાગાળામાં અકાળે દુ:ખદ અવસાન થયું હતું. આ દુ:ખભરી પરિસ્થિતિમાં દિકરી એકતા અને તેમના સાસુ પર શું વીતી હશે તે તો અંદાજ પણ આપણે ન લગાવી શકીએ. માત્ર 15 દિવસમાં જ આ સાસુ-વહુએ આ પરિવારના બે આધાર સ્તંભ એવા ઘરના બે મોભી ગુમાવ્યા હતા. હાલમાં સાસુ-વહુ અઢી વર્ષથી એકલા રહેતા હતા.
એકતાબેનને સંતાનમાં બે બાળકો ગ્રીષ્મા(ઉ.વ.9) અને દ્વિજ(ઉ.વ.6) છે. આ બંને બાળકો નાની વયે પિતાની છત્રછાયા અને દાદાના પ્રેમની હુંફ ગુમાવી પડી હતી. ઘડીવારમાં જ આખો હસતો રમતો પરિવાર વેરવિખેર થઇ ગયો. આવી વિષમ પરિસ્થિતિમાં પણ સાસુ મીતાબહેને સમાજના ધારા -ધોરણથી કંઇક અલગ વિચાર્યું.
મીતા બહેને પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે "શરૂઆતમાં અમને ખ્યાલ જ ન હતો કે હવે અમે બંન્ને શું કરીશું. અમે બંને આખી-આખી રાત જાગતાં હતાં. ઘડીકમાં ફોન તો ઘડીકમાં એકબીજાની સામે જોઇ દિવસ પસાર કરતાં હતાં. જે થવાનું હતું એ થઈ ગયું. એમાં બિચારી એકતાનો શું વાંક? બે નાનાં બાળકોનો શું વાંક?" એકતાબહેને પતિ અને બાળકોએ તેમના પિતા ગુમાવ્યા હતા, પરંતુ સાસુ મિતાબહેન તો પતિ ગુમાવવાની સાથેસાથે પોતાનો જુવાનજોધ દીકરો પણ ગુમાવ્યો હતો. આ વાતની હતાશા વચ્ચે તેમને એ વાતની પણ ચિંતા સતાવી રહી હતી કે હવે આગળ શું થશે? ઘરનો ધંધો છે, ઘરમાં નાનાં બાળકો છે અને જુવાન પુત્રવધૂ છે. આ બધી ચિંતા વચ્ચે તેમણે એકતાબહેનના પુનર્લગ્ન કરાવવાનું નક્કી કર્યું. મિતાબહેનની લોકોને અપીલ છે કે વિધવા પુત્રવધૂઓના પુનર્લગ્ન કરાવવામાં જરાય સંકોચ ન રાખવો જોઈએ.
પોતાના વ્હાલસોયા દીકરાને ગુમાવ્યા બાદ દિકરી જેવી વહુને આખુ જીવન એકલુ જીવવું ન પડે અને બે બાળકોને પિતાની છત્રછાયા મળે તેવા વિચારથી એકતાબેનના બીજા લગ્ન કરવાનું નકકી કર્યુ. આ અંગે મીતાબેને એકતાબેનના માતા-પિતા સાથે ચર્ચા કરી. અને એકતાબહેન માટે દીકરા જેવો જમાઇ શોધવાનું ચાલુ કર્યું. બંન્ને પરિવારની સંમતિથી એન્જીનિયર એવા રવિની પસંદગી કરાઇ.
પિતા પ્રવીણભાઇએ નકકી કર્યુ કે એકતા માટે એવા વ્યકિતની પસંદગી કરવી છે  જે દિકરીને ત્યાં તેમના સાસરીમાં રહે.  યથાયોગ્ય યુવક સાથે લગ્ન થાય અને જમાઇ જો આ પરિવાર સાથે રહે તો સાસુને પણ પુત્ર જેવો જમાઇ મળે. તેમની શોધ ગોંડલના રહેવાસી કાંતાબેન મહેશભાઇ આસોદરીયાના એન્જીનિયર પુત્ર રવિએ પૂરી કરી. બંનેના લગ્ન નકકી કર્યા.  રવિએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, "મને શરૂઆતથી એમ હતું કે હું કોઈના માટે કંઇક કરી શકું તો પણ સારું હશે. મારી માટે જ્યારે આ લગ્નની વાત આવી તો હું તૈયાર થઈ ગયો અને મને ખુશી છે કે હું આ પરિવાર માટે કંઈક કરી શક્યો છું."
એકતાબહેન માટે શરૂઆતમાં આ થોડુંક અજુગતું લાગતું હતું. તેમણે પોતાની લાગણી રજૂ કરતાં કહ્યું કે "મને શરૂઆતમાં એમ લાગતું હતું કે હવે મારું જીવન સમાપ્ત થઈ ગયું છે. હવે આગળ કંઈ નહીં થાય, મારા બાળકો સામે જોઇને એક એક દિલસ નીકાળ્યો હતો, પરંતુ મારા પરિવારના સપોર્ટથી હું આગળ આવી. ફરી વખત લગ્નની વાત આવી તો મને લાગ્યું કે હું ફીટ નહીં બેસું પણ હવે ધીમેધીમે બધું સરખું થઈ રહ્યું છે."
17 ઓગસ્ટે એકતાબેન અને રવિભાઇના લગ્ન સંપન્ન થયા. હવે રવિભાઇ સાસુ મીતાબેન અને પત્ની એકતાબેન સાથે રહી તેમનું ઘર સાથે વ્યવસાય પણ સંભાળી રહ્યાં છે. આ ન માત્ર એક પરિવાર માટે પરંતું આખા સમાજ માટે એક પ્રેરણારુપ કિસ્સો છે.
 
Advertisement
Tags :
Advertisement

.