Satsang : પરસ્પર પ્રીતિ પ્રસારાવે એ ધર્મ
Satsang- કક્કામાં આવતો એક વર્ણ અક્ષર ‘વ’ એ વ્યક્તિમાત્રના જીવનમાં સૌથી મહત્ત્વની અને પાયાની ભૂમિકા ભજવે છે. વિચાર, વાણી અને વર્તન આ ત્રણ ‘વ’ થી શરૂ થતા શબ્દો વ્યક્તિની અધોગતિ કે ઊર્ધ્વગતિનું કારણ છે. એમાંય વાણી અને વર્તનનો મૂળભૂત આધાર વિચાર પર છે. વ્યવહારિક કે આધ્યાત્મિક ક્ષત્રેમાં વિચારો જ વ્યક્તિને મહાન બનાવે છે.
કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ માટે સવળો વિચાર એ સુખ, આનંદનું કારણ બને છે. જ્યારે અવળો વિચાર કલેશ, ઝઘડા, કે દુઃખનું કારણ બને છે.
અધૂરો પાણીનો ગ્લાસ લઈ જઈ સોક્રેટિસને કોઈકે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે ગ્લાસ અડધો ભરેલો છે. આ જ સવળો વિચાર કહેવાય પણ તેઓ એમ કહે કે, અડધો ખાલી છે તો તે અવળો વિચાર.
સવળા વિચારની આપણા જીવનમાં ડગલે ને પગલે તાતી જરૂરિયાત
કોઈએ તુકારામને શેરડીનો આખો ભારો ભેટ આપ્યો. તુકારામે તે બાળકોને વહેંચી દીધો અને એક સાંઠો પોતાની પત્નીને આપ્યો આ જોઈ તેમના પત્ની તેમનાં પર ખૂબ ગુસ્સે થયા અને આ સાંઠો લઈ તુકારામના માથામાં માર્યો. સાંઠાના બે ટુકડા થઈ ગયા. તરત જ બીજો સાંઠો ઉપાડી તુકારામે કહ્યું, “મને ખબર જ હતી કે તમ એકલી શેરડી ન જ ખાવ. તેથી તો આ શેરડીના બે ટુકડા કરી એક ટુકડો તમે મને આપ્યો ખરેખર હવે આપણે વહેંચીને ખાઈ લઈએ.” આ જ સવળો વિચાર. આવા જ સવળા વિચારની આપણા જીવનમાં ડગલે ને પગલે તાતી જરૂરિયાત છે.
ભગવાન અને ભગવાનના મોટા સત્પુરુષની સાથે જેણે હેત અને આત્મબુદ્ધિ કરી હોય એમને પોતાનું જીવન માન્યું હોય તેને ક્યારેય એમના વિષે અવળો વિચાર જ ન આવે. ગમે તેવા વચનના ભીડામાં લે કે કસોટી કરે તોપણ હંમેશાં સવળું જ વિચારે.
આત્મબુદ્ધિનું સાક્ષાત્ સ્વરૂપ એવા ભક્તો
વસતડીના ગોપાળજીભાઈ એટલે Satsang માં આત્મબુદ્ધિનું સાક્ષાત્ સ્વરૂપ. મૂળી મંદિરનું બાંધકામ ચાલે. મંદિરમાં પૈસાની તાતી જરૂરિયાત હતી. બ્રહ્માનંદ સ્વામીએ વિચાર કર્યો મંદિર માટે પૈસા ક્યાંથી મેળવવા ? ત્યાં યાદ આવી ગયા ગોપાળજીભાઈ. કાંઈ જ વિચાર કર્યા વિના ચિઠ્ઠી લખી નાંખીને ઊંટ લઈને ભગુજીને રવાના કરી દીધા. ચિઠ્ઠી ગોપાળજીભાઈના હાથમાં આવતા એમના અંતરમાં આનંદનો પાર રહ્યો નહીં. ગોપાળજીભાઈએ વિચાર્યું, “સ્વામીને હજારો ભક્તો છે. તેમાંથી મને જ ખાસ પસંદ કર્યો. કેટલી મારા પર અનહદ કૃપા !” સ્વામીને વિષે દિવ્યભાવના વિચારે અને કૃપાના સવળા વિચારે ગોપાળજીભાઈને આનંદિત કરી દીધા જ્યારે આ જ ચિઠ્ઠી વાંચીને અવળા વિચારે ગોપાળજીભાઈના પિતાશ્રીને દુઃખી કરી દીધા.
ભગવાનને ભગવાન જાણ્યા પછી તેને વિષે મનુષ્યભાવ પરઠે તેના જેવો મૂરખ બીજો કોણ ?
સમઢિયાળાના વીરા શેલડીયા, બધાએ અવળું ભરાવવા માંડ્યું કે “સ્વામિનારાયણ બે–ચાર કાઠિયાણી બાઈઓને લઈ ભાગી ગયા છે.” જો કોઈ ઢીલા – પોચા હોય તો તરત જ અવળા વિચારે ચડી જાય પરંતુ હંમેશાં મહારાજને વિષે અને સત્પુરુષને વિષે દિવ્યભાવની દુનિયામાં રાચતા વીરા શેલડીયા તરત જ જવાબ આપે છે કે, “શું કહ્યું ? બેચાર જ ! જુઓ સાંભળી લો. સ્વામિનારાયણ સર્વાવતારી ભગવાન છે. પૂર્વે શ્રીકૃષ્ણના અવતારને સોળ હજાર એકસો આઠ રાણીઓ હતી. તોય તે ભગવાન કહેવાયા. તો મારા સ્વામિનારાયણ ભગવાન તો સર્વોપરી ભગવાન છે. તમે કહો છે તે સાચું તો નથી જ પરંતુ કદાચ હોય, તોપણ મને તો સંકલ્પ ઊઠવાનો જ નથી. કારણ કે, ભગવાનને ભગવાન જાણ્યા પછી તેને વિષે મનુષ્યભાવ પરઠે તેના જેવો મૂરખ બીજો કોણ હોઈ શકે ?”
આ વીરા શેલડીયા એક વખત કુટુંબ કબીલા સાથે ગઢપુર ગયા. પાછળ વિરોધીઓએ ભેગા થઈ મકાન બાળી નાંખ્યું. વીરા ભગત પાછા આવ્યા અને વિરોધીઓએ ચડાવવા માંડ્યા, “અલ્યા વીરા ! તારા સ્વામિનારાયણ ભગવાન છે તો તારી આટલીય રક્ષા ના કરી તું તો સમૈયો કરવા ગયો હતો ત્યારે તો તારી રક્ષા કરવી જોઈએ ને ! તોડી નાંખ કંઠી આવા તે ભગવાન હોતા હશે !” પરંતું જેના રોમેરોમમાં મહાત્મ્ય ભર્યું હતું તેને અવળો વિચાર આવવાનો પ્રશ્ન જ નહોતો.
તેથી તેમણે તરત જ કહી દીધું, “મારા ઇષ્ટદેવ મારું ભૂંડું કરે જ નહીં. આ તો સંતોએ વર્તમાન ધરાવી મારાં પાપ બાળી દીધાં. પણ મારા ઘરનાં પાપ બાકી હતાં તે હવે ઘર બળ્યું એટલે બળી ગયાં. મારે તો સારું જ થયું હવે નવા ઘર કરાવીશું. મહારાજ અને સંતોને બોલાવીશું સમૈયો સમઢીયાળામાં જ કરીશું.” જે નિરંતર સવળા વિચારોમાં જ રમણ કરતા હોય તેને ગમે તેવા ઢીલા વેણ, સંગ કે પરિસ્થિતિમાં પણ અવળો વિચારનો ઉદ્ભવે જ નહીં.
Satsang- અમદાવાદના દામોદરભાઈને સંતો વગર વાંકે વઢી નાંખે ઉતારી પાડે છતાંય ક્યારેય એમને કોઈ જ અવળા સંકલ્પ થાય નહીં. તેઓ દિવ્યભાવથી બધી વાતને સવળી જ લીધા કરે.
જીવ તો અનંત જન્મથી ગુનેગાર જ છે
એક વખત શ્રીજીમહારાજે કહ્યું, “અલ્યા દામોદર, આ સંતો વગર વાંકે વઢે છે તે તને ખોટું નથી લાગતું ?” દામોદરભાઈ કહે, “દયાળુ ! સંતો વગર વાંકે વઢે જ નહીં. જીવ તો અનંત જન્મથી ગુનેગાર જ છે. અને સંતો તો અંતર્યામી છે. મારો આ જન્મનો વાંક નહિ હોય તો ગયા જન્મનો કોઈ વાંક હશે. માટે જ તે જોઈ વિચારીને વઢતા હશે.” હવે આમને કેવી રીતે અવળું પડે ? ન જ પડે. કારણ જેને રોમેરોમમાં શ્રીજીમહારાજ અને મોટાપુરુષ વિષે અથવા ભગવાનના ભક્તને વિષે દિવ્યભાવ છે. આમ, તમને સત્સંગીમાત્રના દોષ નજરમાં આવતા જ નથી.
સમયે સવળા વિચારને ગ્રહણ ન કરી શક્યા હોય એને એનું પરિણામ એ આવ્યું કે, તે સત્સંગમાંથી પડી ગયા. જેમ કે, અલૈયાખાચર ને આંબાશેઠ.
હરિને ગમે એવા થવું જ છે
આ બધા દૃષ્ટાંતોને જોતાં – આપણે પણ આપણા જીવનમાં દૃઢ સંકલ્પ કરીએ – નક્કી કરીએ કે હંમેશાં અવળા વિચારોનો ત્યાગ કરી સવળા વિચારોને જ ગ્રહણ કરીશું. પૂ.સ્વામીશ્રીએ પણ ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકામાં પોઝિટિવ થિન્કિંગના ફાયદા વર્ણવતા કહ્યું છે,
દેહાભિમાનનું પોષણ અટકશે.
અભાવ – અવગુણરૂપી મહાભયંકર પાપથી બચાશે.
સમય બગડતો અટકશે.
ઉદ્વેગ રહિત સુખ અને શાંતિભર્યું વાતાવરણ સર્જાશે.
પરસ્પર આત્મીયતા જળવાશે.
આપણે સૌ પોઝિટિવ વિચારસરણીને અપનાવી વાણી અને વર્તનને ઉજ્જવળ બનાવીએ. સવળા વિચાર કરીશું તો સવળા થઈશું ને અવળા વિચારે અવળા થઈશું. તેથી કહ્યું છે ને,
“જેવા વિચારો તમે કરવાના;
એવા જરૂર તો તમે થવાના...”
આ પણ વાંચો- Sanatan Satya : કાબે અર્જુન લૂંટ્યો, વોહી ધનુષ ઓર વોહી બાણ!