Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rashtriya Poshan Maah 2024 -મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો શુભારંભ

"Rashtriya Poshan Maah 2024'- ૭મા ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪’નો ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ --- કેન્દ્રિય મહિલા-બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની પ્રેરક ઉપસ્થિતિ :- --- મહાત્મા મંદિર બન્યું માતૃ-બાળશક્તિના પોષણ મહાત્મ્યનું કેન્દ્ર --- સ્વસ્થ-સક્ષમ-સુપોષિત રાષ્ટ્ર દ્વારા વિકસિત...
rashtriya poshan maah 2024  મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો શુભારંભ
  • "Rashtriya Poshan Maah 2024'- ૭મા ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪’નો ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
    ---
  • કેન્દ્રિય મહિલા-બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની પ્રેરક ઉપસ્થિતિ :-
    ---
  • મહાત્મા મંદિર બન્યું માતૃ-બાળશક્તિના પોષણ મહાત્મ્યનું કેન્દ્ર
    ---
  • સ્વસ્થ-સક્ષમ-સુપોષિત રાષ્ટ્ર દ્વારા વિકસિત ભારત@૨૦૪૭ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ‘સહી પોષણ-દેશ રોશન’ મહત્વનું બનશેઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

---
'Rashtriya Poshan Maah 2024' નો મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે  મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો. આ સાતમો રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪ છે.  પોષણ માસની ઉજવણીમાં અગ્રેસર રહેવાની પરંપરા ગુજરાત આ વર્ષે પણ જાળવશે.

Advertisement

  • માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઈકોસિસ્ટમમાં બદલાવ માટે દેશમાં રાષ્ટ્રીય પોષણ મિશન નવતર અભિગમ બન્યું
  • પોષણ માહ-પોષણ મિશન દેશમાં જનઆંદોલન બની ગયું છે.
  •  દૂધ સંજીવની – ટેક હોમ રાશન – પોષણ સુધા અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જેવી સર્વગ્રાહી પોષણ યોજનાઓના સકારાત્મક પરિણામો ગુજરાતમાં મળ્યાં છે.
  • વડાપ્રધાનશ્રીએ દેશમાં માતા-બાળકના પોષણ સાથે ધરતી માતાના પર્યાવરણીય પોષણની કાળજી લઈને ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરાવ્યું છે.
  • ગુજરાતે 53 હજાર આંગણવાડીઓમાં ‘એક પેડ મા કે નામ’ અન્વયે વૃક્ષારોપણ વૃક્ષઉછેર-જતન-માવજતનો આયામ અપનાવ્યો છે.
    *
  • કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી
     
  • વિકસિત ભારતના નિર્માણ માટે કુપોષણ મુક્ત ભારત બનાવવામાં પોષણ અભિયાનની ભૂમિકા મહત્વપૂર્ણ

CM શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭મા રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઈકોસિસ્ટમમાં બદલાવનો નવતર અભિગમ બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, ‘સહી પોષણ-દેશ રોશન’ના ધ્યેય સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારત@૨૦૪૭નો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સાકાર કરવામાં પોષણ માહ મહત્વપૂર્ણ બનશે.

Advertisement

દેશમાં સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષની વય સુધીના બાળકોના પોષણની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને કુપોષણ સામેના જંગ માટે વડાપ્રધાનશ્રીએ ૨૦૧૮માં રાષ્ટ્રીય પોષણ અભિયાનની શરૂઆત કરાવી હતી.

દર વર્ષે સમગ્ર સપ્ટેમ્બર મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાની આ પરંપરાની ૭મી શ્રેણીનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કેન્દ્રિય મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.

Advertisement

સાતમા તબક્કાના આ પોષણ માહની ઉજવણી દેશભરમાં એનિમિયા નિવારણ, ગ્રોથ મોનિટરિંગ, ટેક્નોલોજીના ઉપયોગથી સુશાસન અને પારદર્શિતા દ્વારા કાર્યક્ષમ સેવા વિતરણ, 'પોષણ ભી પઢાઈ ભી' અને પૂરક આહારની થીમ સાથે થવાની છે.

મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રિય મહિલા બાળ કલ્યાણ મંત્રીશ્રી તેમ જ ગુજરાતના મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાએ આ અવસરે પ્રતિકરૂપે ભૂલકાંઓને અન્નપ્રાશન ટીપાં પીવડાવવા સાથે, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ, સગર્ભા અને ધાત્રી માતા તથા એડોલસન્ટ દીકરીને પોષણક્ષમ આહાર કીટ તેમ જ સ્વાવલંબન યોજનાના લાભાર્થી બહેનને સહાય ચેકનું વિતરણ કર્યું હતું.

રાજ્ય સરકારની નવી નારી ગૌરવ નીતિ-૨૦૨૪નું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, સૌના સાથ, સૌના વિકાસના મંત્રને રાષ્ટ્રહિત અભિયાનોમાં જનભાગીદારી જોડીને સાકાર કરવાની જે પ્રેરણા વડાપ્રધાનશ્રીએ આપી છે, તેના ફળસ્વરૂપે પોષણ માહ હવે કુપોષણ સામેની લડાઈનું જનઆંદોલન બની ગયું છે.
"તેમણે ગુજરાતમાં માતાઓ, સગર્ભા બહેનો, એડોલસન્ટ દીકરીઓ અને બાળકોના પોષણ, આરોગ્ય અને શિક્ષણની બાબતમાં સંકલિત અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે, તેની વિશદ ભૂમિકા પણ આપી હતી."

મુખ્યમંત્રીશ્રીએ આ અંગે જણાવ્યું કે, "બાળકોનું અને ખાસ કરીને આદિજાતિ વિસ્તારોના બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવા દૂધ સંજીવની યોજનામાં અંદાજે 13 લાખથી વધુ બાળકોને પાશ્ચ્યુરાઈઝ્ડ ફોર્ટીફાઈડ ફ્લેવર્ડ મિલ્ક સરકાર આપે છે."
"એટલું જ નહીં, ટેક હોમ રાશન, પોષણ સુધા અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા વધારાનું પ્રોટિન તથા પૂરક પોષક આહાર પૂરો પાડવામાં આવે છે. આવી સર્વગ્રાહી પોષણ યોજનાઓના સકારાત્મક પરિણામો રાજ્યમાં જોવા મળ્યા છે અને અત્યાર સુધીમાં 45 લાખ લાભાર્થીઓને યોજનાકીય લાભ મળ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું."

એક પેડ મા કે નામ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ દેશની માતાઓ અને બાળકોના પોષણ સાથે ધરતી માતાના પર્યાવરણીય પોષણની કાળજી લઈને ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરાવ્યું છે.
ગુજરાતની બધી જ 53 હજાર આંગણવાડીઓમાં આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, વૃક્ષઉછેર અને જતન તથા માવજતનો આયામ સરકારે અપનાવ્યો છે, તેનો પણ તેમણે ગૌરવસહ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સૌને સહિયારા પુરુષાર્થથી આ સાતમા પોષણ માહને સિદ્ધિની નવી ઊંચાઈઓ પાર કરાવવા આહવાન કર્યું હતું.
રાષ્ટ્રીય પોષણ માહના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે, "ભારતે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે, ત્યારે વિકસિત ભારતની સિદ્ધિ માટે દેશને કુપોષણ મુક્ત બનાવવામાં પોષણ અભિયાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે."

બાળકોના વિકાસ અને પોષણને પ્રાધાન્ય

"વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં મહિલાઓ તથા બાળકોના વિકાસ અને પોષણને પ્રાધાન્ય આપ્યું છે. તેમણે વડાપ્રધાનશ્રીની મન કી બાતના આ વખતનાં સંસ્કરણનો ઉલ્લેખ કરતા કહ્યું કે વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય પોષણ માહ વિશે કહ્યું હતું કે, દેશનાં બાળકો અને મહિલાઓને યોગ્ય પોષણ આપવું એ દેશની પ્રાથમિકતા છે."

કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "પોષણ અભિયાન અંતર્ગત છેલ્લા ૪ વર્ષમાં ૩.૧૭ કરોડથી વધુ સમુદાય આધારિત કાર્યક્રમો યોજાયા છે. ભારત સરકારે ૨૦૨૪-૨૫ના "રાષ્ટ્રીય પોષણ માહ"ની ઉજવણી વિવિધ થીમ આધારિત કરવાનું આયોજન કર્યું છે. જેમાં એનિમિયા, વૃદ્ધિ દેખરેખ (ગ્રોથ મોનીટરીંગ), પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી (PBPB), સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજી તથા સર્વગ્રાહી પોષણ કે જે પોષણ સાથે જોડાયેલી તમામ આવશ્યક બાબતોને આવરી લે છે. આ તમામ થીમ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ આ મહિના દરમિયાન સમગ્ર દેશમાં આયોજિત કરાશે."

દેશની મહિલા સ્વસ્થ હશે, તો સંપૂર્ણ દેશ સ્વસ્થ

"દેશની મહિલા સ્વસ્થ હશે, તો સંપૂર્ણ દેશ સ્વસ્થ બનશે,"  તેમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, "છેલ્લાં દસ વર્ષમાં ભારત સરકારે મહિલા અને બાળલક્ષી અનેકવિધ યોજનાઓને માત્ર લાગુ જ નથી કરી, પરંતુ તેનું સુદ્રઢ અમલીકરણ અને મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચે, તેની સરકાર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે."

ગુજરાતની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રી કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તથા મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પોષણલક્ષી ઉત્તમ કામગીરી થઈ રહી છે. પોષણ માસની ઉજવણીમાં ગુજરાત દર વર્ષે અગ્રેસર રહ્યું છે, આ વર્ષે પણ ગુજરાત અગ્રેસર રહેશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

"ગુજરાત સરકારે મહિલાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે પણ અનેક પગલાં લીધા છે, તેમાંનું સૌથી સરાહનીય પગલું એટલે કે, 181 અભયમ મહિલા હેલ્પ-લાઇન નંબર થકી અનેક મહિલાઓ સુરક્ષિત થઈ છે. ગુજરાતનું 181 અભયમ હેલ્પ-લાઇનનું મોડલ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે," તેમ કેન્દ્રિય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

એક પેડ માં કે નામ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ મિશન અંતર્ગત દેશભરની ૧૪ લાખ આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ મિશન પર્યાવરણને સંતુલિત કરી ભવિષ્યને બચાવવા કારગત સાબિત થશે.

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી અનિલ મલિકે પોષણ ટ્રેકરના અમલીકરણમાં ગુજરાતની કામગીરીને બિરદાવી હતી. ભારત સરકાર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી વિવિધ પહેલો, પ્રવૃત્તિઓ ઉપરાંત પોષણ માહ દરમિયાન યોજાનાર કાર્યક્રમોની તેમણે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ તેમણે પોષણના મહત્વ અંગે પણ વિસ્તૃત સમજ આપી હતી.

ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકરે કાર્યક્રમમાં સૌનું શાબ્દિક સ્વાગત કરી, ગુજરાતમાં પોષણ અભિયાન અંતર્ગત થઈ રહેલી કામગીરીની વિગતવાર માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી રીટાબેન પટેલ તથા શ્રી જયંતીભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગુજરાતના ICDS કમિશનર શ્રી રણજીતકુમાર સિંહ ઉપરાંત ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આંગણવાડી કાર્યકરો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- Health Update :રાજ્ય સરકારનો તબીબો માટે મહત્વનો નિર્ણય

Tags :
Advertisement

.