હવે અકલ ઠેકાણે આવી! સંબંધ સુધારવા માલદીવના રાષ્ટ્રપતિ આવી રહ્યા છે ભારત
- મુઈઝુની ભારત યાત્રા: એક નવી દિશામાં સબંધો
- ભારત સાથે સંબંધ સુધારવા મોહમ્મદ મુઈઝુ આતુર
- 5 દિવસની મુલાકાતે આવશે ભારત
માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ (Mohammad Muizzu), જેમણે સત્તા પર આવ્યા બાદ ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું, હવે તેમનું વલણ નરમ પડી ગયું છે. ચીન તરફ ઝુકાવ ધરાવતા મુઈઝુ (Muizzu) હવે પ્રથમ રાજકીય રાજ્ય મુલાકાત માટે નવી દિલ્હી (New Delhi) માં આવી રહ્યા છે. 7 થી 10 ઓક્ટોબરના તેમની આ મુલાકાતમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) સાથે દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
સમાધાન તરફ ભારત અને માલદીવના સંબંધો
મોહમ્મદ મુઈઝુની આ પહેલી રાજ્ય મુલાકાત એવા સમયે આવી છે, જ્યારે ભારત અને માલદીવ વચ્ચેનો તણાવ ધીરે ધીરે સમાધાન તરફ આગળ વધ્યો છે. માલદીવના વિદેશ મંત્રી મુસા જમીરે થોડા દિવસો અગાઉ કહ્યું હતું કે, મુઈઝુ (Muizzu) એ ભારત સાથેની ગેરસમજણો દૂર કરી છે. તે પુનઃ ભારતની યાત્રા પર જઈ રહ્યા છે. મુઈઝુએ પહેલા ચીન તરફ ઝુકાવ દર્શાવ્યો હતો અને માલદીવમાંથી ભારતીય સૈનિકોને પાછા ખેંચવાની ઝુંબેશ શરૂ કરી હતી, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ ઊભો થયો હતો. જણાવી દઇએ કે, માલદીવ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનો મહત્વનો દરિયાઈ પડોશી છે. મુઈઝુની આ મુલાકાત સાથે વડાપ્રધાન મોદીનું 'SAGAR' (Safety and Growth for All in the Region) દ્રષ્ટિકોણ અને 'નેબરહુડ ફર્સ્ટ' પોલિસી વધુ મજબૂત થવાની અપેક્ષા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરના માલદીવના તાજેતરના પ્રવાસ બાદ બંને દેશો વચ્ચે સહકાર વધારી રહ્યા છે.
#WATCH | MEA Spokesperson Randhir Jaiswal says, "President of the Republic of Maldives Mohamed Muizzu will be travelling to India on a state visit from 7th to 10th October 2024. This will be his first bilateral visit to India. He had earlier visited India, in June 2024 to attend… pic.twitter.com/SwydGCxfeO
— ANI (@ANI) October 4, 2024
ભારત વિશે ગેરસમજ
માલદીવના મંત્રીના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને ભારત વિશે ગેરસમજ હતી, પરંતુ તે દૂર થઈ ગઈ છે. જમીરે કહ્યું હતું કે ભારત સાથેના સંબંધોમાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો, ખાસ કરીને જ્યારે રાષ્ટ્રપતિ મુઇઝુએ માલદીવમાંથી ભારતીય સૈનિકોની નાની ટુકડીને હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી. પરંતુ માલદીવમાંથી ભારતીય સૈનિકો હટાવ્યા બાદ બંને દેશો વચ્ચેની 'ગેરસમજણો' દૂર થઈ ગઈ છે. મુઈઝુ ચીન તરફ ઝોક ધરાવે છે. તેમના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ભારત-માલદીવના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. શપથ લીધાના કલાકોમાં જ મુઈઝુએ ભારત દ્વારા માલદીવને ભેટમાં આપેલા ત્રણ સૈન્ય પ્લેટફોર્મ પર તૈનાત ભારતીય સૈનિકોને પાછા ખેંચવાની માંગ કરી હતી. બંને પક્ષો વચ્ચે વાતચીત બાદ ભારતીય સૈનિકોની જગ્યાએ ટેકનિકલ કર્મચારીઓને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા.
PM મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી
માલદીવમાં મુઈઝુ સત્તામાં આવતાની સાથે જ તેમના ત્રણ નાયબ મંત્રીઓએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો હતો. માલદીવના વિદેશ મંત્રાલયે આ ટિપ્પણીઓથી પોતાને દૂર રાખ્યા હતા. બાદમાં આ ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મુઈઝુએ તેમના પુરોગામીઓથી વિપરીત, પદ સંભાળ્યા પછી નવી દિલ્હી ગયા ન હોતા. તેઓ પહેલા તુર્કી ગયા અને પછી જાન્યુઆરીમાં તેમની પ્રથમ રાજ્ય મુલાકાત માટે ચીનને પસંદ કર્યું. જો કે તેઓ 9 જૂને નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. તેઓ એકવાર ફરી ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે શું આ મુલાકાત આવનારા દિવસોમાં બંને દેશ વચ્ચે શાંતિ જાળવી રાખી શકશે કે નહીં તે હવે જોવું રહ્યું.
આ પણ વાંચો: શાન ઠેકાણે આવી! ચીનની માયાજાળમાં ફસાયેલા માલદીવને હવે ભારત યાદ આવ્યું