Vadali Blast: મફતમાં લીધું પાર્સલ રૂપી મોત! જાણો વડાલીના રહસ્યમય બ્લાસ્ટની સંપૂર્ણ વિગતો
Vadali Blast: સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા છાવણી ગામે ગુરુવારે બપોરે પાર્સલમાં રહસ્યમય બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયુ હતું અને 3 બાળકીઓ ઘાયલ થઈ હતી. સારવાર દરમિયાન વધુ એક બાળકીનું મોત થતાં બે ના મોત થયા હતા. મરનાર યુવક આરોપીની પત્નીના પ્રેમમાં હોવાથી બદલો લેવા હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આ અંગે વડાલી પોલીસે ગુનો નોંધી બોમ્બ પ્લાન કરનારની ધરપકડ કરી હતી. જોકે વીઆઇપી મૂવમેન્ટ વચ્ચે ઘટના બની હોવાથી FSL, બોમ્બ સ્કવોડ, ATS, NSG કમાન્ડો અને ચેતક કમાન્ડો પણ ઘટના સ્થળે આવ્યા હતા.
આ પાર્સલ રિક્ષા ચાલક લાઈને આવ્યો હતો
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે વણઝારા વાસમાં જીતુભાઈ હરિભાઈ વણઝારા (ઉ.32) પત્ની ગીતાબેન, બે પુત્રી છાયાબેન, ભૂમિકાને અને પુત્ર રાજવીર સાથે રહેતા હતા. દરમિયાનમાં ગુરુવારે બપોરે જીતુભાઈ અને તેમની દીકરીઓ ઘરે હતા. આ સમયે એક પાર્સલ રિક્ષા ચાલક લાઈને આવ્યો હતો. પાર્સલ લેવાની જીતુભાઈએ ના પાડી હતી પરંતુ રિક્ષા ચાલકે જણાવ્યું કે મફતમાં આવ્યું છે તો રાખોને! જેથી જીતુભાઇ અને તેમની દીકરીઓને લાગ્યું કે પાર્સલમાં કંઇક ખાવાની વસ્તુ હશે. તેથી ખાટલામાં બેઠા બેઠા પાર્સલ ખોલ્યું હતું. જેમાં સ્પીકર જેવી એક ઇલેક્ટ્રિક વસ્તુ નીકળી હતી. તે સ્પીકર ચાલુ ન થતાં જીતુભાઈ અને તેમની દીકરીઓ છાયાબેન, શિલ્પાબેન અને ભૂમિકા બેન કાકાના ઘરમાં સ્પીકર ચાલુ કરવા ઇલેક્ટ્રિક બોર્ડમાં લગાવ્યું હતું.
સારવાર દરમિયાન ભૂમિકા બેનનું પણ મોત
નોંધનીય છે કે, જીતુભાઈએ હાથમાં સ્પીકર રાખી આ સ્વીચ દબાવતા બ્લાસ્ટ થયો હતો. એટલો પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો કે, આશરે 2 થી 3 કિલોમીટર સુધી તેનો અવાજ આવ્યો હતો. ધડાકાનો અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટના સ્થળ પર જ જીતુભાઇના હાથના ફૂડચા થઈ ગયા હતા. આ સાથે શરીર પર અનેક કાણ પડી ગયા હતા. જ્યારે ત્રણે બાળકીઓને ગંભીર ઇજા પહોંચી હતી. જીતુભાઇના ભાઈ અને પરિવારના સભ્યો તેમને હોસ્પિટલ ખસેડ્યા હતાં. હોસ્પિટલમાં લઈ જતા જીતુભાઇને મૃત જાહેર કર્યા હતા. સારવાર દરમિયાન ભૂમિકા બેનનું પણ મોત નિપજ્યું હતું. આ અંગે વડાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસે આ મામલે સાચી વિગતો જણાવી
આ અંગે જિલ્લા એસપી વિજય પટેલે જણાવ્યું હતું કે, જીતુભાઇની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હતું. જીતુભાઇ આરોપી જયંતિ વણઝારાની પત્નીના પ્રેમમાં હતાં. વર્ષ 2015 થી જીતુભાઇ અને જયંતિ ભાઈની પત્ની સંપર્કમાં હતાં. એક જ ગામમાં રહેતા હોવાથી પ્રેમમાં પાડ્યા હતા. આ પ્રેમ પ્રકરણથી આરોપી જયંતિ નારાજ હતો. બદલો લેવાનું વિચારી રહ્યો હતો. જેથી તેણે ડેટોનેટર અને જીલેટીન સાથે ઇલેક્ટ્રોનિક્સ બોક્સ બનાવ્યું હતું. આ દેખાવે રેડિયો જેવું લાગતું હતું. પાર્સલ દ્વારા ઘરે મોકલી બ્લાસ્ટ કરાયો હતો. રાજસ્થાનના સખ્સ પાસે આરોપી બોમ્બ કેવી રીતે બનાવવો તે શીખ્યો હોવાનું બહાર આવ્યું છે. આરોપીની પત્ની આ ગામમાં જ હતી અને તેને તેના પ્રેમીની હત્યાને અંજામ આપ્યો હતો.
બોમ્બ આપનાર જ્યંતિ વણઝારાની ધરપકડ
નોંધનીય છે કે, આ કેસમાં અત્યારે FSL, બોમ્બ સ્કવોડ, ATS, NSG, ચેતક કમાન્ડો દ્વારા તપાસ હાથ ધરી દેવામાં આવી છે. આ કેસમાં પાર્સલમાં બોમ્બ આપનાર જ્યંતિ વણઝારાની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ અત્યારે બોમ્બ બનાવતા શીખવાડનાર અને ડેટોનેટર આપનારની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે જ્યંતિ રાજસ્થાનના શખ્સ પાસેથી બોમ્બ બનાવતા શીખ્યો હતો. પોલીસ અત્યારે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવા પ્રયાસ કરી દીધી છે.