Olympic 2024 : ટોક્યો બાદ પેરિસમાં ચમત્કાર કરવા તૈયાર Neeraj Chopra
Neeraj Chopra : ભારતીય ભાલા ફેંકની જ્યારે પણ વાત આવે ત્યારે સૌ કોઇને પહેલા નીરજ ચોપરાની જ યાદ આવે છે. દેશમાં ઘણા એવા લોકો પણ છે કે જેમણે પહેલીવાર જેવલિન થ્રો વિશે નીરજ ચોપરાના ગોલ્ડ જીત્યા બાદ સાંભળ્યું હશે. ઓલિમ્પિક્સ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ્સ અને ડાયમંડ લીગ ટાઇટલમાં ગોલ્ડ મેડલ સાથે, ભારતીય ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ ખૂબ જ નાની ઉંમરે ઇતિહાસના પાનામાં પોતાનું નામ લખી દીધું છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો
આજે જ્યારે ભારતમાં ક્રિકેટની રમતને સૌથી વધુ જોવામાં આવે છે અને તેની સૌથી વધુ ચર્ચાઓ થતી હોય છે ત્યારે અન્ય રમતો પર લોકોનું ખાસ ધ્યાન હોતું નથી પણ જે સમયે નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને ગોલ્ડ અપાવ્યો ત્યારે સૌ કોઇએ તેના વખાણ કર્યા હતા. તે સમયને કોઇ આજે પણ ભૂલ્યું નથી જ્યારે તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. તે ભારતીય ભાલા ફેંક ખેલાડી ટોક્યો 2020માં ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર દેશનો પ્રથમ અને એકમાત્ર ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ બન્યો હતો. બેઇજિંગ 2008માં શૂટર અભિનવ બિન્દ્રાના 10 મીટર એર રાઇફલમાં ઐતિહાસિક પ્રદર્શન પછી ટોક્યો 2020માં નીરજ ચોપરાનો ગોલ્ડ મેડલ ભારતનો બીજો વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ હતો. તે આટલું કરીને ન અટક્યો અને બે વર્ષ પછી, તેણે બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં પોડિયમમાં ટોચનું સ્થાન મેળવ્યું અને કોઈપણ એથ્લેટિક્સ ડિસિપ્લિનમાં ભારતનો પ્રથમ વિશ્વ ચેમ્પિયન બન્યો હતો.
કેવું રહ્યું છે નીરજ ચોપરાનું પ્રદર્શન?
- એશિયન ચેમ્પિયનશીપ 2017માં ગોલ્ડ મેડલ
- કોમન વેલ્થ ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ
- ટોકિયો ઓલિમ્પિક 2020મા ગોલ્ડ મેડલ
- ડાયમંડ લીગ 2022માં ગોલ્ડ મેડલ
- વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં સિલ્વર મેડલ
- વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ
આ રીતે નીરજ ચોપરાએ ભારત માટે મેડલ જીતી દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે. તેમણે દેશની ખ્યાતી આંતરાષ્ટ્રિય સ્તરે ઔર વધારી છે.
કેવી રીતે શરૂ કરી ભાલા ફેંકની તૈયારી?
નીરજ ચોપરાનો જન્મ 24 ડિસેમ્બર, 1997ના રોજ હરિયાણાના પાણીપત પાસેના ખંડરા ગામમાં થયો હતો. નીરજના પિતા સતીશ કુમાર ખંડરાના એક ગામમાં ખેડૂત છે અને તેની માતા સરોજ દેવી ગૃહિણી છે અને નીરજને બે બહેનો છે. તે માત્ર 11 વર્ષનો હતો જ્યારે તે પાણીપત સ્ટેડિયમમાં ભાલાની પ્રેક્ટિસ કરતા જયવીર (જય ચૌધરી)ને મળ્યો હતો જે એક ભાલા એથ્લિટ હતો જે હરિયાણાનું પ્રતિનિધિત્વ કરતો હતો. નીરજના કોઇપણ ટ્રેનિંદ વિના 40 મીટર થ્રોથી પ્રભાવિત થઇને જયવીર તેના પહેલા કોચ બન્યા હતા. નીરજે જયવીર પાસેથી લગભગ એક વર્ષ સુધી ટ્રેનિંગ લીધી હતી. 13 વર્ષની ઉંમરે, તેને પાણીપતના તાઉ દેવીલાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દાખલ કરવામાં આવ્યો હતો, જે તેના ઘરથી 4 કલાક દૂર હતું. ત્યાં તેને લાંબા અંતરની દોડ અને ભાલા ફેંકની તાલીમ આપવામાં આવી અને લગભગ 55 મીટરનું લક્ષ્ય હાંસલ કર્યું.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકની પ્રિ-ઈવેન્ટમાં ગુડ ન્યૂઝની હેટ્રિક, મિક્સ્ડ ટીમમાં પણ ભારતીય તીરંદાજોનો કમાલ