Rajkot : કાકા-ભત્રીજા સહિત ત્રણ ઉપર ખૂની હુમલો, વાહનોમાં તોડફોડ
અહેવાલ--રહીમ લાખાણી, રાજકોટ
રાજકોટ (Rajkot) જિલ્લાના કુવાડવા વિસ્તારમાં આવેલા શુકલ પીપળીયા ગામે આવેલી સીમમાંથી સરકારી ખરાબામાંથી પથ્થર ભરવા મામલે કોળી અને ભરવાડ જુથ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ મામલે સરપંચ સહિત અડધો ડઝન કોળી શખ્સોએ ધોકા અને પથ્થરના ઘા કરી ભરવાડ કાકા-ભત્રીજા સહિત ત્રણ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યાં પાર્ક કરેલા ત્રણ થી ચાર વાહનોમાં તોડફોડ કરી મોટુ નુકસાન કર્યુ હતું. બનાવ અંગેના વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતાં.જાહેરમાં હુમલો કરાતા લોકોના ટોળા ઉમટયા હતાં. આ મામલે ઘવાયેલા કાકા-ભત્રીજા સહિત ત્રણેય વ્યક્તિને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. આ બનાવ મામલે કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તુરંત સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ઘવાયેલાઓનું નિવેદન લેવા કાર્યવાહી શરૂ કરી છે.
ધોકા અને પથ્થર વડે જીવલેણ હુમલો
વધુ વિગતો મુજબ, કુવાડવાના શુકલ પીપળીયા ગામે રહેતા અજયભાઈ લીંબાભાઈ બાબુતર (ભરવાડ) (ઉ.38), તેના કાકા થોભણભાઈ બાબુભાઈ બાબુતર (ઉ.55) અને મહેશભાઈ નવઘણભાઈ બાબુતર (ઉ.35) પર આજે સવારના 11 વાગ્યે નાકરાવાળીના સરપંચ દિપકભાઈ રવજીભાઈ કોળી, રમેશ કોળી, શાંતિલાલ કોળી, મુન્નો કોળી અને બીજા અજાણ્યા શખ્સોએ ધોકા વડે અને પથ્થર વડે જીવલેણ હુમલો કરતાં ત્રણેયને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્રણેયને લોહીલુહાણ હાલતમાં 108 મારફત રાજકોટની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડયા હતાં. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી બનાવની જાણ કુવાડવા પોલીસ મથકને કરતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ ત્રણેય વ્યક્તિના નિવેદન લેવા સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો.
સરપંચ દિપકભાઈ કોળી સાથે માથાકુટ થઈ
ઘવાયેલા વ્યક્તિઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેઓ માલઢોરનો તેમજ દૂધનો વેપાર કરે છે તેમજ તેઓ ત્યાં ગામમાં આવેલી સીમ તેમજ સરકારી ખરાબાની જગ્યા પરથી પથ્થર ભરતાં હોય આ બાબતની જાણ સરપંચ દિપકભાઈ કોળીને થતાં તેમની સાથે માથાકુટ થઈ હતી. જે બાબતનો ખાર રાખી દિપકભાઈ કોળી તેમના સાગરીતો સાથે આજે ગામમાં ધસી આવ્યા હતાં અને તેઓ પાસે ધોકા અને પથ્થર હતાં. ત્યારબાદ આરોપીઓએ ધોકા વડે બેફામ માર મારી અને પથ્થરના છુટા ઘા કર્યા હતા. ત્યારબાદ તેઓએ જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેમજ ત્યાં પાર્ક કરેલા અમારા ત્રણેય બાઈક અને કારમાં કાચમાં તોડફોડ કરી મોટું નુકસાન પણ કર્યુ હતું. આ બનાવ અંગે કુવાડવા પોલીસ મથકના સ્ટાફે ત્રણેય વ્યક્તિના નિવેદન લઈ અડધો ડઝન શખ્સો સામે રાયોટીંગ, મિલકત નુકસાન અને હુમલો કર્યા અંગેની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો----BHARUCH : વેપારીએ ઓનલાઇન સામગ્રી મંગાવતા પથ્થર નિકળ્યો