મોહમ્મદ રફી- ન ભૂતો ન ભવિષ્યતિ ગાયક
મહંમદ રફી-એક અમર ગાયક
યુગાંતરો પછી પણ મુહમ્મદ રફીનો કંઠ દુનિયામાં પણ ગુંજતો રહેશે. મહમ્મદ રફી સાહેબના વર્ષોથી દિલોજાન ચાહક રહ્યા હો, પછી ધીરે ધીરે એમના બહુ ગવાયેલાં/સંભળાયેલાં ગીતો એ આનંદ ન આપે જે, ખાસ તમારા જેવા દસ-બાર ટકા ચાહકો જ જાણતા હોય. ‘સુહાની રાત ઢલ ચૂકી…’ કે ‘ચાહુંગા મૈં તુઝે સાંઝ સવેરે…’ હજી સાંભળી સાંભળીને કેટલી વાર ગમાડો? એ ગીતો તો આજીવન મનપસંદ રહેવાનાં છે, પણ રફીના જ્યાદા નહીં તો ઘણા ઓછા ચાહકો એવાય છે જેમને ગીતો કે એવા સંગીતકારોના રફીએ ગાયેલાં ગીતો કંઠસ્થ છે, જે ફક્ત ‘રેર’ ચાહકોએ જ સાંભળ્યાં અને ગમાડ્યાં હોય! જે આ ગીતો હવે પહેલી વાર સાંભળનારનેય તનબદનથી હર્યોભર્યો કરી દે.
હમારે બાદ કિસી કો યે જિંદગી ન મિલે
એન. દત્તા : સંગીતકાર એન. દત્તાનું રફીએ ગાયેલું એક ગીત આજે વર્ષો પછીય હું રોજ એક વાર સાંભળું છું, જેમાં ચમત્કાર સાહિર લુધિયાનવીએ પણ એકસરખો કર્યો છે. ફિલ્મ ‘ચાંદી કી દીવાર’નું ‘કહીં કરાર ન હો ઔર કહીં ખુશી ન મિલે, હમારે બાદ કિસી કો યે જિંદગી ન મિલે…’ ઈશ્વરનો નહીં, યૂ ટ્યૂબવાળાઓનો આભાર કે આવું ક્લાસિક ગીત વિડીયો પર બતાવાતું નથી નહીં તો, (ઓડિયોમાં સાંભળી શકાય છે.) આપણા કોઈ વાંક વગર આવું હૃદયદ્રાવક ગીત કોમેડિયન ‘ભા.ભૂ.’ના મોંઢે ગવાતું સાંભળવું પડત! (ભા.ભૂ. એટલે દરિયાકિનારાના ખડક જેવો ક્યારેય નહીં બદલાતો સ્થિર ચહેરો ‘ભારત ભૂષણ’… સૂચના સમાપ્ત હુઈ!) અંતરાઓના ‘સાહિરીયા’ શબ્દો સાંભળીને, હો એના કરતાં વધારે ‘ઈમોશનલ’ થઈ જશો! લક્ષ્મીકાંત-પ્યારેલાલ : ‘ખામોશ જિંદગી કો, આવાઝ દે રહે હો, તૂટે હુએ હાથોં મેં ક્યૂં સાઝ દે રહે હો…?’ લક્ષ્મીકાંત-પ્યારેલાલની ફિલ્મ ‘નાગ મંદિર.’ એક વખતના રેડિયો સીલોનના એનાઉન્સર શિવકુમાર ‘સરોજે’ આ ગીત લખ્યું હતું. ઘેર બેઠા વીસ મિનિટ ‘યોગ’ કરો કે આ ગીત સાંભળો, અસર સરખી થવાની. જી.એસ. કોહલી : ‘માના મેરે હંસી સનમ, તુ રશ્કે-માહતાબ હૈ…’ જીવો ધગધગતા ક્યાં બળી જાય કે, આવા સૂરીલા ગીતને પડદા ઉપર વ્હી. શાંતારામીયા હીરો ‘પ્રશાંતે’ ગાયું છે, જે દેસી રોબિનહૂડ બનતો હોવાથી એના કપડાં રોબિનહૂડને બદલે ઢીંચણથી ઉપરનું પોલકું અને નાડાંવાળો ચુસ્ત ગુલાબી લેંઘો પહેરાવ્યો હોય એવો બેહૂદો લાગે છે. કોહલી મૂળ તો ઓપી નય્યરનો આસિસ્ટન્ટ એટલે રફીમાં જે લઝ્ઝત ઓપીનાં ગીતોમાં આવતી, તે અહીંયા આવે છે. રવિ :રફી પાસેથી નૌશાદ કે શંકર-જયકિશન કરતાંય વધુ મીઠડું કામ લીધું હોય તો બે સંગીતકારોએ, એક ચિત્રગુપ્ત અને બીજો રવિ.
સંગીતકાર રવી રફી માટે કંપોજ કરેલું શ્રેષ્ઠ ગીત
રવીએ રફી માટે બનાવેલું સર્વોત્તમ ગીત કયું? ભારે ઉમળકા સાથે અપેક્ષા તો હતી ‘જાન-એ-બહાર હુસ્ન તેરા બેમિસાલ હૈ…’ ? ના, ફિલ્મ ‘અપના બના કે દેખો’નું ‘રાઝ-એ-દિલ ઉનસે છુપાયા ન ગયા… એક શોલા ભી દબાયા ન ગયા.’ ભા.ભૂ.ની માફક જીવો બળાવનાર બીજો પથરો મનોજ કુમાર હતો, જેને પણ રફીનાં ઉત્તમ ગીતો ગાવા મળ્યા હતા. અફકોર્સ, આ ‘પથરો’ તદ્દન ભા.ભૂ. જેવો નહોતો… કમસેકમ રફીની ગાયકીની મધુરતા બરકરાર રાખવા એ ચહેરા ઉપર હાવભાવ તો લાવી શકતો હતો. મદન મોહન : લાઈફટાઈમમાં એક્ટિંગ કરતી વખતે શરીરનો એક પણ અવયવ હલી ન જાય એનું કડકાઈથી ધ્યાન રાખનાર ભા.ભૂ. (ભારત ભૂષણ) આ ગીત ‘શમ્મા મેં તાકત કહાં જો એક પરવાને મેં હૈં…’ દરમિયાન એના ચહેરાની ભ્રમરનો એક ખૂણો કાચી સેકંડ માટે ઊંચો કરી શક્યો છે. (‘ક્યા ગજબ કી એક્ટિંગ કી હૈ, ભાઈ!’) ફિલ્મ ‘નયા કાનૂન’ના આ ગીતમાં મદન મોહને રફી પાસે કોઈ અભૂતપૂર્વ તર્જ સાથે ગવડાવ્યું છે, જેના વેરિએશન્સને કારણે સ્ટેજ પર આ ગીત હજી સુધી તો કોઈ ગાયક ગાઈ શક્યો નથી. મનોજ કુમાર એની હિરોઈનોને કોઈ ફિલ્મમાં અડતો નહોતો ને ભા.ભૂ. અડે ત્યારે પેલીના ગાલ ઉપર મલમ ચોપડતો હોય એવું લાગે!
સલિલ ચૌધરીનું One of the best song
સલિલ ચૌધરી : ફિલ્મ ‘પૂનમ કી રાત’માં રફીના ઓલમોસ્ટ દુશ્મન (કર્ટસી: બહેન લતા મંગેશકર) સંગીતકાર સલિલ ચૌધરીએ એની કરિયરનું ‘વન ઓફ ધ બેસ્ટ’ ગીત, ‘દિલ તડપે તડપાયે, જીન કે મિલન કો તરસે, વો તો ન આયે…’ રફી પાસે ગવડાવીને મોટી કમાલ કરી હતી. ગીતનો લય તો ફાસ્ટ છે જ, પણ ત્રીજા અંતરામાં રફીએ ‘… કિસ કો સદા દૂં…’માં જે મીન્ડ લંબાવી છે, એ ગમ્મત કરાવી દે છે. અહીં પણ વેપાર ચહેરાના હાવભાવનો નોંધાયો છે. એસ.ટી. બસ સ્ટેશનના પબ્લિક ટોઈલેટમાં કોઈ ગયું હોય ને બહાર પાર્ટી પેટ દબાવીને મચડાતી-કૂટાતી પોતાની ધરી ઉપર ચક્કર-ચક્કર ફરે રાખતી હોય છતાં પેલો હજી નીકળે નહીં, એવા પરફેક્ટ હાવભાવ ભાઈ મનોજે આપ્યા છે. ગીત ગાતી વખતે એનો સખત દુ:ખાવો ઉપડ્યો હોય, એમ પેટ પાસેય દિલધડક એક્ટિંગ મનોજે કરાવી છે.
શશિકાપુર માટે રફીસાહેબે સૌથી વધુ ગીત ગાયાં
શશી કપૂર કોઈ પણ દલીલ ચલાવી લીધા વગર ભારતનો આજ સુધીનો સર્વોત્તમ હેન્ડસમ પુરુષ હતો. એના અંગે અંગમાં આયાસ વિનાનું નૃત્ય હતું. એ અમથો ખભોય હલાવે તો નૃત્ય બની જતું. એવું જ સંગીતમય કામ રફી પાસેથી સંગીતકાર ઈકબાલ કુરેશીએ લીધું, ફિલ્મ ‘યે દિલ કિસ કો દું?’માં. ‘ફિર આને લગા યાદ વો હી, પ્યાર કા આલમ’ ગીતમાં ઈકબાલની ખૂબી એ પણ હતી કે, ગીતના ત્રણેય અંતરા જુદા જુદા બનાવ્યા છે. ફિલ્મ તો શશીના રેગ્યુલર નસીબ મુજબ, તદ્દન બેકાર હતી, પણ ઈકબાલનું સંગીત બેમિસાલ હતું. ઈકબાલભાઈનું ‘બિંદીયા’વાળું ગીત તો યાદ છે ને? ‘મૈં અપને આપ સે ઘબરા ગયા હૂં…!’ નવાઈઓ ઘણાંને લાગી શકે છે, પણ રફીએ સૌથી વધુ ગીતો શશી કપૂર માટે ગાયાં છે.