Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શીખીયે માબાપ બનતાં !

અહેવાલ--કનુ જાની સંતાન અવળે માર્ગે જવાની શક્યતાઓ સતત વધી રહી છે અને સાથે સાથે માબાપની ચિંતાઓ પણ. જે રીતે આ ધંધાદારીઓએ એમના માનસ ઉપર કબજો જમાવ્યો છે એ રીતે ચિંતા કરે કશું વળવાનું નથી. ‘અમે તમારી ઉંમરે ફલાણું કરતાં’તા-ઢીંકણું કરતાં’તા’...
શીખીયે માબાપ બનતાં
અહેવાલ--કનુ જાની
સંતાન અવળે માર્ગે જવાની શક્યતાઓ સતત વધી રહી છે અને સાથે સાથે માબાપની ચિંતાઓ પણ. જે રીતે આ ધંધાદારીઓએ એમના માનસ ઉપર કબજો જમાવ્યો છે એ રીતે ચિંતા કરે કશું વળવાનું નથી. ‘અમે તમારી ઉંમરે ફલાણું કરતાં’તા-ઢીંકણું કરતાં’તા’ એવી વિસરાતી વાતોમાં આજના કોઈ યુવાનો કે કિશોરોને રસ નથી કારણ કે એ વાતોનો આજના ટેકનોલોજી ભરેલા યુગ સાથે કોઈ સંદર્ભ નથી. તમે ઘરમાં અને માબાપ સાથે વધુ સમય ગાળતા’તા કારણ કે તમારી પાસે બહાર જવાની જગ્યાઓ કે વાહનો નહતા, આજે તેમની પાસે બંને છે !(ઘણાં એવી દલીલો કરે છે કે આજકાલ ક્લબો-પાર્ટીઓમાં રખડતા માબાપોને છોકરાઓ માટે ટાઈમ નથી, મારું માનવું જરા જુદું છે.ક્લબો-પાર્ટીઓ ઉપલબ્ધ હોય તેવો વર્ગ કે સંતાનો માટે સમય જ ના હોય તેવો વર્ગ કુલ સંખ્યાની સરખામણીએ લગભગ અવગણી શકાય તેટલો છે. બાકી મોટાભાગના માબાપોની પ્રાથમિકતામાં સંતાન ટોચ ઉપર હોય છે.)
તમે વાર-તહેવારે બે-ત્રણ મહિને એકાદ ફિલ્મ જોતા’તા અને આજે તેઓ દિવસમાં બે-ત્રણ ફિલ્મો જોઈ શકે છે ટીવી, લેપટોપ, ટેબ્લેટ કે મોબાઈલમાં ! તમે પુસ્તકો વાંચતા’તા કારણકે તમારી પાસે બીજા કોઈ વિકલ્પ જ નહતા, જયારે આજે તેમની પાસે અનેક વિકલ્પો છે. તમે ઘરની બહાર રમતો રમતા’તા પણ આજે તેમના ખોળામાં કે હાથમાં રમતો છે, તેમને રમવા માટે બહાર જવાની જરૂર નથી ! આવી તો અસંખ્ય અસમાનતાઓ છે જેને કારણે તમે તમારી કિશોરાવસ્થાનો સંદર્ભ ટાંકીને તેમનું ઘડતર ના કરી શકો, ખરેખર તો તમે આ વાતો શરુ કરોને ત્યારે એ સામે હોય, તમારી વાતમાં ડોકું ધુણાવતા હોય તેમ છતાં’ય બહેરા હોય અને એમનું મન બોલતું હોય કે ‘મમ્મી પાછી ચાલુ થઇ ગઈ’ , ‘ડેડી સક્સ’ (લાગ આવે તો ‘સ્ટેટસ’ પણ મૂકી જાય) !
ગમે કે ના ગમે, સ્વીકારો કે ના સ્વીકારો પણ આ વાસ્તવિકતા છે. તમારે તમારું ઉત્તમ આપવાનું છે પરંતુ વાતાવરણ એવું ગજબનું છે કે સરવાળે તમારે સંતાન જ્યાં સુધી પરિપક્વ ના થાય ત્યાં સુધી ચિંતામાં તો રહેવાનું જ છે !! કમનસીબ બાબત એ છે કે તમારે તો જીવનના દરેક તબક્કે તમારા સંતાનને ઉત્તમ જ આપવું છે પણ સંતાનને ક્યાંક તો એ ઉત્તમ લાગતું નથી અને ક્યાંક તો એને એ લેવું નથી, પોતાનો ચીલો પોતે પાડવો છે! આ બધી હકીકતો પછી પણ તમારે એમનું ઘડતર કર્યા વગર છુટકો નથી અને આજના કિશોરોની માનસિકતા અને લાક્ષણીકતાઓ સમજ્યા વગર એ શક્ય નથી. આ બાબતોને સમજીને એમની સાથે વ્યવહાર કરવામાં આવે તો કદાચ શક્ય છે કે વાતાવરણની અસરો તમે કંઇક અંશે કાબુમાં રાખી શકો. અહીં ‘કંઇક અંશે’ શબ્દ એટલે વાપર્યો છે કે સંપૂર્ણ કાબુમાં રાખવાનું સલાહભર્યું નથી કારણ કે સરવાળે તો તમારા સંતાનને એ જ વાતાવરણમાં જીવવાનું છે, એ જ વાતાવરણની અસર હેઠળની માનસિકતા ધરાવનાર લોકો જોડે કામ પાર પાડવાનું છે! દા.ત. મોબાઈલના દુષણો રોકવા તમે એને મોબાઈલ જ ના અપાવો, તેનો મોબાઈલ લઇ લો કે તેને અવાર-નવાર ચેક કરો તો એ એનો ઉકેલ નથી કારણ કે નવા પ્રશ્નો સર્જાશે(છાનામાના મોબાઈલ રાખતા, એક કરતાં વધુ છુપા સીમકાર્ડ રાખતા, મોબાઈલના મેસેજ કે કોલ ડિટેલ્સની તાત્કાલિક સાફસુફી કરતાં અનેક લોકો છે !). તમારે વ્યવહારુ(પ્રેક્ટીકલ) બનીને બસ એમને વ્યવહાર, વિવેક, સંયમ, સન્માન,મૂલ્યો અને સંસ્કાર આપવાના છે જેના થકી તે એમના માહોલમાં પણ ઘડાય, આગળ વધે અને અર્થપૂર્ણ જીવન જીવે. વ્યવહાર એટલા માટે કે તમારું સંતાન પ્રેક્ટીકલ બને ( જે વ્યક્તિઓ પ્રેક્ટીકલ નથી હોતા એ કદાચ પોતાની રીતે તો સુખી જ હોય છે પણ તેમની સાથે જોડાયેલાઓના સુખના ભોગે !). વિવેક એટલા માટે કે એને સાચા-ખોટાનું ભાન રહે અને દરેક બાબતનો યોગ્ય નિર્ણય કરી શકે. સંયમ એટલા માટે કે ગમે તે પરિસ્થિતિમાં એ છકી ના જાય અને બેજવાબદારીપૂર્વક ના વર્તે. સન્માન એટલા માટે કે એ પોતાના સિવાય અન્યને પણ મહત્વના ગણી શકે, અન્ય પ્રત્યે પણ સહાનુભૂતિ દાખવી શકે અને કોઈપણ બાબતની કિંમત સમજી શકે. મૂલ્યો એટલા માટે કે એ સમજી શકે પોતે કોણ છે, પોતાનું કુટુંબ-કુળ અને બેકગ્રાઉન્ડ શું છે, પોતાને જીવનમાં શું મેળવવાનું છે વગેરે. આ બધું’ય ભેગું કરીને એક ‘પેકેજ’ આપો એટલે ‘સંસ્કાર’. હવે વિચારો કે આટલું’ય તમારા સંતાનને આપી શકોને તો બાકી બધું તો આપમેળે એ મેળવી લેશે.
Advertisement
Tags :
Advertisement

.