IPL 2024 ને લઇને આવ્યું લેટેસ્ટ અપડેટ, સ્થળ અને તારીખ સંબંધિત માહિતી બહાર આવી
ICC World Cup 2023 હાલમાં ભારતમાં રમાઈ રહ્યો છે. ત્યારે વર્લ્ડ કપ પછી, ભારતની સૌથી મોટી લીગ IPLની મીની હરાજીનું ફરી એકવાર આયોજન કરવામાં આવશે. આ હરાજી પર ચાહકોની ખાસ નજર છે. હવે આ અંગે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) ની હરાજી આ વર્ષના અંતમાં દુબઈમાં થઈ શકે છે.
ક્યારે યોજાઈ શકે છે IPL ની હરાજી ?
દરેક ક્રિકેટ પ્રેમી દુનિયાની સૌથી મોંઘી ક્રિકેટ લીગ IPLની 17મી સીઝનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) 15 થી 19 ડિસેમ્બરની વચ્ચે દુબઈમાં IPL 2024 ની હરાજી યોજવાની તૈયારી કરી રહ્યું છે. મહિલા પ્રીમિયર લીગ (WPL)ની હરાજી આઈપીએલની હરાજીથી એક સપ્તાહ પહેલા 9 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, જો કે IPL ફ્રેન્ચાઈઝીને હરાજીની તારીખો વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ જાણકાર સૂત્રોનું માનવું છે કે IPL 2024ની હરાજી 18 કે 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે, જોકે આ બંને દિવસોમાં વિકેન્ડ નથી. BCCI એ ગયા વર્ષે IPL ની હરાજી ઈસ્તાંબુલમાં યોજવાની યોજના બનાવી હતી પરંતુ આખરે તે કોચીમાં યોજાઈ હતી. આવી સ્થિતિમાં દુબઈમાં હરાજીનું આયોજન પણ BCCI ની વચગાળાની યોજના હોઈ શકે છે, પરંતુ ફ્રેન્ચાઈઝી આવી કોઈ શક્યતાને લઈને સાવધ છે.
ત્રણ વર્ષનું ચક્ર સમાપ્ત
ગયા વર્ષે, ટીમોને તેમના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવા માટે 15 નવેમ્બરની સમયમર્યાદા આપવામાં આવી હતી. આ વર્ષે IPL પ્લેયર ટ્રેડિંગ વિન્ડો ચાલુ છે, પરંતુ હજુ સુધી IPL ટીમો વચ્ચે કોઈ ટ્રાન્સફર જાહેર કરવામાં આવી નથી. ત્રણ વર્ષનું ચક્ર સમાપ્ત થઈ રહ્યું છે અને તે જોવાનું રસપ્રદ રહેશે કે કોઈ નોંધપાત્ર સોદા થાય છે કે કેમ, ખાસ કરીને મોંઘા ખેલાડીઓ માટે કે જેઓ ગયા સિઝનમાં ફ્લોપ થયા હતા. ટીમો વર્લ્ડ કપ પછી તેમના રિટેન કરાયેલા અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી આપે તેવી અપેક્ષા છે.
શું WPL 2024 ફેબ્રુઆરીમાં શરૂ થશે?
વળી, વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીની તારીખને લઈને ટીમોની ફ્રેન્ચાઇઝીઓને કોઈ માહિતી આપવામાં આવી નથી. જો કે, અહેવાલો અનુસાર, WPL 2024 ફેબ્રુઆરીથી યોજવામાં આવી શકે છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2024 સુધી આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં વ્યસ્ત રહેશે. ઉપરાંત, WPL ના ફોર્મેટને લઈને મૂંઝવણ છે અને તે હજુ સ્પષ્ટ નથી કે તે ગયા વર્ષની જેમ મુંબઈ જેવા એક જ શહેરમાં યોજાશે કે પછી ભારતના ઘણા શહેરોમાં મેચો યોજવામાં આવશે.
'IPL 2024 ભારતમાં જ યોજાશે'
IPL ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુમ ધૂમલે પહેલાથી જ પુષ્ટિ કરી છે કે આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ છતાં IPL 2024 ભારતમાં યોજાશે. ધૂમલે ગયા અઠવાડિયે એક ઇન્ટરવ્યુમાં પુષ્ટિ કરી હતી કે IPL 2024ની તારીખો સામાન્ય ચૂંટણીની જાહેરાત પછી જાહેર કરવામાં આવશે. ધૂમલે કહ્યું, “ભારતમાં આવતા વર્ષે IPL યોજાશે. અમને કાર્યક્રમ બનાવવા માટે સમયની જરૂર પડશે કારણ કે તે ચૂંટણી સમિતિ દ્વારા સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત પછી કરવામાં આવશે. આપણે જોવું પડશે કે જુદા જુદા રાજ્યોમાં ચૂંટણી ક્યારે થશે અને તે મુજબ શેડ્યુલ બનાવશે. ધૂમલે કહ્યું હતું કે, "અમારે રાહ જોવી પડશે અને સરકાર સાથે કામ કરવું પડશે."
આ પણ વાંચો - AUS vs NED : વર્લ્ડ કપમાં સ્ટેડિયમની લાઈટિંગ ચર્ચાનો વિષય, આમને-સામને આવ્યા આ બે ઓસ્ટ્રેલિયન ખેલાડી
આ પણ વાંચો - World Cup 2023 : વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટી જીત…, ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે