Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાગ-3: ઘોઘાવદરના કાળભૈરવ: પ્રચંડ સ્વરૂપમાં બિરાજમાન હાજરાહજૂર મહાકાળ!

અમે બીજા ફાંટે આગળ વધ્યા. કારની ગતિ ધીમી પડી ચૂકી હતી. કાકા અને એમના ડ્રાઇવર રૉડની ડાબી બાજુ કશાકની રાહમાં અત્યંત ઝીણવટપૂર્વક બહાર નજર રાખી રહ્યા હતાં. સાતેક કિલોમીટર આગળ વધ્યા હોઈશું, એટલામાં આછા અંધારામાં રસ્તાની ડાબી બાજુએ એક બૉર્ડ પર નજર ગઈ, જેના પર લખ્યું હતું: આદેશ!કાકાએ એમના ડ્રાઇવર દીપકભાઈ સામે અર્થસૂચક દ્રષ્ટિ કરી. કાર સાવ ધીમી પડી ગઈ અને પછી અટકી ગઈ. કાકાએ મનોમન મંત્રોચ્à
ભાગ 3  ઘોઘાવદરના કાળભૈરવ  પ્રચંડ સ્વરૂપમાં બિરાજમાન હાજરાહજૂર મહાકાળ

અમે બીજા ફાંટે આગળ વધ્યા. કારની ગતિ ધીમી પડી ચૂકી હતી. કાકા અને એમના ડ્રાઇવર રૉડની ડાબી બાજુ કશાકની રાહમાં અત્યંત ઝીણવટપૂર્વક બહાર નજર રાખી રહ્યા હતાં. સાતેક કિલોમીટર આગળ વધ્યા હોઈશું, એટલામાં આછા અંધારામાં રસ્તાની ડાબી બાજુએ એક બૉર્ડ પર નજર ગઈ, જેના પર લખ્યું હતું: આદેશ!
કાકાએ એમના ડ્રાઇવર દીપકભાઈ સામે અર્થસૂચક દ્રષ્ટિ કરી. કાર સાવ ધીમી પડી ગઈ અને પછી અટકી ગઈ. કાકાએ મનોમન મંત્રોચ્ચાર કરીને ત્રણ વખત પોતાના હાથે કારના હૉર્ન માર્યા. ત્યારબાદ, બૉર્ડની અડોઅડ એક વાહન માંડ માંડ ઉતરી શકે એટલી પાતળી કેડી પર કાર તીખો ઢોળાવ ઉતરવા લાગી. એકદમ પથરાળ અને ઉબડખાબડ માર્ગ પસાર કરીને આખરે અમે એક વિશાળ પ્રાંગણમાં પહોંચ્યા, જ્યાં સ્મશાનવત્ સન્નાટો વ્યાપ્ત હતો.
આજુબાજુ વડલા, પીપળા, બિલીપત્રના વૃક્ષો અસ્તવ્યસ્ત રીતે ઊગી નીકળ્યા હતાં. કારમાંથી નીચે ઉતરતાં પહેલાં ફરી એક વખત કારના હૉર્ન મારીને કાકાએ હાકલ મારી, ‘આદેશ!’
હું નીચે ઉતર્યો. સાડા સાત વાગી ચૂક્યા હતાં. જંગલ જેવા એ વિસ્તારમાં અમારા સિવાય કોઈની હાજરી વર્તાતી નહોતી. કારનું એન્જિન બંધ કરતાંની સાથે જ રહ્યોસહ્યો પ્રકાશ પણ ઓલવાઈ ગયો. હવે ત્યાં કાળાડિબાંગ અંધકાર સિવાય કશું જ નહોતું. એકબીજાના મોં તો દૂર, પોતપોતાના હાથ પણ ન જોઈ શકીએ એટલું અંધારું!
વૃક્ષો અને ઝાડી-ઝાંખરામાંથી થોડી થોડી વારે નિશાચર પશુ-પક્ષીઓનો ઘૂઘવાટ સંભળાયા રાખે! કાચાપોચાં માણસના તો હ્રદયના પાટિયાં બેસી જ જાય. આવા સ્થળોએ મને પહેલેથી થ્રીલ અનુભવાતી. મારે ઘણું બધું જાણી લેવું હતું. કેટકેટલા પ્રશ્નો અને જિજ્ઞાસાનો સમુદ્ર મારી અંદર ઘૂઘવાતો હતો.
... અને, એટલામાં દૂરના એક ઓટલા પરથી હાથમાં લાલટેન લઈને એક અઘોરી જેવો દેખાતો માણસ દોડતો આવ્યો. કદાચ કાકાને અને એમની કારને ઓળખી ગયો હોવો જોઈએ, એવું મેં અનુમાન લગાવ્યું.
ભાલ પર ત્રિપુંડ, એની બરાબર વચ્ચોવચ લાલ કંકુ વડે કરેલું ઊભું તિલક, માથે કાળો સાફો, ઉઘાડા ખભા ઉપર કાળો ખેસ, કાળી ધોતી, ગળામાં સ્ફટિક અને રૂદ્રાક્ષની માળાઓ, હાથમાં ભૈરવરક્ષા, જટાઅંબોડોમાંથી બળવો પોકારીને ખભા ઉપર ઉતરી આવેલા લાંબા ભૂખરા કેશ, કાંડામાં મોટા મોટા કડા અને પગમાં ચાખડી!
‘ઠક્ક... ઠક્ક્ક.. ઠક્ક’ તેઓ જેમ જેમ નજીક આવતાં જતાં હતાં, એમ એમ ચાખડીનો સ્વર વાતાવરણમાં અજીબોગરીબ ધ્વનિ પેદા કરતો હતો.
‘આદેશ, બાપુ...’ કાકાએ એમને બે હાથ જોડીને નમસ્કાર કર્યા, ‘જય મહાકાળ!’
‘પ્રણામ, મહારાજ!’ બાપુએ અમને આવકાર આપતાં કહ્યું, ‘પધારો! આરતી શરૂ થવાની તૈયારીમાં છે. જગતનો બાપ, કાળભૈરવ... તમારી જ વાટ જોઈ રહ્યો હતો.’
આટલું કહીને એમણે ઝાટકા સાથે મારી સામે જોયું, ‘આદેશ થઈ ચૂક્યો છે!’
એમની નજરમાંથી ત્રાટકેલી વીજળી મારી આંખો વાટે આખા શરીરમાં સોંસરવી પ્રસરી ગઈ હોય, એવું મને લાગ્યું.
સોએક મીટર ચાલીને ગયા, ત્યાં નાનકડું મંદિર દેખાયું. એના ઓટલે બેસીને બે-ત્રણ અર્ધનગ્ન સાધુ નિજાનંદમાં બીડી ફૂંકી રહ્યા હતાં. ચાર-પાંચ કાળા-ભૂરા-શ્વેત રંગના શ્વાન આમથી તેમ રખડપટ્ટી કરી રહ્યા હતાં.
પગથિયાં ચડીએ એટલે સામે એક નાનકડી ઓરડી દેખાય, જ્યાં બાપુ રહેતાં હોવા જોઈએ. ઘરવખરી, અનાજની ગુણ, ચૂલો, ખીંટી પર ટીંગાતા બે જોડી કપડાં અને પૂજાપાનો સામાન વ્યવસ્થિત રીતે સાચવીને રાખવામાં આવ્યો હતો.
‘અડાળી ભરીને ચા પીશો?’ બાપુએ અમને પૂછ્યું.
‘આરતી પૂરી થયા પછી ચોક્કસ!’ કાકાએ જવાબ આપ્યો.
ઓરડીની ડાબી બાજુએ નજર કરો, એટલે કાળભૈરવ વિગ્રહના દર્શન થાય. અંધકાર પણ જેની સામે શ્વેતરંગી લાગે, એવી સંપૂર્ણ શ્યામ પ્રતિમા! ગળામાં મુંડમાલા, ખુલ્લુ મોં, વિકરાળ આંખો. એક હાથ અભયમુદ્રામાં, બીજા હાથમાં ખોપરી, ત્રીજા હાથમાં શસ્ત્ર અને ચોથા હાથમાં રક્તપાત્ર! એમના ભસ્મરંજિત ચરણકમળ પાસે બીડી-સિગારેટ સળગતી જોવા મળે. બાજુમાં ત્રિશૂળ અને અખંડ દીપ પ્રગટે. એની બરાબર સામે નિરંતર ધૂણી ધખે. અમે ગયા ત્યારે પણ એમાંથી સુગંધી ધૂમ્રસેર હવામાં ભળી રહી હતી. સમગ્ર વાતાવરણ તામસી ઊર્જાના પ્રભાવમાં હતું.
દેવી-દેવતાના તામસી સ્વરૂપોને અર્પણ કરવામાં આવતો મદિરા તેમજ બીડી-સિગારેટને ‘કૂલ’ માનતાં યુવાધનને આ પ્રસંગે ખાસ કહેવાનું કે સમયા-જાણ્યા-વિચાર્યા અને ઊંડા ઊતર્યા વગર ફક્ત સગવડિયા ધર્મને અનુસરવો એ મૂર્ખામી છે! મદ્ય-માંસ-મદિરા કે બીડી-સિગારેટ અને અન્ય નશાપ્રેરક ચીજ-વસ્તુઓનું સેવન એ તાંત્રિકો અથવા અઘોરીઓ જ કરે છે, જેમને ભયાવહ સાધનાઓ કરવાની કરવાની હોય છે. વામાચાર એ કઠિન માર્ગ છે. ભલભલા બહાદુર લોકોના અહીં કાળજા બેસી ગયાના ઉદાહરણો છે. સંસાર ત્યાગીને સંપૂર્ણપણે વામાચારી તંત્રમાર્ગને અનુસરતા સાધકો જ નશાકારક ચીજ-વસ્તુઓનું સેવન કરે છે, જેથી એમને તામસી-ઉપાસનાઓ (જેમકે, શવસાધના) કરવાનું બળ મળી રહે. તેઓ માદક દ્રવ્યના માધ્યમથી પોતાના મસ્તિષ્કને આ પ્રકારની દુષ્કર અને સંસારીઓ માટે વર્જ્ય કહી શકાય એવી સાધના માટે પોતાની જાતને તૈયાર કરતા હોય છે.
મૂળ મુદ્દા પર આવું. કાળા આરસપહાણથી બનેલાં એ પરિસરમાં પગ મૂકો, ત્યાં જ ખ્યાલ આવી જાય કે દાયકાઓથી આ જગ્યા પર અનેક તાંત્રિક અનુષ્ઠાનો અને યજ્ઞો થયા હોવા જોઈએ. તદ્દન ઉઘાડી જગ્યા. માથે કોઈ છત નહીં. મૂળ જગ્યા ગોંડલ સ્ટેટ વખતની! રાજા-રજવાડાંના સમયમાં ઘોઘાવદરના આ કાળભૈરવની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ હોવાની વાત જાણવા મળી. મહત્વની વાત એ કે ભારતમાં વીજળી આવી, એ સમયથી આ સ્થાનકમાં બલ્બ અથવા લાઇટ લગાવવાના પ્રયત્નો ચાલુ છે, પરંતુ ભૈરવને આ મંજૂર નથી! વીજળીના દોરડાં અહીં સુધી પહોંચી શકતાં નથી. માની લો કે યેનકેન પ્રકારેણ બલ્બ અથવા લાઈટ લગાવવામાં આવે, તો પણ મધરાતે તે આપોઆપ ધડાકાભેર ફૂટી જાય છે. મંદિરના મહંતો અને શ્રદ્ધાળુઓએ અનેક પ્રયત્નો કર્યા બાદ આખરે હવે પ્રયાસ છોડી દીધાં છે.
ત્યારબાદ બનેલી ઘટના વાંચીને તમારા શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જશે.
(ક્રમશઃ)

bhattparakh@yahoo.com
 
Advertisement
Tags :
Advertisement

.