Uttarakhand : દહેરાદૂનમાં જ્વેલરી શો રૂમમાં ધોળા દિવસે 20 કરોડના દાગીનાની લૂંટ
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ગુરુવારે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. દહેરાદૂનમાં પોલીસ હેડક્વાર્ટરની નજીકથી 20 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ થઈ હતી. આરોપી લૂંટારા ગ્રાહકોના રૂપમાં શોરૂમમાં પહોંચ્યા હતા, અને ધોળા દિવસે બંદૂકની અણી પર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
કર્મચારીઓના હાથ પગ બાંધી દીધા
પોલીસના જણાવ્યા અનુસાર લોકોની અવર જવરથી અત્યંત વ્યસ્ત રાજપુર રોડ પર સ્થિત રિલાયન્સ જ્વેલ્સ જ્વેલરી સ્ટોરમાં લૂંટારા પ્રવેશ્યા હતા. તેઓએ કર્મચારીઓને બંદૂકની અણી પર બંધક બનાવ્યા હતા માર માર્યો અને તમામ દાગીના તેમની બેગમાં મૂકી દેવા કહ્યું. ભાગતા પહેલા તેઓએ ગ્રાહકો અને કર્મચારીઓના હાથ પીઠ પાછળ બાંધી દીધા હતા. અડધો કલાક બહાર ન આવવાની ધમકી આપી. દરેક કર્મચારીને સ્ટોરના રસોડામાં બંધ કરી દેવાયા હતા.
રાષ્ટ્રપતિની મુલાકાત સમયે જ લૂંટ
આ ચોંકાવનારી ઘટના એવા સમયે બની છે જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની હાજરીને કારણે સમગ્ર શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિએ પોલીસ લાઇન્સમાં આયોજિત 23માં ઉત્તરાખંડ સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. સ્ટોર મેનેજરની ફરિયાદ પર કોતવાલી પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે લૂંટારુઓને પકડવા માટે ખાસ ટીમ બનાવી છે.
ચાર આરોપીઓ દુકાનમાં ઘૂસ્યા
દેહરાદૂન પોલીસે કહ્યું કે, અમે લૂંટારાઓને પકડવા માટે એક વિશેષ ટીમ બનાવી છે. આ કેસનો ઉકેલ લાવવા સંબંધિત પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે સ્ટોરની નજીક લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. ચાર આરોપીઓ દુકાનમાં ઘૂસ્યા હતા. તેમનો કોઈ સાથી બહાર હતો કે કેમ તે સ્પષ્ટ નથી. બહાર કોઈ વાહન પાર્ક કર્યું ન હતું. આરોપીઓને શોધવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક મૂલ્યાંકન મુજબ, 15-20 કરોડ રૂપિયાની જ્વેલરી લૂંટી લેવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તકનીકી પુરાવા સૂચવે છે કે ગુનેગારો પશ્ચિમ ઉત્તર પ્રદેશના હોઈ શકે છે.
આ પણ વાંચો----BANK HOLIDAYS : આ રાજ્યોમાં દિવાળીના કારણે બેંકો 6 દિવસ બંધ રહેશે, જાણો લિસ્ટ