ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની કરી જાહેરાત, ભારતને થશે ફાયદો
ઈન્ડોનેશિયાએ પામ
ઓઈલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ
કહ્યું કે સોમવાર 23 મેથી પ્રતિબંધ હટાવવામાં આવશે. આ
નિર્ણયનો લાભ ભારતને મળવાની આશા છે. ભારત ઇન્ડોનેશિયાથી પામ તેલનો મોટો
હિસ્સો આયાત કરે છે, પરંતુ ભૂતકાળમાં ઇન્ડોનેશિયાએ સ્થાનિક ભાવને નિયંત્રિત કરવા માટે અન્ય દેશોને પામ
તેલ આપવાનો ઇનકાર કર્યો હતો. હવે જ્યારે સ્થિતિ સુધરી છે, ત્યારે ઇન્ડોનેશિયા 23 મેથી તેના પામ ઓઇલની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેશે.
જણાવી દઈએ કે
ઈન્ડોનેશિયા વિશ્વમાં પામ ઓઈલનું સૌથી મોટું ઉત્પાદક છે અને ભારતની વાર્ષિક
જરૂરિયાતોના લગભગ 50 ટકા પૂરા કરે છે. પામ ઓઈલની નિકાસ પર
પ્રતિબંધ હોવાથી ઈન્ડોનેશિયાની સરકાર પર દબાણ હતું. જેના કારણે સેંકડો ખેડૂતોએ
ધરણા અને દેખાવો પણ કર્યા હતા. ઇન્ડોનેશિયન ઓઇલ પામ ફાર્મર્સ એસોસિયેશનના પ્રમુખ
ગુલત માનુરુંગે જણાવ્યું હતું કે રાંધણ તેલના સ્થાનિક ભાવને કાબૂમાં લેવા માટે
નિકાસ પ્રતિબંધને કારણે લગભગ 16 મિલિયન ખેડૂતો માટે આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે. જો કે પ્રતિબંધ હોવા છતાં દેશમાં રાંધણ તેલ 14,000 રૂપિયા (96 સેન્ટ્સ) પ્રતિ લિટર પર યથાવત છે.