હોટેલોએ ઘરના રસોડાનો વિકલ્પ બનવામાં મોટી સફળતા મેળવી છે
આજકાલ આપણું રસોડું ઘરમાંથી બહાર નીકળીને હોટલોમાં પહોંચી ગયું છે. એક જમાનામાં ઘરનું રસોડું એક મંદિરનો દરજ્જો ધરાવતો હતો અને રસોડાના પાણિયારે નાહીધોઈને દીવો પ્રગટાવતી ગૃહિણી આજે વ્યસ્ત બની છે. દીવો પ્રગટાવવાનો ટાઇમ તો કદાચ મળી જાય છે પણ પરિવારના સ્વજનો માટે મન મુકીને પૌષ્ટિક રસોઈ બનાવવાની કડાકૂટ કરવાનો એની પાસે સમય નથી. સમય બદલાયો છે પરિવર્તન અનિવાર્ય બન્યું છે ગૃહિણી પણ વર્કિંગ વુમન બની ગઈ છે અને તેને માટે રસોડું એ પાર્ટ ટાઇમ પ્રવૃત્તિ બની ગઈ છે.
આ સ્થિતિનો લાભ લઈને હોટેલોએ ઘરના રસોડાનો વિકલ્પ બનવામાં મોટી સફળતા મેળવી છે. તેમાં વળી પરદેશી પ્રભાવ નીચે હોટેલોમાં પ્રવેશેલા ખાદ્યપદાર્થો-જેવા કે, પીઝા, બર્ગર, હોટડોગ, મંચુરિયન અને અન્ય ચાઈનીઝ કે થાઈફૂડ આપણી પ્રિય ગુજરાતી થાળીનો વિકલ્પ બની ગયા છે. આ બધા ચટાકેદાર ખાદ્યપદાર્થો આપણી હોજરીને માફક ન આવતા હોવાથી આરોગ્યને લાંબે ગાળે બહુ મોટું નુકશાન કરે છે. ખાસ કરીને આપણા બાળકો અને યુવાનોને માથે આ પ્રકારના ખાદ્યપદાર્થો સ્વાસ્થ્યનું જોખમ બને છે.
એમાંય વળી આજકાલ હોટેલઓએ ખાદ્યપદાર્થોની “હોમ ડીલીવરી” શરૂ કરી. આપણા રસોડાને અને આપણા પરિવારને અને આપણી ખોરાકીને ભરડામાં લઈ લીધા છે.ઘરમાં બનતા પાપડ, મસાલા, અથાણાં, ચટણી અને વસાણા પણ બજારુ બની ગયા છે. સાંપ્રતની આ સ્થિતિ આગળ જતા કેવો આકાર લે છે એ તો આવનારો સમય જ કહેશે.