ગોગામેડી હત્યાકાંડ: મુખ્ય આરોપીઓની ધરપકડ બાદ જયપુર પોલીસ કમિશનરે કહ્યું- 'અમારો મુખ્ય લક્ષ્ય માસ્ટર માઇન્ડ સુધી પહોંચવાનો...'
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડના મુખ્ય આરોપી અને શૂટર રોહિત રાઠોડ અને નીતિન ફૌજીની શનિવારે મોડી રાતે ચંડીગઢમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ધરપકડ બાદ તેમને દિલ્હી અને પછી જયપુર લઈ જવાયા છે, એવી માહિતી મળી છે. ત્યારે હવે આ મામલે જયપુર પોલીસ કમિશ્નર બિજુ જ્યોર્જ જોસેફે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપી છે.
જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે મીડિયાને જણાવ્યું કે, 'અમે 5 ડિસેમ્બરથી સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસના આરોપીઓને સતત ટ્રેક કરી રહ્યા હતા. ટૂંક સમયમાં જ ટીમને તેમના વિશે માહિતી મળી અને તેમને વધુ ટ્રેક કરવાનું શરૂ કર્યું. હરિયાણા પોલીસ અને પંજાબ પોલીસે પણ આ કામમાં અમારી મદદ કરી અને અમને મહત્ત્વના ઈનપુટ્સ પણ આપ્યા.' કમિશનરે વધુમાં કહ્યું કે, 'હિસાર પહોંચ્યા પછી, દિલ્હી પોલીસની વિશેષ ટીમ અમારી સાથે જોડાઈ અને તપાસ હાથ ધરી. 8 ડિસેમ્બરે અમને તેમના વાસ્તવિક સમય અને સ્થળ અંગેની માહિતી મળી, જેના આધારે કાર્યવાહી કરતા બે શૂટર્સ અને તેમને સહાય પૂરી પાડનારની ધરપકડ કરવામાં આવી.'
#WATCH | Sukhdev Singh Gogamedi murder case | Rajasthan: Jaipur Commissioner of Police Biju George Joseph says, "We were continuously tracking the accused in the Sukhdev Singh Gogamedi murder case since December 5. Soon the team received info about them and started tracking them… pic.twitter.com/KdSM9ttwrx
— ANI (@ANI) December 10, 2023
તપાસનો આ માત્ર પ્રથમ તબક્કો છે: કમિશનર
જયપુર પોલીસ કમિશનરે કહ્યું કે, ગઈકાલે ચંદીગઢ સેક્ટર 22માં એક હોટેલ બહારથી બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેઓને રાજસ્થાન લાવવામાં આવ્યા છે અને વધુ તપાસ કરવામાં આવશે...અમે ભૂતકાળની તમામ વિગતોને ટ્રેક કરી રહ્યા છીએ. તપાસનો આ માત્ર પ્રથમ તબક્કો છે. અમારો મુખ્ય લક્ષ્ય આ હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવાનો છે." જણાવી દઈએ કે, રાજસ્થાનના જયપુરમાં 5 ડિસેમ્બરના રોજ સુખદેવ સિંહ ગોગામેડીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. બંને હુમલાખોરો સુખદેવ સિંહ ગોગામેડીને મળવા માટે શ્યામનગર ખાતે આવેલા તેમના ઘરે પહોંચ્યા હતા અને લગભગ 10 મિનિટ સુધી વાતચીત કર્યા બાદ બંને હુમલાખોરોએ અચાનક તાબડતોડ ગોળીબાર કર્યો હતો અને સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરી હતી. સુખદેવ સિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હુમલાખોરોએ 17 વાર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને અંજામ આપીને બંને આરોપી ફરાર થયા હતા.
આ પણ વાંચો- Covid 19 Cases in India: શિયાળાના સહારે કોરોના બન્યો શક્તિમાન, દેશમાં 24 કલાકોમાં 166 નવા કેસ