Fraud Case : ખાનગી પબ્લિકેશનમાં 11 વર્ષથી નોકરી કરતા કર્મચારીએ રૂ. 22 લાખની ઠગાઈ આચરી
અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પુસ્તકોનું છાપકામ કરનારી જાણીતી કંપની ભાવિક પબ્લિકેશન (Bhavik Publications) સાથે છેતરપિંડીનો મામલો (Fraud Case) સામે આવ્યો છે. ભાવનગરમાં કંપનીના સેલ્સમેન તરીકે કામ કરતા કર્મચારીએ રૂ .29.80 લાખની છેતરપિંડી કરતા કંપનીના ડાયરેક્ટરે સોલા પોલીસ સ્ટેશનમાં (Sola police station) ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે કાર્યવાહી કરી ગણતરીના દિવસોમાં જ આરોપી કર્મચારીની ધરપકડ કરી છે.
ગ્રાહકોને બોગસ બિલો આપી નાણાં ઉઘરાવી ઠગાઈ આચરી
પોલીસ ફરિયાદ મુજબ, ભાવિક પબ્લિકેશન અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પુસ્તકોનું છાપકામ કરી અને તેનું વેચાણ કરે છે. ભાવિક પબ્લિકેશનમાં ભાવનગર (Bhavnagar) જિલ્લામાં સેલ્સમેન તરીકે નોકરી કરતો મહેશ પરમાર વર્ષ 2013 માં નોકરીએ લાગ્યો હતો. આરોપી મહેશ પરમાર (Mahesh Parmar) ભાવનગરમાં આવેલી અલગ-અલગ સ્કૂલો અને સ્ટેશનરી સ્ટોર ખાતે ભાવિક પબ્લિકેશનનાં પુસ્તકો આપતો હતો. વર્ષ 2013 થી અત્યાર સુધીમાં મહેશે જેટલી પણ સ્કૂલો અને સ્ટેશનરી સ્ટોર ખાતે જે પણ પુસ્તકો આપ્યા તેના બોગસ બિલો બનાવીને નાણાં ઉઘરાવી લેતો હતો પરંતુ કંપનીમાં જમા કરાવતો નહોતો.
ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ
એક વર્ષ પહેલા જ કંપનીએ આ મામલે મહેશ પાસેથી રૂ. 29.80 લાખની ઉઘરાણી કરી હતી. પરંતુ, મહેશે કંપનીના ડાયરેક્ટરને ધમકીભર્યાં સૂરમાં કહ્યું હતું કે, જે થાય તે કરી લો રૂપિયા નહિ મળે. આથી, કંપનીનાં ડાયરેક્ટર પુલકિત પટેલે ઠગાઈની અરજી કરતા મહેશે સમાધાનનાં ભાગ રૂપે રૂ. 22 લાખ 2 હપ્તામાં આપી દેવાનો વાયદો સ્ટેમ્પ પેપર પર લખાણ લખી કર્યો હતો. જો કે, મહેશ પરમારને કંપનીને રૂ. 22 લાખ ચુકવવા માટે સમય આપ્યો હોવા છતાં સમયસર રૂપિયા ના ચુકવતા આખરે કંટાળીને ડાયરેક્ટરે સોલા પોલીસ સ્ટેશનમાં મહેશ પરમાર વિરુદ્ધ છેતરપિંડીની (Fraud Case) ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સોલા પોલીસે (Sola police station) ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના દિવસોમાં મહેશ પરમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : પ્રદીપ કાછીયા
આ પણ વાંચો - Vadodara : એક સાથે 5 મકાનોની બાલ્કની ધરાશાયી થઈ, મહિલાને બંને પગે ગંભીર ઇજા
આ પણ વાંચો - Rajkot GameZone : TPO સાગઠિયાની તપાસમાં વધુ 20 અધિકારીઓ પર પૂછપરછની તલવાર!
આ પણ વાંચો - Rajkot : આજે મહાસંમેલન, સનાતન ધર્મનું અપમાન કરનારાઓની હવે ખેર નહીં!