Fake Toll Plaza : નકલી ટોલનાકાથી અસલી ટોલનાકાને અધધ..રુપિયાનું થયું નુકશાન, વાંચો અહેવાલ
મોરબી વઘાસિયા નજીક નકલી ટોલનાકાનો કેસ
નકલી ટોલનાકાએ ટોલપ્લાઝાને પહોંચાડ્યું કરોડોનું નુકસાન
66.60 કરોડનું ટોલ પ્લાઝાને નુકસાન પહોંચાડ્યાનું ખુલ્યું
નકલી ટોલનાકા મામલે 6 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ
તમામ આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર
રાજકોટ જિલ્લાના વાંકાનેર પંથકના વઘાસીયા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલ નાકું ઉભુ કરી દેવાયું હતું.. વાહન ચાલકો ટોલથી બચી શકે અને અસામાજીક તત્વો પોતાનું ભરણું ભરી શકે તે માટે કેટલાક માથાભારે તત્વોએ નકલી ટોલનાકું ઉભુ કર્યું હતું. ગેરકાયદેસર રીતે ટોલ પ્લાઝાના નામે ટોલ પ્લાઝાથી ઓછી રકમ ઉઘરાવવાનો સિલસિલો ચાલુ કરાયો હતો અને રોજ લાખો રૂપિયાના ઉઘરાણા ચાલુ થઇ ગયા હતા. આ મામલે ભારે ઉહાપોહ થતાં સિદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ,વઘાસિયા ગામના સરપંચ સહિત છ વ્યક્તિઓ સામે ફિયાદ નોંધાઇ હતી. જોકે આ મામલે આજે નવો ઘટસ્ફોટ થયો છે. નકલી ટોલનાકાના કારણે ટોલનાકાની કંપનીને અત્યાર સુધી 66.60 કરોડનું નુકશાન થયું છે. બીજી તરફ સરકાર રટણ કરે છે કે આ મામલાની તપાસ ચાલું છે.
કંપનીને અત્યાર સુધીમાં કુલ 66 કરોડ 60 લાખ 18 હજાર 270 રૂપિયાનું નુકશાન થયું
વાંકાનેર વઘાસિયા નજીક નકલી ટોલનાકાનો મામલો ફરી ગરમાયો છે. આજે ઘટસ્ફોટ થયો કે ટોલનાકાની કંપનીને અત્યાર સુધીમાં કુલ 66 કરોડ 60 લાખ 18 હજાર 270 રૂપિયાનું નુકશાન થયું છે. ટોલપ્લાઝા કંપનીએ તપાસ કરવા ગયેલી કંપનીને આ રિપોર્ટ આપ્યો છે. 4 ડિસેમ્બર 2023 સુધીમાં કાયદેસર ટોલનાકાને થયેલ આર્થિક નુકશાનનો અહેવાલ કંપની દ્વારા સોંપાયો છે. ઉલ્લેખનિય છે કે આ મામલે સિદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ,વઘાસિયા ગામના સરપંચ સહિત છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ હતી અને હજું સુધી આ આરોપીઓ પોલીસની પકડથી દુર છે.
માથાભારે શખ્સો દ્વારા ઉભુ કરાયું ટોલનાકું
વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી અને વઘાસીયા ગામના અમુક માથાભારે શખ્સો દ્વારા નાના મોટા હજારો વાહનોને આવન જાવન કરવા માટે ટોલ પ્લાઝાના નામે ઉઘરાવવામાં આવતા રોજના લાખો રૂપિયા બાબતે ચોંકાવનારી વિગતો એવી જાણવા મળી હતી કે વાંકાનેર નજીકના રોડ ઉપર વઘાસીયા ટોલ પ્લાઝા બનાવામાં આવ્યું છે. આ ટોલ પ્લાઝા ઉપરથી પસાર થતા વાહનો પાસેથી નિયમ મુજબ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો. પરંતુ નાના મોટા વાહન ચાલકોને ટોલટેક્સ મોંઘો પડતો હોય આ ટોલ પ્લાઝા નજીકની વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરીના સંચાલકે પોતાની પ્રીમાઈસીસમાંથી નાના મોટા હજારો વાહનોને રોજ આવન જાવન માટે રસ્તો બનાવી દીધો છે અને ત્યાં ઓછો ટોલ ઉઘરાવામાં આવતાં વાહન ચાલકોને તો ઘી કેળાં થઇ ગયા હતા.
રોજ લાખોનો ટોલનું ઉઘરાણું
વાહનોને પસાર કરવા માટે ફેક્ટરીના સંચાલકો દ્વારા નાના મોટા વાહનો પાસેથી રૂપિયા 50 થી માંડીને 200 સુધીના ગેરકાયદેસર રીતે ટોલ પ્લાઝાના નામે ઉઘરાણાં કરવામાં આવી રહ્યા હતા. 24 કલાક દરમિયાન આ ફેક્ટરીએ બનાવેલ રોડ ઉપરથી હજારો વાહનો પસાર થતા હોય છે અને રોજ કરાતા ઉઘરાણાનો આંકડો બેથી પાંચ લાખ સુધી પહોંચી જાય છે. આ આંકડાની ગણતરી મહિનામાં કરીએ તો મહિને રૂપિયા એક થી દોઢ કરોડના ઉઘરાણા કરવામાં આવે છે. આટલી રકમ વઘાસિયા ટોલ પ્લાઝાના સંચાલકોને ગુમાવવી પડે છે. હકીકતે વઘાસીયા ટોલ પ્લાઝાને ડાઇવર્ઝન આપી ફેક્ટરી તેમજ વઘાસિયા ગામના લોકોએ શરૂ કરેલા રસ્તા ખરેખર ગેરકાયદેસર છે. આવી રીતે કોઈ વાહનોને પ્રવેશ આપીને આવન જાવન કરાવી શકાય નહીં તેવો સરકારી કાયદો છે. પરંતુ આવા ઉઘરાણામાં ટોપ ટુ બોટમ એટલે કે પ્રવર્તમાન સરકારના માણસો પણ સંડોવાયેલા હોવાથી વઘાસીયા ટોલ પ્લાઝાના સંચાલકોની ફરિયાદો કોઈ પણ સત્તાધીશો સાંભળતા જ નથી.
આ પણ વાંચો----ALCOHOL : રાજ્યમાં દારૂની છૂટ અંગે સરકારનો ઇરાદો જાહેર, વાંચો અહેવાલ