ઘન કચરાના વ્યવસ્થાપન થકી ‘કચરામાંથી કંચન’ બનાવતું વડોદરાનું દુમાડ ગામ
અહેવાલ - સંજય જોશી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને તેમની પ્રેરણાથી દેશભરમાં તા. 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સફળ બનાવવા અને ગુજરાતને વધુ સુંદર અને સ્વચ્છ રાજ્ય બનાવવાના ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ અભિયાનને જનભાગીદારીથી વધુ બે મહિના સુધી વ્યાપકપણે આગળ ધપાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ગામડાઓમાં સરસ કામગીરી થઈ રહી છે. નાની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોમાં આ કામગીરી સુપેરે પાર પાડવામાં સફળતા મળે છે અને આનું ઉત્તમ ઉદાહણ પૂરું પાડે છે વડોદરાની દુમાડ ગ્રામ પંચાયત.
વડોદરા તાલુકાની દુમાડ ગ્રામ પંચાયત ઘન કચરાના વ્યવસ્થાપન માટે એવી ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે કે, જે રાજ્યના અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયક છે. ગામમાં સીએસઆર તથા ‘કચરે સે આઝાદી ફાઉન્ડેશન’ દ્વારા 1 એપ્રિલ, 2019થી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને એપ્રિલ-2021થી આ કાર્ય ગ્રામ પંચાયત દ્વારા ઉપાડી લેવામાં આવ્યું. ત્યારથી ગ્રામ પંચાયત દ્વારા ફાળવેલ જગ્યામાં ઘન કચરા વ્યવસ્થાપનનું આ કાર્ય સુચારુ રીતે કરવામાં આવી રહ્યું છે, તેમજ કામદારોને આ માટેનું મહેનતાણું પણ ચૂકવવામાં આવે છે.
ઘન કચરા વ્યવસ્થાપનના આ કાર્ય અને સ્વચ્છતા બાબતે લોકોનો સહકાર મળી રહે તે હેતુસર જાગૃતિના કાર્યો કરવામાં આવ્યા અને લોકોને સૂકા અને ભીના કચરાને કઈ રીતે અલગ રાખવો તેની સમજ પૂરી પાડવામાં આવી. તેથી ગ્રામજનોમાં જાગૃતિ આવી છે. ગામના દરેક ઘર પાસેથી ઘરેલુ સ્તરે લીલા અને સૂકા કચરાનું વિભાજન કરવામાં આવે છે અને ગામના 1380થી વધુ કુટુંબો પાસેથી લીલો અને સૂકો કચરો એકત્રિત કરવામાં આવે છે.
ગામમાં વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ દ્વારા કચરામાંથી બનાવાય છે ખાતર
ગ્રામ પંચાયત દ્વારા એકત્ર કરાયેલ કચરામાંથી લીલા અને સૂકા કચરાનું પરિવહન પણ અલગ અલગ કરવામાં આવે છે. આ કચરાને વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ પર લાવવામાં આવે છે કે જ્યાં લીલા કચરાને રૉકેટ કમ્પોસ્ટરમાં નાખી તેમાં બૅક્ટેરિયલ કલ્ચર ઉમેરી ૩૦ દિવસ રાખી કમ્પોસ્ટ પીટમાં ભરવામાં આવે છે. ત્યારબાદ કમ્પોસ્ટ થઇને પ્રવાહી અને સૂકા ખાતરનું નિર્માણ થાય છે. કમ્પોસ્ટ પીટમાં તૈયાર થયેલ આ ઓર્ગેનિક ઘન અને પ્રવાહી ખાતરને ગામના ખેડૂતોને વહેંચવામાં આવે છે.
પ્લાસ્ટિક કચરામાંથી ઈંટ-બાંકડા બનાવાય છે
ગ્રામ પંચાયત દ્વારા સૂકા કચરામાંથી પ્લાસ્ટિકના કચરાને સાત કૅટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક કચરાને બેલીંગ મશીનમાં નાખી તેનું વોલ્યુમ ઓછું કરીને તેને આણંદ અને અમદાવાદ ખાતે આવેલ કંપનીમાં મોકલવામાં આવે છે કે જ્યાં આ કંપની દ્વારા તેમાંથી બાંકડા અને ઇંટો તૈયાર કરવામાં આવે છે.