ભરૂચ પોલીસ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં દિવ્યાંગ બાળકોએ પણ ગરબાની મજા માણી
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
મા જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી નહિવત ઉભરાયા હતા. જેમાં ભરુચની વાત કરીએ તો ભરૂચના પોલીસ પરિવાર દ્વારા યોજાયેલા ગરબા મહોત્સવમાં દિવ્યાંગ બાળકો સહિત સૌ કોઈ જોડાયા હતા અને મા જગદંબાની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.
આસો નવરાત્રીની ખેલૈયાઓ રાહ જોઈને બેઠા હતા અને ગરબે ઘુમવા અવનવા ચણિયાચોળી અને કેડીયા અને આભૂષણો ખરીદવા માટે પણ બજારો ઉભરાયા હતા આસો નવરાત્રીનો પ્રારંભ થતાં જ ભરૂચ પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર આસો નવરાત્રિના પ્રથમ દિવસે મા જગદંબાની ભક્તિ ભાવપૂર્વક ધાર્મિક વિધિ સાથે સ્થાપના કરવામાં આવી હતી અને પ્રથમ દિવસે જ આરતીનો લાભ લેવા જિલ્લા પોલીસવડા મયુર ચાવડા સહ પરિવાર પધાર્યા હતા. તેમની સાથે આરતીમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, પોલીસ કર્મીઓ અને પત્રકાર મિત્રો પણ જોડાયા હતા અને આસો નવરાત્રીનો પ્રારંભ કર્યો હતો.
આસો નવરાત્રીના પ્રથમ દિવસની રાત્રીએ જ પોલીસ ગરબા ગ્રાઉન્ડ ઉપર સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ પણ ગરબાની રમઝટ બોલાવી હતી. પોલીસ પરિવાર અને પત્રકાર મિત્રો સાથે ગરબાની રંગત મોડી રાત્રે જામી હતી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ સુરક્ષા સાથે ગરબે ઘૂમી શકે તે માટે તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી..ભરૂચ પોલીસ પરિવાર દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવમાં ગરબા ગ્રાઉન્ડ ઉપર આવતા ખેલૈયાઓને ટ્રાફિક ના નિયમો અને કાયદાકીય જ્ઞાન મળી રહે તે માટે જનજાગૃતિના સંદેશાઓ ઉપર જનજાગૃતિ ફેલાવતી થીમો પણ રજૂ કરવામાં આવી હતી અને ટ્રાફિકોના નિયમોનું પાલન કેમ કરવું અને ટ્રાફિકોના નિયમોનું પાલન કરવાથી શું ફાયદા થાય છે જે અંગેની થીમો ખેલૈયાઓમાં પણ જનજાગૃતિ સાથે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
પોલીસ પરિવાર દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવની રંગત નવ દિવસ જામનાર છે . પોલીસ પરિવાર સાથે શહેરીજનો પણ ગરબા રમી શકે અને પોલીસ સાથે પોલીસએ પ્રજાનો મિત્ર છે તે સાર્થક કરતો ગરબા મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બની રહેનાર છે.