Fake Sim Card : પ્રધાનમંત્રી યોજનાના 5 જિલ્લાના લાભાર્થીઓનો ડેટા વેચાઈ ગયો
વડોદરા શહેર (Vadodara City) માં નોંધાયેલી લાખો રૂપિયાની ઠગાઈના મામલામાં સાયબર ક્રાઈમ બ્રાંચે (Cyber Crime Branch) એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શેર બજારમાં રોકાણના નામે થયેલી છેતરપિંડીની ઘટનામાં વડોદરા શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે હજારો ડમી સિમકાર્ડનું રેકેટ (Dummy Sim...
Advertisement
વડોદરા શહેર (Vadodara City) માં નોંધાયેલી લાખો રૂપિયાની ઠગાઈના મામલામાં સાયબર ક્રાઈમ બ્રાંચે (Cyber Crime Branch) એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શેર બજારમાં રોકાણના નામે થયેલી છેતરપિંડીની ઘટનામાં વડોદરા શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે હજારો ડમી સિમકાર્ડનું રેકેટ (Dummy Sim Card Racket) ચલાવતી ટોળકીને ઝડપી પાડી છે. છેલ્લાં બે વર્ષમાં વોડાફોન (Vodafone) કંપનીના 4 હજાર બોગસ સિમકાર્ડ (Fake Sim Card) એક જ શખ્સે ઈસ્યુ કર્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, બનાવટી સિમકાર્ડ માટે પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન (PMGDisha) ના લાભાર્થીઓનો ડેટા ઉપયોગમાં લેવાયો છે.
કેવી રીતે થયો કૌભાંડનો પર્દાફાશ : વડોદરામાં રહેતા પ્રવિણભાઈ વરાટને અજાણ્યા વૉટ્સએપ નંબર પરથી એન્જલ વર્લ્ડ ફાયનાન્સ કંપનીમાંથી શ્રદ્ધા પટેલે વાત કરીને શેર બજારમાં રોકાણ કરો તો સારું વળતર મળશે તેવી લાલચ આપી હતી. જેથી પ્રવિણભાઈએ તબક્કાવાર 12.06 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. લાખો રૂપિયાના રોકાણ બાદ તેમના પર વધુ રકમનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનું દબાણ થતાં પ્રવિણભાઈએ રકમ પાછી માગતા ઠગ ટોળકીએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આ મામલે ગત ઓગસ્ટ મહિનામાં વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Vadodara City Cyber Crime Police Station) ઠગાઈની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. મોબાઈલ ફોન નંબરો અને બેંક એકાઉન્ટની તપાસ કરતા બેંક એકાઉન્ટ ભાડે આપનાર ક્રિષ્ણાકુમાર રાજપુરોહીત મળી આવ્યો હતો. 5 ટકા કમિશન લઈને વ્યક્તિગત તેમજ કૃષ્ણા એન્ટરપ્રાઈઝનું બેંક એકાઉન્ટ ભાડે આપનારા આરોપીના બંને ખાતામાં 1.88 કરોડની લેવડ-દેવડ થઈ હોવાનું સામે આવ્યું હતું. ઠગ ટોળકીને બોગસ સિમ કાર્ડ આપતા એક શખ્સની માહિતી પોલીસને તપાસમાં હાથ લાગી હતી.
Advertisement
બે વર્ષમાં 4 હજાર સિમ કાર્ડ વેચ્યા : વડોદરા સાયબર ક્રાઈમ બ્રાંચની તપાસમાં રિન્કેશ ગોસ્વામી અને હર્ષ ચૌધરીના નામ સામે આવતા તેમની તપાસ કરવામાં આવી. આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન અને લેપટોપમાંથી સંખ્યાબંધ લોકોનો ડેટા પોલીસને મળી આવ્યો. વોડાફોન કંપનીના ડીસ્ટ્રીબ્યુટર (Vodafone Distributor) તરીકે કામ કરતા રિન્કેશ ગોસ્વામીએ બે વર્ષમાં 4 હજાર સિમકાર્ડ ઈસ્યુ કરી ઠગ ટોળકી અને ખોટા કામ કરતા લોકોને વેચ્યા હોવાનો ઘટસ્ફોટ થયો. Vodafone Smart Connect એપ્લિકેશનમાં આરોપી રિન્કેશ પાસપોર્ટ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને સિમકાર્ડ ઈસ્યુ કરી દેતો હતો. રિન્કેશ ગોસ્વામી સિમકાર્ડ ઈસ્યુ કરવા માટેનો ડેટા જેવો કે, આધાર કાર્ડ (Aadhar Card) અને ફોટોગ્રાફ્સ મહેસાણાના હર્ષ ચૌધરી પાસેથી મેળવતો હતો.
Advertisement
પ્રધાનમંત્રી યોજનાના લાભાર્થીઓનો ડેટા વેચાયો : BSc કેમિસ્ટ્રી સુધીનો અભ્યાસ કરનારો 25 વર્ષિય હર્ષ કિર્તીભાઈ ચૌધરી મહેસાણામાં પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા (Pradhan Mantri Gramin Digital Saksharta) અભિયાન હેઠળ ટ્રેનિંગ સેન્ટર ચલાવતો હતો. ટ્રેનિંગ માટે જિલ્લા તેમજ આસપાસમાંથી આવતા ગામડાંના લોકોના ફોટા તેમજ આધારકાર્ડ મેળવી લેતો હતો. સરકારની ગાઈડલાઈનનો ભંગ કરીને આરોપી હર્ષ ચૌધરીએ લાભાર્થીઓના ફોટા તેમજ આધાર કાર્ડનો ડેટા (Aadhar Card Data) પોતાના મોબાઈલ ફોન તથા લેપટોપમાં સ્ટોર કરી દેતો હતો. મહેસાણા જિલ્લા (Mahesana District) ના ખતોડા, ગણેશપુરા, ઉમતા, તરભ અને રામનગર ગાંધીનગર જિલ્લા (Gandhinagar District) ના સમઉ અને ચરેડી ગામ તેમજ બનાસકાંઠા જિલ્લા (Banaskantha District) તથા પાટણ જિલ્લા (Patan District) ના ગામના રહિશોની માહિતી હર્ષ ચૌધરીએ રિન્કેશ ગોસ્વામીએ આપી હતી. રિન્કેશ એક વ્યક્તિના ડેટા પેટે 20 રૂપિયા હર્ષને આપતો હતો. જ્યારે રિન્કેશ ડમી સિમકાર્ડ ઈસ્યુ કરીને પ્રત્યેક કાર્ડ 500 રૂપિયામાં ઠગ ટોળકી અને ગુનેગારોને વેચતો હતો.
બોગસ સિમકાર્ડ થકી ગુનાઓને અપાય છે અંજામ : રાજ્ય પોલીસના ચોપડે અસંખ્ય એવા કેસ છે કે, જેમાં બોગસ સિમકાર્ડ (અન્ય વ્યક્તિની જાણ બહાર કઢાયેલા) નો ઉપયોગ થઈ ચૂક્યો છે. નાના-મોટા ગુના હોય કે આતંકવાદી પ્રવૃત્તિ આ તમામ માટે ગુનેગારોને પોલીસ પકડથી દૂર રહેવા માટે બનાવટી સિમકાર્ડ જરૂરી હોય છે. છેતરપિંડીને અંજામ આપવા માટે, GST ની કરોડોની ચોરી કરવા માટે, ક્રિકેટ સટ્ટા બેટિંગ માટે, સાયબર ક્રાઈમ, ફોન સ્કેમિંગ (Phone Scamming) માટે તેમજ અન્ય અપરાધ કે જેમાં પોતાની ઓળખ છુપાવવાની હોય છે.
આ પણ વાંચો-બેરોકટોક કબૂતરબાજી : અમેરિકાએ 97 હજાર ભારતીયોને ઘૂસણખોરી કરતા એક વર્ષમાં પકડ્યા