ક્રિપ્ટો કરન્સીમાં પૈસા બમણા કરવાની લાલચ આપી ઠગાઈ, કાપડનાં વેપારીએ ગુમાવ્યા 1.25 લાખ
અમદાવાદનાં વેપારી સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી પૈસા ડબલ થવાની લાલચ આપીને ઠગાઈ થઈ હોવાની ઘટના બની છે. અમદાવાદનાં મણીનગરમાં રહેતા અને કાપડનો વેપાર કરતા નરેશભાઈ નાગરે આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં પહેલા ફરિયાદીને વિશ્વાસમાં લઈને રૂપિયા 1.25 લાખની કિંમતના ટ્રોનકોઈનનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ અન્ય મિત્રોનાં પણ પૈસાનું રોકાણ કરાવી ડબલ કરવાની લાલચ આપી આરોપીઓએ ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદી નરેશભાઈ નાગર ઘરેથી ઓનલાઈન કાપડનો લે-વેચનો વ્યવસાય તેમજ શેરબજારમાં ટ્રેડિંગનું કામ કરે છે. વેપારી નરેશભાઈ કાપડના વ્યવસાયની સાથે નેટવર્કિંગનું કામ કરતા હતા. થોડા સમય પહેલા વેપારીનાં પરિચીત નવીન પટેલનો તેઓને ફોન આવ્યો હતો અને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રોનકોઈનમાં સ્કીમ આવી છે, તે બાબતે ચર્ચા કરવા માટે મળવા બોલાવ્યા હતા. જે સમયે અન્ય નવીન પટેલ સાથે તેનો મિત્ર જુલ્ફીકાર હાલાણી પણ ત્યા હાજર હતાો બન્ને મિત્રોએ વેપારી નરેશભાઈને સુરતના રાજેશ લુકીએ બુલેટ્રોન નામની કંપની બનાવી છે જેમાં ટ્રોન ક્રિપ્ટો કોઈન મારફતે રોકાણ કરવાથી 1 થી 7 દિવસમાં પૈસા ડબલ થઈ જશે તેમ જણાવ્યું હતું. જે બાદ વેપારીએ ઘરે જઈને 1.25 લાખ રૂપિયાની કિંમતનાં 46 હજાર 500 ટ્રોનકોઈન મોબાઈલ એપ્લીકેશન મારફતે ખરીદ્યા હતા.