રંગબેરંગી, અતરંગી, મનરંગી, સતરંગી રંગોત્સવ
હોળી-ધુળેટી, સાતમ-આઠમ, બેસતું વર્ષ-ભાઈબીજ, ઉતરાયણ અને વાસી ઉતરાયણ આપણે ત્યાં દરેક તહેવાર જોટામાં આવે છે. એક દિવસની ઉજવણી આપણને પૂરી પડતી નથી એટલે આપણે તહેવારને વધુ દિવસો સુધી માણીએ છીએ. નવરાત્રિએ આપણે ત્યાં ઉજવાતો સૌથી લાંબો તહેવાર છે. વિદેશીઓ તો આપણે ત્યાં ઉજવાતા નોરતાંને લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટીવલ તરીકે ઓળખે છે. આજે અને આવતીકાલે આપણે ત્યાં હોળી અને ધુળેટીનો તહેવાર ઉજવાશે. લઠમાર à
Advertisement
હોળી-ધુળેટી, સાતમ-આઠમ, બેસતું વર્ષ-ભાઈબીજ, ઉતરાયણ અને વાસી ઉતરાયણ આપણે ત્યાં દરેક તહેવાર જોટામાં આવે છે. એક દિવસની ઉજવણી આપણને પૂરી પડતી નથી એટલે આપણે તહેવારને વધુ દિવસો સુધી માણીએ છીએ. નવરાત્રિએ આપણે ત્યાં ઉજવાતો સૌથી લાંબો તહેવાર છે. વિદેશીઓ તો આપણે ત્યાં ઉજવાતા નોરતાંને લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટીવલ તરીકે ઓળખે છે.
આજે અને આવતીકાલે આપણે ત્યાં હોળી અને ધુળેટીનો તહેવાર ઉજવાશે. લઠમાર હોળીથી માંડીને સૂકા રંગોની હોળી, માટીની રમત સાથેનું મડ બાથ, કે પછી સ્પેનમાં ઉજવાતી ટોમેટીનો ફેસ્ટીવલ આ બધી જ ઉજવણી અનેક લોકો સાથે મળીને ઉજવે છે. માણસ એકલો દુખી થઈને ખૂણામાં બેસીને રડી શકે પણ ખુશી, આનંદ અને ઉત્સાહ માટે તો દરેક માણસને કોઈનો સાથ જોઈએ જ છે. માણસ એકલો સુખી નથી થઈ શકતો. કોઈ માણસ એકલો હસતો હોય તો આપણે એના ઉપર હસીએ છીએ કે, આ જો કેવો ગાંડા જેવો લાગે છે. ગાંડાની પણ એક અલગ દુનિયા છે. એક જુદા જ ટ્રાન્સમાં એનું અસ્તિત્વ અનોખા રંગે એ જીવતો હોય છે. આપણાં નજરિયાથી એ પાગલ છે પણ એ એની દુનિયામાં મસ્તરામ હોય છે.
2019ના ડિસેમ્બર મહિનાથી આખી દુનિયામાં વસતા લોકોની દુનિયા બદલાઈ ગઈ છે. બે વર્ષે આપણે સહુ હોળીનો આ તહેવાર ઉજવવાના છીએ. આ બે વરસે આપણને સહુને અનેક રંગો બતાવ્યા છે. ક્યાંક કોઈની દુનિયા બેરંગી થઈ ગઈ છે. ક્યાંક પરિવારમાં એક નવો રંગ જીવનસાથી કે સંતાન સ્વરુપે આવ્યો છે. કોઈ પરિવારમાં સન્નાટાનો રંગ પથરાઈ ગયો છે. કોઈ વ્યક્તિએ એકાંતના રંગને ઓઢી લીધો છે. તો કોઈની જિંદગીમાં એકલતાનો કાળો રંગ એ હદે ઘૂસી ગયો છે કે, એ વ્યક્તિ એનો પોતાનો રંગ ભૂલીગઈ છે. ઘણાં બધાં મા-બાપ સંતાનો વગર અનાથ થઈ ગયા છે તો સેંકડો સંતાનોના માથેથી વડીલોના આશીર્વાદનો રંગ વીખાઈ ગયો છે. ઘણું છૂટી ગયું છે એ હાથમાં નથી આવવાનું. વલખાં મારવાના રંગની કોઈ વ્યાખ્યા હોય શકે ખરી? ખાલીપો-શૂન્યાવકાશને કોઈ રંગથી ભરી શકાય ખરાં? આ વરસે એવાં કેટલા બધાં હાથ હશે જેની હથેળીમાં કદાચ રંગ તો હશે પણ જેના હાથ પકડીને એને રંગી શકાય એ વ્યક્તિ નહીં હોય.
હા, આંખોમાં પારદર્શક આંસુઓ ભરાઈ જાય એવી અનેક યાદો, વાતો ઉમટી આવશે. એ બધાંની ઉપર આપણે સહુએ લાગણીનો રંગ, માનવતાનો રંગ, સેવાનો રંગ, જોય ઓફ ગિવીંગનો રંગ પણ જોયો છે. આ દિવસોમાં ઘણાં બધાં એવા લોકો પણ છે જેમણે ઘર બાળીને તીરથ કર્યા છે. આ લોકોનો રંગ તો ભગવાનના રંગમાં જાણે ઓતપ્રોત થઈ જતો હોય એવું લાગે. ક્યાંક સપાટી પર રહેલા સંબંધોમાં લાગણી અને દુર્ઘટનાએ સંપનો રંગ ભરી દીધો છે. તો ક્યાંક વર્ષોના અબોલા તૂટ્યા છે. ઘણું બધું એવું સારું પણ બન્યું છે જેનાથી આપણો એકબીજા પરનો વિશ્વાસનો રંગ વધુ ઘેરો થયો છે. પોતાના લોકોનો સાથ અને લાગણી ટકી રહેવા માટે કેટલી જરુરી છે એ દિવસો પણ આપણે જોયા છે. આ લાગણીઓના રંગ પરથી સત્યનો એક રંગ એવો સમજાય છે કે, જિંદગી છે, શ્વાસ છે ત્યાં સુધી એને માણો. ઝરણાંના ખળખળ પાણીની જેમ વહેવા દો. કુદરત ચેલેન્જ આપતી જ રહેવાની છે. એની સામે ટકી જવું કે તૂટી જવું એ મનોબળનો રંગ તો આપણે જ કેળવવો પડે.
જિંદગીમાં આવતાં તમામ દુઃખના રંગો સામે જીવવાના રંગોને ઉત્સાહથી ઉજાગર કરવાના આ પર્વની શુભેચ્છાઓ.