Ahmedabad : વેજલપુરના સબ રજીસ્ટરની 1.50 લાખની લાંચ ACB એ ધરપકડ કરી અને તેના ઘરે સર્ચ કરતા 58 લાખ રોકડા અને 12 દારૂની બોટલ મળી...!
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી સબ રજીસ્ટરની કાચરીમાં સબ રજીસ્ટાર તરીકે ફરજ બજાવતા તુલસીદાસ મારકણાએ દસ્તાવેજ કરવા અંગે રૂપિયાની માંગણી કરી હતી. જેની જાણ ACBને થતા સબ રજીસ્ટરની કચેરીએ ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપમાં સબ રજીસ્ટર તુલસીદાસ મારકણાએ એક દસ્તાવેજ કરવામાં 5 હજારની માંગણી કરી હતી જેમાં 30 દસ્તાવેજના 1.50 લાખ રૂપિયાની લાંચ લેતા ACB દ્વારા સફળ ટ્રેપ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના ઘરે સર્ચ કરતા એસીબીને રોકડા રૂપિયા 58 લાખ 28 હજાર અને વિદેશી દારૂની 12 બોટલ મળી આવી હતી. એસીબીએ હાલમાં આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે વિદેશી દારૂની બોટલ અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અગાઉ વર્ષ 1989થી 2006 સુધી આર્મીમાં નોકરી કરતો હતો. ત્યારબાદ તે વર્ષ 2013માં પીએસઆઇની પરીક્ષામાં પણ પસંદગી પામ્યા હતા. જો કે આ દરમિયાન સબ રજીસ્ટારમાં પસંદગી થતા તે નોકરીએ લાગ્યા હતા. આરોપીને ભાવનગરના ઘારીયાધર, હાલોલ, ઘોગંબા બાદ અમદાવાદમાં નોકરી કરી રહ્યા હતા. હાલમાં એસીબી દ્વારા આ પ્રકાર દસ્તાવેજો કરી આપવા માટે કેટલી લાંચની રકમ લીધી છે. આ ઉપરાંત કેસમાં અન્ય કોઈ ઉપરી અધિકારીની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીને કચ્છ અને સંખેડામાં જમીન હોવાનું પણ એસીબીને જાણવા મળતા તે અંગે પણ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, વેજલપુરમાં આવેલી રજીસ્ટાર કચેરીમાં તુલસીદાસ પુરૂષોત્તમભાઇ મારકણા વર્ગ-3 સબ રજીસ્ટાર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે વેજલપુરમાં આવેલી એક સોસાયટીના મકાનોના દસ્તાવેજો રજીસ્ટર કરાવવા માટે તુલસીદાસે કુલ રૂ. 1.50 લાખની લાંચ માંગી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારે એસીબીએ છટકુ ગોઠવીને સબ રજીસ્ટારને રૂ. 1.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપીએ એક મકાનના દસ્તાવેજ રજીસ્ટર કરાવી આપવાના રૂ. 5 હજાર કીધા હતા. આમ કુલ 30 દસ્તાવેજો રજીસ્ટર કરાવી આપવાના રૂ. 1.50 લાખ ની માંગણી કરવામાં આવી હતી.
અહેવાલ : પ્રદીપ કચિયા, અમદાવાદ
આ પણ વાંચો : Ahmedabad News : શહેરમાં 48 કલાકમાં 1 ભ્રુણ 1 મૃત હાલતમાં અને 1 તાજું જન્મેલું બાળક મળી આવ્યું…!