PM મોદીની આગેવાનીમાં UN માં યોગ કાર્યક્રમ યોજાયો, બન્યો Guinness World Record, જાણો કેવી રીતે
સમગ્ર વિશ્વમાં આજે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' (International Yoga Day) ની ઉજવણી કરવામાં આવી હતી. ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નેતૃત્વમાં યોગ દિવસના કાર્યક્રમ દરમિયાન ગિનીસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record) બનાવવામાં આવ્યો હતો.
PM મોદીના નેતૃત્વમાં યોગ કાર્યક્રમ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ
સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગ કાર્યક્રમ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયો. ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે યોગ કાર્યક્રમ દરમિયાન મહત્તમ સંખ્યામાં રાષ્ટ્રીયતા (વિવિધ દેશો) એ ભાગ લીધો હતો. આ કારણોસર, આ કાર્યક્રમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM મોદી યોગ દિવસ સ્પીચ) તેમના સંબોધનમાં કહ્યું હતું કે યોગ કોઈ એક દેશ, ધર્મ કે જાતિ સાથે સંબંધિત નથી. તેમણે કહ્યું કે, યોગ ભારતમાંથી આવ્યો છે અને તે સૌથી પ્રાચીન પરંપરા છે પરંતુ તેના પર કોઈ કોપીરાઈટ નથી. તેમણે કહ્યું કે 'યોગ કોપીરાઈટ, પેટન્ટ અને રોયલ્ટીથી મુક્ત છે'.
PM મોદી તેમની પ્રથમ રાજ્ય યાત્રા પર અમેરિકા છે
યોગ સત્રમાં સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીઓ, રાજદ્વારીઓ અને વિશ્વભરની પ્રતિષ્ઠિત હસ્તીઓએ ભાગ લીધો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનના આમંત્રણ પર મોદી અમેરિકાની તેમની રાજ્ય મુલાકાતના પ્રથમ તબક્કામાં ન્યૂયોર્કમાં છે. વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના ઉત્તર લૉનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પ્રતિમા ગયા વર્ષે ડિસેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ભારતની અધ્યક્ષતામાં સ્થાપિત કરવામાં આવી હતી. યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ સફેદ યોગ ટી-શર્ટ અને પાયજામા પહેર્યો હતો. તેમણે તેમના સંબોધનની શરૂઆત 'નમસ્તે' શબ્દથી કરી હતી અને કાર્યક્રમમાં હાજરી આપવા માટે દૂર-દૂરથી અહીં આવનારા લોકોનો આભાર માન્યો હતો.
UN માં PM મોદીના સંબોધનની મોટી વાતો
- યોગ - તમામ પ્રાચીન ભારતીય પરંપરાઓની જેમ તે પણ જીવંત છે.
- યોગ ભારતમાંથી આવ્યો છે, પરંતુ તે કોપીરાઈટ, રોયલ્ટી વગેરેથી મુક્ત છે.
- યોગ કોઈપણ ઉંમરના લોકો કરી શકે છે. યોગ ઘરે, કામ દરમિયાન અથવા ગમે ત્યાં કરી શકાય છે. તમે એકલા અથવા સમૂહમાં યોગ કરી શકો છો.
- યોગ જીવન જીવવાની રીત છે. આ સાથે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યનો ભાગ બનો
- લગભગ નવ વર્ષ પહેલાં, સંયુક્ત રાષ્ટ્રમાં જ, મને 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ આપવાનું સન્માન મળ્યું હતું.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડના અધિકારી માઈકલ એમ્પ્રિકે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રના યોગ કાર્યક્રમમાં 135 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. અગાઉ 140 દેશોના પ્રતિનિધિઓ ભાગ લે તેવી સંભાવના હતી. પરંતુ 135 દેશોના પ્રતિનિધિઓ સાથે પણ, તે વિશ્વ વિક્રમ બની ગયો.
આજે એક ઐતિહાસિક દિવસ - રૂચિરા કંબોજ
રુચિરા કંબોજ, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ છે. તેમણે કહ્યું કે, આજે એક ઐતિહાસિક દિવસ હતો જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UNના પરિસરમાં યોગનું નેતૃત્વ કર્યું હતું. તમે જોયું જ હશે કે ડિસેમ્બર 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તેથી જ આજનો દિવસ ખૂબ જ સન્માનનો છે કે યોગ વડાપ્રધાનના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. મને એ વાતની પણ ખૂબ જ ખુશી છે કે આજે એક જ જગ્યાએ યોગા સહભાગીઓની મહત્તમ સંખ્યા માટેનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ રચાયો.
ન્યૂયોર્કમાં યોજાયેલી યોગ ઇવેન્ટમાં વડાપ્રધાન મોદી સાથે જોડાઇ આ પ્રસિદ્ધ હસ્તીઓ
યોગ ઇવેન્ટમાં વડાપ્રધાન મોદી સાથે જે સુપ્રસિદ્ધ હસ્તીઓએ ભાગ લીધો તેઓના નામ પર નજર કરીએ
- ક્સાબા કરોસી, હંગેરીયન ડિપ્લોમેટ
- મિસ્ટર એરિક એડમ્સ અમેરિકન પોલિટિશિયન અને પૂર્વ પોલીસ અધિકારી
- એમિના મોહમ્મદ ડેપ્યૂટી સેક્રેટરી જનરલ ઓફ યૂનાઇટેડ નેશન્સ
- મિસ્ટર રિચર્ડ ગેરે પ્રસિદ્ધ હોલિવુડ એક્ટર
- મિસ્ટર વાલા અફસાર ચીફ ડિઝિટલ ઇવાનજેલિસ્ટ એટ સેલ્સફોર્સ
- જય શેટ્ટી એવોર્ડ વિનિંગ સ્ટોરી ટેલર, પોડકાસ્ટર
- વિકાસ ખન્ના એવોર્ડ વિનિંગ ઇન્ડિયન શેફ
- માઇક હેઝ COO, કલાઉડ કોમ્પ્યુટિંગ ટેક મેજર
- બ્રિટ કેલી સ્લેબિન્સ્કી યૂએસ નેવી ઓફિસર
- ફ્રાન્સિસ્કો ડિસોઝા ફાઉન્ડર એન્ડ સીઇઓ, રેકઝનાઇઝ
- કોલિન સઇદમાન યી યોગા ટીચર ( ન્યૂયોર્કમાં ધ ફર્સ્ટ લેડી ઓફ યોગાના ખિતાબથી સન્માનિત )
- રોડની યી યોગા ઇન્સ્ટ્રકટર ( યોગ પર બે પુસ્તકોના લેખક)
- ડેઇડ્ર ડિમેન્સ યોગા સ્ટુડિયોના માલિક, ન્યૂયોર્ક
- ક્રિસ્ટોફર ટોમ્પકિન્સ યોગાના પ્રખર અભ્યાસુ
- વિકટોરિયા ગીબ્સ યોગા ટીચર એન્ડ મેડિટેશન કોચ
- જહાન્વી હેરિસન બ્રિટિશ મ્યુઝિશિયન( મંત્ર મેડિટેશન મ્યુઝિક )
- કેનેથ લી કોમ્યુનિટી હેલ્થ ચાપલેઇન, યુનિ.હોસ્પિ.,ન્યૂયોર્ક
- ત્રાવિસ મિલ્સ યોગા પ્રમોટર, નિવૃત સૈનિક
- જેફ્રે ડી. લોંગ પ્રોફેસર ઓફ રિલિજિયોન
- સીમા મોદી પત્રકાર, સીએનબીસી
- ઝેન અસેર પ્રાઇમ ટાઇમ ન્યૂઝ એન્કર , સીએનએન
- રીકી કેજ ગ્રેમી એવોર્ડ વિજેતા
- ફાલ્ગુની શાહ અમેરીકન સિંગર
- મેરી મિલબેન, અમેરિકન સિંગર, એક્ટ્રેસ
ઉલ્લેખનીય છે કે, 2014માં 69મી યુએન જનરલ એસેમ્બલીને સંબોધિત કરતા સમયે તેમણે પહેલી વાર 21 જૂનના રોજ યોગા દિવસ ઉજવવાનો વિચાર પ્રસ્તૃત કર્યો હતો. જેના વિચાર સાથે સહમતિ દર્શાવી આખી દુનિયા વર્ષ 2015થી આ યોગા દિવસ ઉજવી રહી છે. મહત્વવપૂર્ણ છે કે, યોગ દ્વારા શરીર અને મન બંને સુંદર અને નિયંત્રિત રહે છે. દર વર્ષે આ દિવસની થીમ અલગ અલગ હોય છે. આ વખતે વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંત પર થીમ 'એક વિશ્વ, એક સ્વાસ્થ્ય' રાખવામાં આવી છે. આ થીમ આયુષ મંત્રાલય દ્વારા પસંદ કરવામાં આવી છે. જણાવી દઈએ કે PM મોદી હાલ અમેરિકાના પ્રવાસ પર છે, પરંતુ યોગને આધ્યાત્મિક અભ્યાસ માનનારા વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. વળી, રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા સ્થળોએ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામાન્યથી લઈને ખાસ લોકોએ ભાગ લીધો છે.
આ પણ વાંચો - સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના લૉન પર લાગ્યા ‘ભારત માતા કી જય’ અને મોદી-મોદીના નારા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ