GBS નામની જીવલેણ બિમારીનો ભોગ બનેલી વડોદરાની યશવી 50 ટકા લાવી
આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે જેમાં વડોદરાની યશવીએ 50 ટકા મેળવ્યા છે. યશવીનું આ પરિણામ નાનું સુનુ નથી. યશવી 2021માં જીવલેણ ગુલીયન બેરી સીન્ડ્રોમ (GBS)(પેરાલીસીસ) નામની બિમારીનો ભોગ બની હતી.આમ છતાં તેણે હિંમત હાર્યા વગર મક્કમ મન...
આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે જેમાં વડોદરાની યશવીએ 50 ટકા મેળવ્યા છે. યશવીનું આ પરિણામ નાનું સુનુ નથી. યશવી 2021માં જીવલેણ ગુલીયન બેરી સીન્ડ્રોમ (GBS)(પેરાલીસીસ) નામની બિમારીનો ભોગ બની હતી.આમ છતાં તેણે હિંમત હાર્યા વગર મક્કમ મન કરીને ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી હતી અને તેમાં તેની અથાગ મહેનત અને અનેક અગવડો વચ્ચે 50 ટકા આવ્યા છે.
આજે જાહેર થયેલા પરિણામમાં તેણે 50 ટકા મેળવ્યા
યશવી 2021માં જીવલેણ ગુલીયન બેરી સીન્ડ્રોમ (GBS)(પેરાલીસીસ) નામની બિમારીનો ભોગ બની હતી અને તેના કારણે તે 2022માં ધોરણ-12 સાયન્સની પરીક્ષા આપી શકી ન હતી. જો કે ત્યારબાદ 19 માસની સારવારપછી તે પરીક્ષા આપવા માટે તૈયાર થઇ હતી. તેણે 2023માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 સાયન્સની પરિક્ષા આપી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં તેણે 50 ટકા મેળવ્યા છે. તેને IT એન્જિનીયર બનવાની ઇચ્છા છે. ઉલ્લેખનિય છે કે, હજુ પણ યશ્વી GBS બિમારીનો સામનો કરી રહી છે. તે સંપૂર્ણ બિમારી મુક્ત ક્યારે થશે તે યશ્વી તો ઠીક તબીબો પણ કંઇ કહી શકતા નથી.
ઉચ્ચ શિક્ષણ અપાવવું છે
વડોદરાના હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસે આવેલી ઇ-7, વિજય નગર સોસાયટીમાં યશવી તેના માતા-પિતા જયશ્રીબહેન અને શૈલેષભાઇ પટેલ સાથે રહે છે. યશવી તેના માતા-પિતાની એકની એક દીકરી છે. ટી.વી. રીપેરીંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા શૈલેષભાઇ પટેલ અને ઘરકામ કરતા માતા જયશ્રીબહેન પટેલ દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવવા ઇચ્છે છે.
યશવી વાંચી રહી હતી ત્યારે જ....
ઓક્ટોબર-2021 પહેલાં માતા-પિતા યશવીને ઉચ્ચ શિક્ષણ અપાવવાથી લઇને અનેક સોનેરી સપના જોઇ રહ્યા હતા. પરંતુ, 10 ઓક્ટોબર-021નો દિવસ યશવી માટે અને માતા-પિતા માટે આઘાતજનક પુરવાર થયો હતો. યશવી 2022માં ધોરણ-12 સાયન્સની પરિક્ષાની તૈયારી કરવા સવારના સમયે તેના નિત્યક્રમ મુજબ ખૂરશીમાં બેસીને વાંચી રહી હતી. તે સમયે એકાએક તેના ફેફસા સહિતના અંગો કામ કરવાનું બંધ થઇ ગયું હતું. અને તે ખુરશીમાંજ ઢળી પડી હતી.
એકાએક ખુરશીમાં ઢળી પડી
એકાએક ખૂરશીમાં ઢળી પડેલી યશવીને જોઇ માતા જયશ્રીબહેન ચોંકી ઉઠ્યા હતા. તુરતજ તેઓએ નોકરી-ધંધાર્થે ગયેલા પતિને દીકરીની બગડેલી તબીયત અંગે જાણ કરી હતી. પતિ તમામ કામ પડતા મૂકીને ઘરે દોડી આવ્યા હતા. અને યશવીને સારવાર માટે લઇ ગયા હતા. આર્થિક સ્થિતી નબળી હોવાના કારણે પરિવાર માટે એકની એક દીકરીની સારવાર કરાવવી પણ મુશ્કેલ હતી. છતાં, પરિવારજનોની મદદથી સારવાર કરાવવાનું ચાલુ રાખ્યું હતું.
હું મારા પરિણામથી ખૂશ છું
2022માં પરિક્ષાના પાંચ માસ પહેલાં જ જીવલેણ બિમારીનો ભોગ બનેલી યશવી ધોરણ-12 સાયન્સની બોર્ડની પરિક્ષા આપી શકી ન હતી. બીજી બાજુ માતા-પિતા યશવીને જીવલેણ બિમારીમાંથી મુક્તિ અપાવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. અમદાવાદની હોસ્પિટલમાં 78 દિવસ સુધી વેન્ટીલેટર ઉપર રહ્યા બાદ યશવીની તબિયતમાં સુધારો થયો. તેના હાથ કામ કરવા લાગ્યા. થોડું લખી શકે તેવો તેને વિશ્વાસ આવ્યો. અને તેને 2023માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-12 સાયન્સની પરિક્ષા આપી. આજે પરિણામ જાહેર થતાં તેને 50 ટકા મેળવ્યા છે. યશવીને 70 ટકાની અપેક્ષા હતી. પરંતુ, જે ટકા આવ્યા તેનાથી ખુશ છે.
હું સંપૂર્ણ સ્વસ્થ થઇ જઇશ
મક્કમ મનની યશવીએ પૂરા વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, હું મારી જીવલેણ બિમારીને પણ મ્હાત આપીશ. અને IT એન્જિનીયરનો અભ્યાસ કરીને મારું તથા મારા માતા-પિતાનું સપનું પૂરું કરીશ. મારા માતા-પિતાએ મારા માટે સેવેલા તમામ સપના હું પૂર્ણ કરીશ. હજું પણ હું મારી બિમારીમાંથી સંપૂર્ણ બહાર આવી નથી. મારા પગ કામ કરતા નથી. સારવાર ચાલી રહી છે. મારા માતા-પિતા પેટે પાટા બાંધીને મારી સારવાર કરાવી રહ્યા છે. IT એન્જિનીયરના અભ્યાસનો ખર્ચ પણ અમારા માટે મુશ્કેલ છે. પરંતુ, જે રીતે મારી ઉર્મિ સ્કૂલ દ્વારા મને મદદ કરવામાં આવી છે. તેવી કોઇ એન્જિનીયરીંગ કોલેજમાં પણ મદદ મળશે અથવા તો કોઇ સામાજિક સંસ્થાઓ પણ મદદમાં આવશે તેવી મને આશા છે.
અમે મારી દીકરીનું સપનું પૂરું કરાવીશું
માતા જયશ્રીબહેન પટેલે જણાવ્યું હતું કે, 10 ઓક્ટોબર-2021નો દિવસ અમારા પરિવાર માટે સૌથી ખરાબ દિવસ હતો. મારી એકની એક દીકરી યશવી જીવલેણ બિમારીનો ભોગ બની. તે દિવસે મને અને મારા પતિને એમ હતું કે, આપણી એકની એક દીકરી પણ નહિં રહે. પરંતુ, દીકરીને જીવલેણ બિમારીમાંથી મુક્ત કરાવવા અમે મારી જમીનનો ટુકડો પણ વેચી માર્યો છે. બચત પણ તેની બિમારીમાં લગાવી દીધી છે. પરંતુ, આજે મારી દીકરીએ પડકાર જનક બિમારીનો સામનો કરીને ધોરણ-12 સાયન્સમાં 50 ટકા મેળવતા હું બહું ખૂશ છું. મારી દીકરીનું IT એન્જિનીયરનું સપનું પૂરું કરાવવા માટે હજુ જે કંઇ મહેનત કરવાની હશે તે અમે કરીશું.
અહેવાલ---દિકેશ સોલંકી, વડોદરા
Advertisement