Manipur માં ફરી હિંસા, મહિલા પર બળાત્કાર બાદ જીવતી સળગાવી
- Manipur ના જીરીબામ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના
- 31 વર્ષીય આદિવાસી મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો
- અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ FIR દાખલ કરાઈ
મણિપુર (Manipur)ના જીરીબામ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર, ગુરુવારે રાત્રે 31 વર્ષીય આદિવાસી મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ દરમિયાન સશસ્ત્ર હુમલાખોરોએ ગામમાં ગોળીબાર કર્યો હતો અને લૂંટફાટ અને આગચંપી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, હુમલાખોરોએ 17 ઘરોને સળગાવી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં પીડિતાનો સામૂહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. મણિપુર (Manipur)માં ચાલી રહેલો જાતિ સંઘર્ષ રાજ્યમાં વિભાજનનું કારણ બની ગયો છે. મણિપુર (Manipur) બહુમતી મીતેઈ અને આદિવાસી કુકી સમુદાયો વચ્ચે સતત સંઘર્ષનું સાક્ષી છે. જેના કારણે રાજ્યમાં હિંસાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.
પોલીસે શું કહ્યું...
પોલીસે FIR માં "વંશીય અને સમુદાયના આધારે બળાત્કાર અને હત્યા"નો ઉલ્લેખ કર્યો છે. પીડિતાના પતિએ પોલીસને ફરિયાદ કરી અને કહ્યું કે, આ કૃત્ય ગેરકાયદે ઘૂસણખોરો દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી. ઈન્ડીજીનસ ટ્રાઈબલ એડવોકેસી કમિટી (આઈટીએસી) એ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે હુમલાખોરો ગામમાં પ્રવેશતાની સાથે જ ઘરોમાં આગ લગાવી દીધી અને ગોળીબાર પણ કર્યો. આ દરમિયાન ગામના લોકો પોતાનો જીવ બચાવવા જંગલ તરફ ભાગવા લાગ્યા, પરંતુ એક મહિલા ફસાઈ ગઈ અને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી.
આસામમાં પોસ્ટમોર્ટમ-ફોરેન્સિક ટેસ્ટ કરવામાં આવશે...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ મહિલાના સળગેલા મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે પાડોશી રાજ્ય આસામના સિલચર મોકલશે. જીરીબામના એસપીએ, જિલ્લા મેજિસ્ટ્રેટને આવું કરવા પાછળનું કારણ સમજાવતા કહ્યું કે રાજધાનીમાં પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસની સુવિધાઓ નથી. મણિપુર (Manipur)માં વધી રહેલા વંશીય સંકટ વચ્ચે, મૃતદેહને નેશનલ હાઈવે-37 દ્વારા જીરીબામથી ઈમ્ફાલ લઈ જવો શક્ય બનશે નહીં, તેથી મૃતદેહને એરલિફ્ટ કરીને આસામ મોકલવામાં આવશે. તમને જણાવી દઈએ કે જીરીબામમાં છેલ્લા 2 મહિનાથી હિંસા ચાલી રહી છે. બળાત્કાર, હત્યા, લૂંટ અને આગચંપી જેવી ઘટનાઓ બની રહી છે. 7 સપ્ટેમ્બરે પણ જિલ્લામાં 6 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મેઇતેઇ, કુકી અને નાગા સમુદાયો વચ્ચેના વિવાદને ઉકેલવા માટે ફરી એકવાર બેઠકોનો દોર શરૂ થયો છે.
આ પણ વાંચો : Samosa Controversy : શું CM સુખુના ચોરેલા 'સમોસા' જયરામ ઠાકુરની થાળીમાં પહોંચ્યા? Video
મહિલા શિક્ષકને પહેલા ગોળી મારી અને પછી આગમાં ફેંકી...
તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા પણ મણિપુર (Manipur)ના જીરીબામ વિસ્તારમાં એક મહિલા શિક્ષકને ગોળી મારી દેવામાં આવી હતી. ત્યારપછી તેને ઈજાગ્રસ્ત હાલતમાં આગ ચાંપવામાં આવી હતી. આ દરમિયાન મહિલાનું મોત થયું હતું. ઘૂસણખોરોએ તે દિવસે ઘણા ઘરોને આગ ચાંપી દીધી હતી. આ ઘટના જયરાવણ ગામમાં પણ બની હતી. આ ગામ જિલ્લાના મુખ્ય મથક જીરીબામ પોલીસ સ્ટેશનથી માત્ર 7 કિલોમીટર દૂર છે. આ ગામની નજીક CRPF કેમ્પ પણ છે. મૃતકની ઓળખ 31 વર્ષીય જોસાંગકિમ તરીકે થઈ છે, જે વ્યવસાયે શિક્ષક હતી અને તે તેના ત્રણ બાળકો અને પતિ સાથે ગામમાં રહેતી હતી. રાત્રે નવ વાગ્યાના સુમારે ઘરમાં ઘુસીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : UN માં પાકિસ્તાનની ફજેતી, ભારતે કહ્યું- 'જમ્મુ-કાશ્મીર આપણું અભિન્ન અંગ હતું, છે અને રહેશે'
કેન્દ્ર પાસે હસ્તક્ષેપની માંગ...
આ ઘટના પછી, આદિવાસી સંગઠનોએ મણિપુર (Manipur)માં કુકી-ઝોમી-હમર સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રની મોદી સરકારના હસ્તક્ષેપની માંગ કરી છે. ચુરાચંદપુરના આદિવાસી સંગઠન ઈન્ડિજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે પણ આ ગુના માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો : UP : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સામે બાઈક મુકીને ભાગ્યો વ્યક્તિ, પછી થયું એવું કે...