Arun Goyal: જાણો કોણ છે અરૂણ ગોયલ? કેન્દ્ર સરકારના મહત્વના હોદ્દાઓ પર પણ કર્યું છે કામ
Arun Goyal: લોકસભાની ચૂંટણી પહેલા જ ચૂંટણી કમિશનર અરુણ ગોયલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, તેમના રાજીનામા પછી ચૂંટણી કમિશનમાં હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર જ રહ્યાં છે. આ પહેલા ફેબ્રુઆરીમાં ચૂંટણી કમિશનર અનુપ પાંડે નિવૃત્ત થઈ ગયા હતા. અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનર બનવાની લાઇનમાં હોવાનું કહેવાય છે, પરંતુ તે પહેલા જ તેમણે રાજીનામું આપી દેતા અત્યારે તર્ક વીતર્ક સર્જાઈ રહ્યાં છે.
2022 માં ચૂંટણી કમિશનર તરીકે ચૂંટાયા હતાં
નોંધનીય છે કે, અરુણ ગોયલે ચૂંટણી જાહેર થયા પહેલા જ કેમ રાજીનામું આપ્યું તેને લઈએ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, અને એમણે પણ આ બાબતે કોઈ વિગત આપી નથી. અરૂણ ગોયલ 21 નવેમ્બર, 2022 ના રોજ ચૂંટણી કમિશનર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. વધુ વિગતે વાત કરવામાં આવે તો તેમને કાર્યકાળ 2027 સુધીનો હતો, તેમના કાર્યકાળને હજી ત્રણ વર્ષ બાકી હતા અને તે પહેલા જ રાજીનામું આપી દીધું હતું.
ચાલો અરૂણ ગોયલ વિશે જાણીએ...
અરુણ ગોયલ પંજાબ કેડરના 1985 બેચના IAS ઓફિસર છે. તેમણે પંજાબ અને ભારત સરકારમાં ઘણા વરિષ્ઠ હોદ્દા સંભાળ્યા પછી, 18 નવેમ્બર 2022 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતીં. જ્યારે તેઓ 31 ડિસેમ્બર 2022 ના રોજ નિવૃત્ત થવાના હતા. આ પછી 21 નવેમ્બરે તેમને ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા.
અરૂણ ગોયલ પટિયાલાના રહેવાશી
તેમના વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવે તો, અરૂણ ગોયલ પટિયાલાના રહેવાશી છે. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ પટિયાલાથી લીધું હતું. આ સાથે સાથે તેમણે બીએમાં ટોપ પણ કર્યું હતું. IAS બન્યા બાદ અરૂણ ગોયલ પંજાબ અને કેન્દ્ર સરકારની અનેક મહત્વના પદો પર પણ રહ્યાં હતાં. તેમણે 37 વર્ષ સુધી પોતાના સેવા આપી છે. ત્યાર બાદ તેઓ ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા હતાં
નાણાં મંત્રાલયના સંયુક્ત સચિવ તરીકે પણ કામ કર્યું
અરૂણ ગોયલ ભૂતપૂર્વ અમલદાર ચર્ચિલ કોલેજ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડમાંથી વિકાસ અર્થશાસ્ત્રમાં વિશિષ્ટતા સાથે અનુસ્નાતક પણ છે. આ સાથે ગોયલે જ્હોન એફ કેનેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ, હાર્વર્ડ યુનિવર્સિટી અને અમેરિકામાં પણ ટ્રેનિંગ લીધી છે. આ સાથે સાથે IAS બન્યા બાદ ગોયલ લુધિયાણા અને ભટિંડા જિલ્લાના ચૂંટણી અધિકારી પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં પરંતુ તેમણે સંસ્કૃતિ મંત્રાલયના સચિવ, દિલ્હી વિકાસ સત્તામંડળના ઉપાધ્યક્ષ, શ્રમ અને રોજગાર મંત્રાલયના અધિક સચિવ અને નાણાકીય સલાહકાર અને ભારત સરકારમાં નાણાં મંત્રાલયના સંયુક્ત સચિવ તરીકે પણ કામ કર્યું છે.