નાલંદાના વખાણ કરતા PM મોદીએ શું કહ્યું?
PM Modi Speech : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બિહારના રાજગીરમાં ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. સવારે નાલંદા યુનિવર્સિટી પહોંચેલા PM મોદીએ સૌપ્રથમ યુનિવર્સિટીની જૂની વિરાસતને નજીકથી નિહાળી હતી. આ પછી તેઓ અહીંથી નવા કેમ્પસ પહોંચ્યા, જ્યાં તેમણે બોધિ વૃક્ષનું વાવેતર કર્યું અને પછી નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ બિહારમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે સંબોધન કર્યું હતું.
આગની જ્વાળાઓ જ્ઞાનનો નાશ ન કરી શકે : PM મોદી
PM મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે, મને ત્રીજા કાર્યકાળના શપથ ગ્રહણ કર્યા બાદ પહેલા જ 10 દિવસમાં નાલંદા આવવાનો અવસર મળ્યો છે. જેને હું મારું શૌભાગ્ય તો ગણું જ છું પણ હું તેને ભારતની એક વિકાસ યાત્રાના શુભ સંકેતની રીતે જોવું છું. નાલંદા તે માત્ર એક નામ નથી, આ એક ઓળખ છે, એક સન્માન છે, એક મૂલ્ય છે, મંત્ર, ગૌરવ છે, ગાથા છે. નાલંદા છે તે એક ઘોષણા છે કે આગની જ્વાળાઓમાં પુસ્તકો ભલે બળી જાય પણ આગની જ્વાળાઓ જ્ઞાનનો નાશ કરી શકતી નથી. તેમણે આગળ કહ્યું કે, નાલંદા એ માત્ર ભારતના ભૂતકાળનું પુનર્જાગરણ નથી. વિશ્વ અને એશિયાના અનેક દેશોની ધરોહર તેની સાથે જોડાયેલી છે. અમારા ભાગીદાર દેશોએ પણ નાલંદા યુનિવર્સિટીના પુનઃનિર્માણમાં ભાગ લીધો છે. હું આ અવસર પર ભારતના તમામ મિત્ર દેશોને અભિનંદન આપું છું. નાલંદાનું પુનરુજ્જીવન તેના પ્રાચીન અવશેષોની નજીક આ નવું કેમ્પસ ભારતની ક્ષમતાનો વિશ્વ સમક્ષ પરિચય કરાવશે. જે રાષ્ટ્રો મજબૂત માનવીય મૂલ્યો પર ઊભેલા છે તે રાષ્ટ્રો જાણે છે કે કેવી રીતે ઈતિહાસને પુનર્જીવિત કરીને વધુ સારા ભવિષ્યનો પાયો નાખવો.
શિક્ષણ આપણને આકાર આપે છે, વિચારો આપે છે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું, "આપણે બધા જાણીએ છીએ કે નાલંદા એક સમયે ભારતની પરંપરા અને ઓળખનું જીવંત કેન્દ્ર હતું. શિક્ષણ વિશે આ ભારતની વિચારસરણી છે. શિક્ષણ આપણને આકાર આપે છે, વિચારો આપે છે. પ્રાચીન નાલંદામાં બાળકોનો પ્રવેશ તેમની ઓળખ, તેમની રાષ્ટ્રીયતા પર આધારિત નહોતી, અહીં નાલંદાના આ નવા કેમ્પસમાં આપણે તે જ પ્રાચીન સિસ્ટમ જોઈ રહ્યા છીએ અને મને તે જોઈને આનંદ થાય છે કે આજે વિશ્વના ઘણા દેશોમાંથી ઘણા વિદ્યાર્થીઓ અહીં આવવા લાગ્યા છે.
ભારતમાં જ શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી રહી છે : PM મોદી
PM મોદીએ કહ્યું કે, આજે ભારતમાં જ ઉચ્ચ શિક્ષણ માટેની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી રહી છે. હવે ભારતની શૈક્ષણિક સંસ્થાઓ વૈશ્વિક બની રહી છે. નાલંદા યુનિવર્સિટીએ પણ વિશ્વના દરેક ક્ષેત્રમાં પહોંચવાનું છે. વિશ્વ બુદ્ધના આ દેશ સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવા માંગે છે. નાલંદાની આ ભૂમિ વિશ્વ ભાઈચારાની લાગણીને નવો આયામ આપી શકે છે. આવનારા 25 વર્ષ ભારતના યુવાનો માટે મહત્વપૂર્ણ છે. નાલંદા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આવનારા દિવસો મહત્વના છે. સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તમારા જ્ઞાનનો ઉપયોગ કરો. તમારા જ્ઞાનથી વધુ સારું ભવિષ્ય બનાવો. નાલંદાનું ગૌરવ એ ભારતનું ગૌરવ છે. તમારું જ્ઞાન સમગ્ર માનવતાને નવી દિશા આપશે. મને વિશ્વાસ છે કે આપણા યુવાનો આવનારા સમયમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે.
આ પણ વાંચો - Bihar : PM મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન
આ પણ વાંચો - શું આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કોર્ટ આપશે જામીન?