બેંગ્લોરની કોલેજમાં વડોદરાના વિદ્યાર્થીની હત્યા, ફેરવેલ પાર્ટીમાં જ ચપ્પાના ઘા ઝીંક્યા
બેંગ્લોરની રેવા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા ગયેલા વડોદરાના યુવકની કોલેજની ફેરવેલ પાર્ટીમાં જ ચપ્પાના ઘા મારી હત્યા કરવામાં આવી છે. હત્યાની જાણ થતાં સ્થાનિક પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે. યુવકને ચપ્પુ કોણે માર્યું તે અંગે હજુ સુધી પોલીસની તપાસમાં બહાર આવ્યું ન હોવાનું મૃતક યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું.
મહત્વનું છે કે, શુક્રવારના રોજ કોલેજમાં ફેરવેલ પાર્ટીનું આયોજન હતું. જેમાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. દરમિયાન યુવકને પેટ અને છાતીના ભાગે ચપ્પાના ઘા વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. મૃતકના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, શહેરના વારસિયાના ગૌસાઈ મહોલ્લામાં રહેતો ભાસ્કર હરીશભાઈ જેટ્ટી (22) 4 વર્ષ પહેલાં મિકેનિકલ એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા માટે બેંગ્લોરની રેવા યુનીવર્સિટીમાં ગયો હતો. તેનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો.
યુવકના પરિવારમાં તેમના પિતા હરીશભાઈ જેટ્ટી સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. માતા ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. જ્યારે તેને એક નાની બહેન પણ છે. જે તમામ વારસીયા ખાતે રહે છે. આ અંગેનો વિડિયો મૃતકના પિતરાઈ ભાઈને તેના મિત્રોએ મોકલ્યાં હતાં.
જ્યારે ઘટના બન્યા બાદ યુવકને હોસ્પિટલ લઈ જવાતાં તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે બેંગ્લોર પોલીસના એસીપી કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યાં છે. દીકરાના મૃત્યુના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પોલીસને યુવકની હત્યા કોણે કરી તે અંગે પ્રબળ પુરાવા મળ્યા નથી, પરંતુ કોલેજમાં જ હત્યાની ઘટના બનતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ ભય ફેલાયો હતો.
આ પણ વાંચો : યુપીના આઝમગઢમાં ગંભીર માર્ગ અકસ્માત, ટ્રેક્ટર અને કાર અથડાતાં 5 લોકોના મોત
અહેવાલ : દીકેશ સોલંકી