VADODARA : બિનઅધિકૃત પ્રવેશ રોકવા લોકો જાગૃત, ઓળખ તપાસીને ખરીદી કરાશે
VADODARA : વડોદરા (VADODARA) માં પ્રથમ એકતાનગર અને ત્યાર બાદ નવાયાર્ડમાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી શકમંદોની અટકાયત કરવામાં આવી હતી. તે બાદ બિનઅધિકૃત લોકોના પ્રવેશને લઇને રામેશ્વર ચાલીના લોકો સતર્ક બન્યા છે. અને ચાલીના પ્રવેશ દ્વારા પર જ મસમોટું પોસ્ટર મારી દેવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, રામેશ્વર ચાલીમાં ભારતીય નાગરિકતા ધરાવતા લારીવાળા તથા ફેરીયાઓએ જ પ્રવેશ કરવો. ઓળખપત્ર અને આધારકાર્ડ પુરાવો બતાવવું ફરજિયાત છે.
કોઇ પણ ઇસમ શંકાસ્પદ જણાશે તો કાર્યવાહી
સામાજીક કાર્યકર વિજય જાધવે મીડિયાને જણાવ્યું કે, અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં ઘૂસણખોરી ચાલી રહી છે. આપણે પણ સતર્ક રહેવાની જરૂર છે. તંત્ર સતર્ક રહીને કામગીરી કરી રહ્યું છે. તેવા સમયે અમે પણ લોકજાગૃતિનો પ્રયાસ કર્યો છે. અમે અમારી ચાલીના એન્ટ્રીગેટ પર એક બેનર માર્યું છે. જેમાં લખ્યું છે કે, જે પણ ભારતીય નાગરિકત્વ ધરાવતો હશે, તેણે જ ચાલમાં પ્રવેશ કરવો. અને સાથે અમે શાકભાજી વેચવા ભાઇ આવ્યા છે, તેમનું આઇડી કાર્ડ તપાસી રહ્યા છે. જો કોઇ પણ ઇસમ શંકાસ્પદ જણાશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર મોડું જાગ્યું તેનો કોઇ વાંધો નથી.
આપણે સૌ એ સાવચેતી રાખવી ખુબ જરૂરી
વઘુમાં જણાવ્યું કે, મહિલાઓને ખાસ કહ્યું છે કે, કોઇ પણ વિક્રેતા વેચાણ કરવા આવે તો તેનું આઇડી કાર્ડ ચેક કરો. અને કંઇ પણ શંકાસ્પદ જણાય તો પોલીસ કંટ્રોલ રૂમમાં તેની જાણ કરીને ફરિયાદ કરો. અમારી ચાલીથી 500 મીટરે નવાયાર્ડ આવેલું છે. જેમાં ગઇ કાલે પોલીસ દ્વારા 200 જેટલા શકમંદોની અટકાયત કરીને તેમના ડોક્યૂમેન્ટ્સનું વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. અત્યારે આપણે સૌ એ સાવચેતી રાખવી ખુબ જરૂરી બન્યું છે. સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, અમારે ત્યાં આવનારા તમામનું આધાર કાર્ડ વગેરે તપાસીશું. જો તેની પાસે તે નહીં હોય તો અમે ખરીદી નહીં કરીએ. આવા લોકોનો કોઇ ભરોસો નથી. કંઇ થાય તો કોણ જવાબદારી લે..?
આ પણ વાંચો --- VADODARA : અજાણ્યા શખ્સોએ પાકિસ્તાનના ઝંડા ચોંટાડતા ઉત્તેજના વ્યાપી