VADODARA : 'નવા પ્રમુખ આવ્યા બાદ માથાકુટો ....', BJP MLA નો કટાક્ષ
VADODARA : વડોદરામાં ભાજપના પૂર્વ શહેર અધ્યક્ષ વિરૂદ્ધ સિનિયર ધારાસભ્ય (BJP MLA - VADODARA) નો છુપો રોષ સામે આવી રહ્યો છે. સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે (MLA YOGESH PATEL - VADODARA) પૂર્વ શહેર અધ્યક્ષ ડો. વિજય શાહનું નામ લીધા વગર જાહેર કાર્યક્રમમાં કહ્યું કે, નવા પ્રમુખ આવ્યા બાદ પાલિકા (VMC - VADODARA) માં ઘણી માથાકુટો ઓછી થઇ ગઇ છે. નવા પ્રમુખે ચોખવટ કરી છે કે જે પણ દરખાસ્ત આવે તે મંજુર કરી દેવી. અત્રે નોંધનીય છે કે, પૂર્વ ભાજપ પ્રમુખના રાજમાં પાલિકાના કામોમાં તેમની દરમિયાનગીરી વધારે રહેતી હતી. જેને પગલે કોર્પોરેટર અને ધારાસભ્યો અનેક વખત નારાજ રહેતા હતા. આ સાથે જ ડો. વિજય શાહ અને યોગેશ પટેલ વચ્ચે શાબ્દિક ટપાટપી અગાઉ અનેક વખત સામે આવી ચુકી છે.
પહેલા કોઇ પણ દરખાસ્ત આવે તો કામ ના થાય
તાજેતરમાં શહેરના રાવપુરા-માંજલપુર વિધાનસભા ક્ષેત્ર નાં વોર્ડ નંબર 16 માં શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની નો અભિવાદન-શુભેચ્છા સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત વિધાનસભા નાં મુખ્ય દંડક બાલુભાઈ શુક્લ, સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ સહિત કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહનું નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો. યોગેશ પટેલે કહ્યું કે, નવા પ્રમુખ આવ્યા બાદ પાલિકામાં ઘણી માથાકુટો ઓછી થઇ ગઇ છે. કોર્પોરેશનનમાં પહેલા કોઇ પણ દરખાસ્ત આવે તો કામ ના થાય.
ફરી પાછી આવી અને પછી પાસ થાય
વધુમાં જણાવ્યું કે, પાલિકામાં રજુ કરેલી દરખાસ્ત મુલતવી રહે. ફરી પાછી આવી અને પછી પાસ થાય. પરંતુ નવા પ્રમુખે ચોખવટ કરી છે કે જે દરખાસ્ત આવે તે મંજુર કરી દેવી. સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદનના કારણે શહેરભરમાં ભારે ચર્ચા જાગી છે. અગાઉ પણ ભાજપના કાર્યક્રમમાં તેમણે આપેલું મેયર, ચેરમેનની તેમના વોર્ડમાં પસંદગી અંગેનું નિવેદન ભારે ચર્ચામાં આવ્યું હતું. ત્યાર બાદ તાજેતરમાં તેમણે નામ લીધા વગર પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહની કાર્યશૈલી સામે આડકતરી રીતે સવાલો કર્યા હતા.
આ પણ વાંચો --- Ahmedabad: પ. બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારને લઈ રજૂઆત, રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ