Surat: ટેક્સટાઈલ માર્કેટને સીલ મારવા મુદ્દે હોબાળો, વેપારીઓ અને કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા
Surat: સુરત મહાનગરપાલિકા દ્વારા રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર એનઓસી અને બીયુસી ન ધરાવનારી મિલકતો સામે કડકાઈ શરૂ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી પણ વધુ સમયથી કરવામાં આવેલી સીલની કડક કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફફડાટ આપી ગયો છે. જેમાં સુરત (Surat)ના રીંગ રોડ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી સીલ કરવામાં આવેલ ટેક્સટાઇલ માર્કેટોના કારણે ધંધા - વેપાર ઠપ થઈ જતા મુશ્કેલીમાં મુકાયેલા કામદારો અને વેપારીઓ દ્વારા ફોસટાને રજુવાત કર્યા બાદ પણ સમસ્યાનું સુખદ સમાધાન નહીં થતાં આજે તમામ લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા. નોંધનીય છે કે, ચક્કાજામ કરતાં પોલીસે હળવો બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી.
એકાએક કડકાઇ અપનાવતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો
વિગતે વાત કરવામાં આવે તો, સુરત (Surat)ના રીંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની દુકાનોને સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ફાયર સેફટી અને બીયુસીના અભાવે શીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટની ઘટના બાદ હરકતમાં આવેલી સુરત મહાનગરપાલિકા દ્વારા એકાએક કડકાઇ અપનાવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી માર્કેટની દુકાનો સદંતર બંધ રહેતા ધંધો- વેપાર પણ ઠપ થઈ ચૂક્યો છે. પ્રતિ દિવસ કરોડોનો વેપાર ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે ટેક્સટાઇલ માર્કેટમાંથી રોજીરોટી મેળવતા કામદારોની રોજગારી સામે પણ સવાલ ઉભા થયા છે.
મોટી સંખ્યામાં વેપારીઓ અને કામદારો રસ્તા પર ઉતર્યા હતા
નોંધનીય છે કે, મયની માંગ અને હાલ પૂરતી દુકાનો ખોલી આપવામાં આવે તેવી રજૂઆત વેપારીઓ દ્વારા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનને કરવામાં આવી છે. રજૂઆત કર્યા બાદ પણ હજી સુધી કોઈની ઉકેલ ના આવતા આજ આજ મોટી સંખ્યામાં વેપારીઓ અને કામદારો રસ્તા પર ઉતર્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. રીંગ રોડ વિસ્તારમાં મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના પ્રાગણમાં આવેલી ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયન ની ઓફિસ બહાર જ હંગામા મચાવી દીધો હતો. રસ્તા પર ઉતર્યા બાદ ચક્કાજામ કરતાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે પહેલા તાત્કાલિક ધોરણે પોલીસ નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
છેલ્લા ઘણા વર્ષોથી અહીં ટેક્સટાઇલ માર્કેટો આવેલી છેઃ વિપક્ષ નેતા
જોકે ભારે હોબાળો અને હંગામો કરતા પોલીસે હળવો બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. ઘટનાના પગલે ડીસીપી, એસીપી તેમજ પીઆઇ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. બીજી તરફ વિપક્ષ નેતા પાયલ સાકરીયા પણ સ્થળ પર પહોંચ્યા હતા. વિપક્ષ નેતા પાલ સાકરીયા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી અહીં ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે. જે ટેક્સટાઇલ માર્કેટ ઓસી અને ફાયર એનઓસી વિના કઈ રીતે ઊભી કરવામાં આવી તે એક મોટો સવાલ છે. ત્યાં સુધી તંત્ર માત્ર આંખ આડા કાન કરી તમાશો જોઈ રહ્યું હતું. પરંતુ હવે એકાએક સુરત મહાનગરપાલિકાને જ્ઞાન આપ્યું છે અને બીયુસી અને ફાયર સેફટી ના અભાવે સંસ્થાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. જે તંત્ર હમણાં સુધી માત્ર હાથ ઉપર હાથ ધરી બેસી રહ્યું હતું. હાલ માર્કેટની દુકાનો સીલ થતા વેપારીઓ અને કામદારો મુશ્કેલીમાં મુકાયા છે. ધંધા વેપાર ઠપ થઈ જવાના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેથી તંત્રએ આ બાબતે વચગાળાનો રસ્તો કાઢી વેપારી અને કામદારોના હિતમાં નિર્ણય લેવો જોઈએ.