આજથી ત્રણ નવા કાયદાઓ અમલમાં, ટાઉન હોલ ખાતે Gondal Police દ્વારા જરૂરી માર્ગદર્શન
Gondal Police: આજથી અમલમાં આવેલા આ નવા ત્રણ કાયદા દેશમાં ન્યાયની પ્રક્રિયાને ઝડપી બનાવશે. આ સાથે દેશ જયારે વિજ્ઞાન અને ટેક્નોલોજીની સાથે ડિજિટલ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે ત્યારે ગોંડલ ટાઉનહોલ ખાતે યોજાયેલ ત્રણ નવા કાયદા અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગોંડલ શહેરની કે.બી. બેરા, વિદ્યામંદિર, એશિયાટિક કોલેજ, મોંઘીબા સ્કૂલ, ઑરો સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ ડિવિઝન DYSP કે.જી.ઝાલા, PI એ.સી.ડામોર, તાલુકા PSI જે.એમ.ઝાલાએ આજથી અમલમાં આવતા ત્રણ નવા કાયદાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, જયંતીભાઈ સાટોડીયા, શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ, જયભાઈ માધડ, નલિનભાઈ જડિયા, કિશોરભાઈ ધડુક, જયદીપભાઈ પરડવા સહિત પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આજથી નવા 3 કાયદા અમલમાં આવશે
ભારતીય જનતા પાર્ટી દ્વારા ડિસેમ્બર 2023 માં 3 નવા બીલ સાંસદમાં પસાર કરવામાં આવ્યા હતા. જેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવતા આજથી આ ત્રણેય નવા ફોજદારી કાયદા અમલમાં આવી ગયા છે. ભારત સરકારે પસાર કરેલા આ 3 કાયદામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા, અને ભારતીય પુરાવા અધિનિયમનો સમાવેશ થાય છે. ગુનાખોરી સાથે સંકળાયેલા 3 નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023 આજથી લાગુ થઇ રહ્યા છે. અંગ્રેજોના વખતમાં બનાવાયેલા આઈપીસી, સીઆરપીસી અને ઈન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યા આ ત્રણેય નવા કાયદા અમલમાં મુકવામાં આવ્યા છે.
નવા કાયદામાં મહિલાઓને વધુ સુરક્ષિત કરવામાં આવી
કોઈપણ સ્ત્રીને ગુપ્ત રીતે જોતા હોય તો કલમ 77 હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. જેમાં 3 વર્ષ સુધીની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત મહિલાનો પીછો કરવો કે સોશિયલ મીડિયામાં પણ છેડતી કરવા પર 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ મહિલાઓ પાસેથી મોબાઈલ કે સોનાના દાગીનાની ઝોંટ મારી લેવી તે પણ હવે એક ગુનાનું રૂપ લેશે. જેમાંથી મહિલા સુરક્ષા વધું મજબૂત બનશે. એટલું જ નહિ દુષ્કર્મના કેસમાં મહિલા પોલીસ ખુદ ભોગબનનાર સુધી પહોંચી અને પોલીસ ફરિયાદ દાખલ કરશે જેનું ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે જેને માન્ય પણ ગણવામાં આવશે. આ પાછળનું કારણ એ છે કે ફરિયાદ બાદ ઘણા કિસ્સાઓમાં મહિલાઓ ડરીને, ધમકી મળવાથી કે અન્ય કોઈ કારણથી પોતાનું નિવેદન બદલી દે છે માટે મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપી ઓડિયો વિડીયો રેકોર્ડિંગ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવશે.
ગુનો | પહેલા લાગતી કમલ | નવી કલમ |
હત્યા | 302 | 103(એ) |
હત્યાની કોશિશ | 307 | 109 |
છેતરપિંડી | 420 | 318(4) |
દુષ્કર્મ | 376 | 63 |
છેડતી | 354 | 74 |
ગુનાહિત કાવતરું | 120(બી) | 61 |
શારીરિક-માનસિક ત્રાસ | 498(ક) | 85 |
મારામારી | 323 | 115 |
ગાળો આપવી | 504 | 352 |
ચોરી | 379 | 303(2) |
પ્રાણઘાતક અકસ્માત | 304(એ) | 106(1) |
ગેરકાયદેસર ભેગા | 144 | 187 |
સગીરા સાથે અપરાધના કિસ્સામાં પણ મોતની સજા
લગ્ન, રોજગાર, પ્રમોશનના ખોટા વાયદા કરી મહિલાઓને ફસાવી સેકસ કરવો પણ હવે કાયદેસરનો ગુનો બનશે, તેમજ ગેંગરેપના તમામ કેસમાં 20 વર્ષથી આજીવન કેદની સજા નક્કી કરવામાં આવી છે. ઉપરાંત 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે અપરાધના કિસ્સામાં પણ મોતની સજાની જોગવાઈ કરવામાં આવી છે. મોબ લિંચિંગ માટે પણ 7 વર્ષની જેલ, આજીવન કેદ અને ફાંસીની સજાની ત્રણેય જોગવાઈ કરવામાં આવી છે.
નવા લાગુ થયેલ કાયદામાં ખૂનની કલમ 103 (એ) લાગશે
જુના કાયદાઓમાં રહેલ કેટલીક કલમોં એવી છે કે જે મોટાભાગના દરેક નાગરિકોને માલુમ હશે અને આવી ઘણી બધી કલમોનો ભારતની કેટલીક ફિલ્મોમાં પણ દર્શાવી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઈપીસી કલમ 302 હેઠળ ખૂનનો ગુનો નોંધાય છે. જ્યારે નવા લાગુ થયેલ કાયદામાં ખૂનની કલમ 103 (એ) ગણાશે. એટલે કે આજથી ખૂનના કેસમાં કલમ 103 (એ) લગાડવામાં આવશે. જયારે છેતરપિંડી માટે આઈપીસી કલમ 420 લગાડવામાં આવે છે. આ કલમ બહુચર્ચિત છે જે નવા કાયદા મુજબ છેતરપિંડી માટે હવે કલમ 318 તરીકે લગાડવામાં આવશે. આ સાથે ગુજરાતમાં સંગઠિત અપરાધ માટે ગુજસીટોકનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો જ્યારે નવા બનેલા કાયદામાં જ સંગઠિત અપરાધને આવરી લેવામાં આવ્યો છે. જે માટે કલમ 111 અને નાના પાયે સંગઠિત અપરાધ માટે કલમ 112 લાગુ કરવામાં આવશે.