ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતનું આ અદભૂત હિલ સ્ટેશન જ્યાં જવા હંમેશા રેડી રહે છે ગુજરાતીઓ...!

ચોમાસુ શરુ થતા જ પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો સાપુતારા જેવા હીલ સ્ટેશન જવાનું વધારે પસંદ કરે છે. મહત્વનું છે કે સાપુતારા ગુજરાત અને દેશભરમાં હીલ સ્ટેશન તરીકે વધુ જાણીતું પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે સાપુતારા ફરવા માટે પહેલી પસંદ છે....
04:46 PM Jul 09, 2023 IST | Dhruv Parmar

ચોમાસુ શરુ થતા જ પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો સાપુતારા જેવા હીલ સ્ટેશન જવાનું વધારે પસંદ કરે છે. મહત્વનું છે કે સાપુતારા ગુજરાત અને દેશભરમાં હીલ સ્ટેશન તરીકે વધુ જાણીતું પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે સાપુતારા ફરવા માટે પહેલી પસંદ છે. જોકે સાપુતારા જેવું જ વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારનું વિલ્સન હીલ પણ દક્ષિણ ગુજરાત ના પર્યટકોમાં જાણીતું છે. વાદળો સાથે વાતો કરતા વિલ્સન હીલ ના ડુંગરાઓ, ઝરણા અને ધોધ ના કારણે વિલ્સન હીલ ને પણ સાપુતારા જેવી જ વિકાસની શક્યતાઓ જોવા મળી રહી છે. હાલ ચોમાસા ની શરૂઆત થતાંજ મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ વિલ્સન હીલ ની મુલાકાત લઈ રહ્યા છે.

વિલ્સન હીલ સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા ધરમપુર તાલુકામાં નવા ગિરિમથક તરીકે વિકસી રહેલું એક સ્થળ છે. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં, પર્વતની ટોચ ઉપર, દરિયાઈ સપાટીથી 2300 ફૂટની ઊંચાઇ પર સ્થિત પંગારબારી ગામે આવેલું આ નયનરમ્ય સ્થળ, પ્રકૃત્તિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ઊપરથી નીચે ખીણમાં પથરાયેલી વનરાજી, અને ક્ષિતિજમાં આથમતો સૂર્ય માણવા માટે પ્રવાસીઓ હંમેશા આવતા હોય છે. જોકે ચોમાસાના ચાર મહિના મોટેભાગે ધુમ્મસ, વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ વરસતો હોય છે. આથી મોટી સંખ્યામાં પર્યટકો અને પર્યાવરણ પ્રેમીઓ અહીં આવતા હોય છે. આ વિસ્તારની આદિવાસી સંસ્કૃતિ અને તેમનું આદિવાસી વાનગીઓ પ્રવાસીઓમાં ખુબ આકર્ષણ ધરાવે છે.

ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા આ સ્થળના વિકાસ માટે ઈ.સ. 1928 ના વર્ષમાં તત્કાલિન અંગ્રેજ ગવર્નર સર લેસ્લી વિલ્સનને ધરમપુરના તત્કાલિન રાજવી મહારાજા વિજયદેવજીએ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા આ પ્રદેશને ગિરિમથક તરીકે વિકસાવવા માટે તેમ જ તેના ઉદ્‌ઘાટન માટે આમંત્ર્યા હતા. ત્યારથી આ સ્થળ વિલ્સન હીલ તરીકે ઓળખાય છે. આ સ્થળ ધરમપુરથી પૂર્વ દિશામાં આશરે 30 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. અહીં નજીકમાં વાઘવળ ગામ ખાતે દત્ત મંદિર તથા શંકર ધોધ, વરસાદી દેવ સહિતના દેવસ્થાનો જોવાલાયક સ્થળ છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલું આ વિલ્સન હીલ રાજા રજવાડાઓ વખતથી જાણીતું છે. અગાઉ ધરમપુર રજવાડાના રાજાઓએ ગિરિમથક તરીકે વિલ્સન હીલ નો પર્યટન શેત્રે વિકાસ કર્યો હતો. અને હવે જિલ્લા વહીવટી તંત્ર એ પણ વિલ્સન હીલ ને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસ કર્યા છે. મહત્વનું છે કે સાપુતારા ની જેમ જ આ પહાડી વિસ્તારમાં પણ કુદરતે છૂટા હાથે સુંદરતા બક્ષી છે ચોતરફ હરિયાળી છવાયેલી છે આજુબાજુની સુંદરતા પણ પ્રવાસીઓનું મન મોહી રહ્યું છે. ઊંચા ડુંગરા પર જોવા મળતા વાદળો લોકોને અડીને પસાર થતા હોય છે આ પ્રકારના અદભુત નજારા પ્રવાસીઓ મન ભરીને માણે છે. આમ તો મહાબળેશ્વર કે સાપુતારામાં ચોમાસા દરમિયાન આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. જોકે વિલ્સન હીલમાં પણ જોવા મળતા વાદળના અદભુત દ્રશ્યો જોઈને પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ રોમાંચિત થાય છે.

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ એક માત્ર હીલ સ્ટેશન એવા વિલ્સન હીલમાં વાતાવરણ મનમોહક બની ગયું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે જાણીતું એવું ધરમપુરનું વિલ્સન હિલ પ્રવાસીઓ માટે મનગમતું સ્થળ બની રહ્યું છે. ત્યારે વરસાદી માહોલને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ શનિ-રવિમાં આવતા હોય છે વિલ્સન હીલ માં જોવા મળતું વાદળછાયું વાતાવરણ, ઝરમર વરસાદ, ચો તરફ હરિયાળી અને અતિશય રમણીય વાતાવરણ જોઈને પ્રવાસીઓનું મન પ્રફુલ્લિત થઈ જાય છે.

મહત્વનું છે કે મોટેભાગે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો સાપુતારા જવાનું વધુ પસંદ કરે છે સમગ્ર ગુજરાત અને દેશભરમાં સાપુતારા હીલ સ્ટેશન તરીકે વધુ જાણીતું છે. પરંતુ સાપુતારા જેવું જ વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વિલ્સન હીલ અત્યાર સુધી પર્યટકોમાં અજાણ હતું. પરંતુ અહીં પણ સાપુતારા જેવી જ વિકાસની શક્યતાઓ અને કુદરતી સૌંદર્ય ધરાવતા વિલ્સન હીલને હવે સાપુતારા ની સમકક્ષ વિકસાવવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે તો આ વિસ્તારની સંપૂર્ણ કાયક પલટ થઈ શકે છે સાથેજ અહીંના સ્થાનિકો માટે રોજગારીના નવા દ્વાર પણ ખુલી શકે છે.

અહેવાલ : રિતેશ પટેલ, વલસાડ

આ પણ વાંચો : Bharuch News : ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીના જાહેર માર્ગ બિસ્માર બનતા ગ્રામજોનો મેદાને ઉતર્યા

Tags :
Gujaratheavy rainHeavy Rain FallHill StationMonsoonMonsoon SessionRainSaputaraSuratValsad
Next Article