માસુમ લાગતા યુવકના કાળા કારનામા! Valsad LCB પોલીસે ઉકેલ્યો મોટો ચોરીનો ભેદ
Valsad: વલસાડ એલ.સી.બી પોલીસને ચોરીના ભેદ ઉકેલવામાં એક મોટી સફળતા મળી છે. વલસાડ પોલીસે એક એવા રીઢા વૈભવી ચોરને દબોચ્યો છે. જેણે દેશના અડધો ડઝન રાજ્યોની પોલીસને દોડતી કરી હતી. આ ચોર ચોરી કરવા માટે માત્ર હવાઈ મુસાફરી જ કરતો અને ફાઇવ સ્ટાર હોટલમાં જ રહેતો હતો. ત્યારે કોણ છે આ ઠાઠ માઠ વાળો અને ઓડી કારમાં ફરનાર આ વૈભવી ચોર અને કેવા છે તેના કારનામા? જોઈએ આ અહેવાલ...
યુવકના કાળા કારનામાઓને જાણશો ચોકી જશો
વલસાડ એલ.સી.બી પોલીસના જાપ્તામાં ઉભેલા આ લબર મૂછીયા જેવા યુવકને જોઈ અને આપને તે માસુમ લાગશે. પરંતુ માસૂમ લાગતા આ યુવકના કાળા કારનામાઓને જાણશો તો આપ પણ ચોકી જશો. કારણ કે આ યુવક કોઈ સામાન્ય યુવક નહીં પરંતુ ગુન્હાની દુનિયામાં ગાજતું નામ છે. આ માસુમ લાગતા યુવકનું નામ છે રોહિત દયાભાઈ સોલંકી ઉર્ફે રોહિત ચેતન શેટ્ટી ઉર્ફે અરહાન શેટ્ટી જે મુંબઈના મુંબ્રા વિસ્તારમાં રહે છે.
12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
આ આરોપી વાપીમાં થયેલી એક ઘરફોડ ચોરીના ગુનામાં વલસાડ એલ.સી.બી પોલીસના હાથે ઝડપાયો છે. આરોપીની ધરપકડ બાદ તેના એક પછી એક કારનામાઓ હવે પોલીસ તપાસમાં બહાર આવી રહ્યા છે. આરોપી જ્યારે પોલીસના હાથે ઝડપાયો ત્યારે તેની પાસેથી પોલીસે એક ચમચમાતી ઓડી કાર, સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપી રોહિત સોલંકીની આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીના અનેક ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવ્યા છે.
આરોપી રોહિત સોલંકીની જીવનશૈલી પણ આલીશાન
પોલીસના હાથે ઝડપાયેલ આરોપી રોહિત સોલંકીની જીવનશૈલી પણ આલીશાન છે. આરોપી મુંબઈના મુંબ્રા વિસ્તારમાં એક કરોડથી વધુની કિંમતના બંગલામાં ભાડેથી રહેતો હતો. દેશના અનેક રાજ્યોમાં ચોરી કરવા માટે તે માત્ર હવાઈ મુસાફરી જ કરતો હતો. આરોપી ચોરી કરવા એવા શહેરોની પસંદગી કરતો જે એરપોર્ટ ધરાવતું હોય કે એરપોર્ટની આજુબાજુનું શહેર હોય. વિમાન મારફતે તે ચોરી કરવા જતો હતો અને ફાઇવ સ્ટાર મોંઘી હોટલોમાં રહેતો હતો. આરોપી દિવસ દરમિયાન તે વૈભવી વિસ્તારોમાં રેકી કરતો હતો અને રાત્રે મોકો મળતા જ લાખોની ચોરી કરી અને વિમાનમાં જ પરત ઘરે આવી જતો હતો.
27 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ખુલાસો
અત્યાર સુધી આરોપી એ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાના અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સહિતના દેશના અડધો ડઝન થી વધુ રાજ્યોમાં ચોરીના કારનામાઓને અંજામ આપીને રાજ્યોની પોલીસને દોડતી કરી દીધી હતી. પોલીસ તપાસ દરમિયાન અત્યાર સુધી આરોપી દેશના વિવિધ રાજ્યોમાં 27 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ખુલાસો થયો છે. વલસાડ એલ.સી.બી પોલીસના હાથે ઝડપાયા બાદ વલસાડ એલ.સી.બી પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા એક પછી એક ધડાધડ 19 થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પણ સફળતા મળી છે.
દર મહિને ડ્રગ્સના સેવન પાછળ 2 લાખથી વધારેનો ખર્ચ કરતો
વલસાડ પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપીએ એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી અને નામ પણ અલગ રાખ્યું હતું. આરોપી અને તેની પત્ની વૈભવી જીવનશૈલી જીવતા હતા. તેમજ આરોપી ડ્રગ્સનો બંધાણી છે અને દર મહિને ડ્રગ્સના સેવન પાછળ આરોપી રૂપિયા 2 લાખથી વધારેનો ખર્ચ પણ કરતો હતો. આવા મોંઘા શોખ પાડવા અને વૈભવી જીવનશૈલી જીવવા માટે આરોપી ચોરીના રવાડે ચઢ્યો હતો અને અત્યાર સુધી ગુનાઓની દુનિયામાં અનેક કારનામાઓને અંજામ આપી ચૂક્યો છે. હાલ તો આરોપી રિમાન્ડ પર છે અને આ દરમિયાન અનેક ગુન્હાહિત ભૂતકાળ ના કારનામાઓ બહાર આવે એવી શક્યતા છે. સાથે જ તેના આ વૈભવી જીવનશૈલીની પણ અનેક રોચક હકીકતો બહાર આવે તેવી પણ શક્યતાઓ પણ જોવાઇ રહી છે.