બિપોરજોય વાવાઝોડાના ખતરા સામે તંત્ર એલર્ટ, CMએ વાવાઝોડાને લઈ તૈયારીઓની કરી સમીક્ષા
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. અને દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવની સ્થિતિની સમીક્ષા તેમણે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.
સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા
દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા 8 જિલ્લાઓના 25 તાલુકાઓના સમુદ્રાથી 0 થી પાંચ કિલોમીટર અને પાંચથી 10 કિલોમીટરમાં વસેલા 441 ગામોની અંદાજે 16 લાખ 76 હજાર જનસંખ્યાને આ વાવાઝોડાને પરિણામે સંભવિત વરસાદ, તીવ્ર પવન, દરિયાઈ મોજાંની સ્થિતિનો સામનો કરવો પડે તેમ છે. તેની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી.સુરક્ષા અને સલામતીના પગલાના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 6827 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાં 6041 અગરિયા ભાઈબહેનો વસવાટ કરે છે, તેમાંથી 3243 અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વિભાગ દ્વારા જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી
આરોગ્ય વિભાગની સજ્જતા અંગેની સમીક્ષામાં જણાવવામાં આવ્યું કે વિભાગ દ્વારા જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 521 જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં 157 એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ છે. હવામાન વિભાગના વર્તારા અનુસાર આગામી ૧૪ અને ૧પ જૂનના દિવસોમાં આ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતાઓ દર્શાવાઇ છે.આ સંદર્ભમાં વરસાદને કારણે લોકોને અને પશુઓને કોઇ જાનહાનિ કે મોટું નુકશાન ન થાય તે માટેની પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. માર્ગ-મકાન વિભાગે ૯પ ટીમો બનાવીને મંગળવાર બપોર સુધીમાં આ જિલ્લાઓમાં પહોંચાડી દેવાની વ્યવસ્થા કરી છે. એટલું જ નહિ, ઊર્જા વિભાગે પ૭૭ ટીમ સ્ટેન્ડ બાય રાખી છે અને આ આઠ જિલ્લાઓના ૬૯પ૦ ફિડરો પરથી મળતા વીજ પૂરવઠાને અસર ન પહોંચે તેની પણ તકેદારી રાખી છે.
પ્રભાવિત જિલ્લાઓમાં NDRF, SDRF ની કુલ 21 ટીમ તૈનાત
ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝૂંપડાઓ કે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની સલામતી અને જરૂર જણાયે બચાવ રાહત માટે NDRF તથા SDRF ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.માહિતીઅનુસાર, કચ્છ જિલ્લામાં NDRF ની 3 ટીમ તથા એસ.ડી.આર.એફ.ની 2 પ્લાટુન તહેનાત કરવામાં આવી છે. રાજકોટમાં 3 NDRF.ની ટીમ મોકલવામાં આવી છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકામાં NDRF .-SDRF.ની 2-2 ટીમો મોકલવામાં આવી છે. મોરબી, પોરબંદર, ગીર-સોમનાથ, જુનાગઢમાં એન.ડી.આર.એફ.-એસ.ડી.આર.એફ.ની 1-1 ટીમો તહેનાત કરવામાં આવી છે. વલસાડમાં એન.ડી.આર.એફ.ની 1 તથા પાટણ અને બનાસકાંઠામાં એસ.ડી.આર.એફ.ની 1-1 ટીમો મોકલાઈ છે. ગાંધીનગરમાં એન.ડી.આર.એફ.ની 1 ટીમ તથા સુરતમાં એસ.ડી.આર.એફ.ની 1 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.આમ, એન.ડી.આર.એફ.ની 15 ટીમો તહેનાત તથા 6 રિઝર્વ કરી કુલ 21 ટીમો સજ્જ કરવામાં આવી છે. એસ.ડી.આર.એફ.ની 12 તહેનાત અને 1 રિઝર્વ એમ કુલ 13 ટીમો સજ્જ કરવામાં આવી છે. સાવચેતીના પગલારૂપે આ દરિયાઇ વિસ્તારના આઠ જિલ્લામાં કુલ ૧૪૬૯ હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.
ઇમરજન્સી બેઠક વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા
ભારે વરસાદ કે વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયો ઓપરેટર, જી-સ્વાન નેટવર્કની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંભવિત વાવાઝોડાના સંકટ સામે સમગ્ર રાજ્યના અને ખાસ કરીને દરિયાકાંઠાના આઠ જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ-કર્મચારીઓ પૂરી ક્ષમતાથી સતર્ક છે અને જાન-માલને ઓછામાં ઓછું નુકસાન થાય તેવી પ્રતિબદ્ધતાથી દિવસ-રાત કાર્યરત છે તેની સરાહના કરી હતી. મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલના અધિક મુખ્ય સચિવશ્રી કમલ દયાની, રાહત કમિશ્નરશ્રી આલોક પાંડે તથા વિભાગોના વરિષ્ઠ સચિવો આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.
આપણ વાંચો-બિપોરજોય વાવાઝોડાને પગલે અંબાજી પાસેનું ગબ્બર રોપવે 4 દિવસ રહેશે બંધ