Fake Seeds: શંકાસ્પદ બિયારણના તાર છેક ઈડર સુધી! કાર્યવાહી થતાં અન્ય વિક્રેતાઓ ભયભીત
Fake Seeds: ચોમાસુ નજીક આવી રહયુ છે ત્યારે સાબરકાંઠા સહિત ગુજરાતમાં અન્ય સ્થળે રહેતા ખેડુતો ચોમાસુ પાક તરીકે કપાસનું વાવેતર કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે તાજેતરમાં ઈડરમાંથી વેચાણ માટે રાજકોટ મોકલાયેલ શંકાસ્પદ બિયારણ (Fake seed) અંગે મળેલી બાતમી બાદ રાજકોટ પોલીસે અંદાજે રૂપિયા 2 લાખથી વધુના 400 થી પણ વધારે પેકેટ સીઝ કરી દીધા હતા. ત્યારબાદ રાજકોટ પોલીસે સોમવારે ઈડર આવી જલીયાણ બીજ પેઢીના વિક્રેતા સ્થળે તપાસ હાથ ધરી હતી. પરંતુ આ વિક્રેતાની પેઢી બંધ હતી.
અત્યારે 400 થી પણ વધારે પેકેટ સીઝ કરવામાં આવ્યા
આધારભુત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાં કપાસનું બિયારણ તૈયાર કરાયા બાદ વેચાણ માટે મોકલી આપવામાં આવે છે. દરમિયાન ઈડરના દામોદર વિસ્તારમાં આવેલ શનય કોમ્પ્લેક્ષમાં જલીયાણ બીજના વિક્રેતા દ્વારા થોડાક સમય અગાઉ રાજકોટમાં રહેતા ભુમિક રમેશભાઈ ભાલીયાને કપાસના બિયારણના 400 થી પણ વધારે પેકેટ મોકલી આપ્યા હતા.
બિયારણો વેચતા વિક્રેતાઓમાં છુપો ભય ફેલાયો
નોંધનીય છે કે, આ બિયારણના પેકેટ શંકાસ્પદ હોવાનું માનીને રાજકોટ ગ્રામ્યના એસઓજી વિભાગ દ્વારા તેને સીઝ કરી દેવામાં આવ્યું હતુ. ત્યારબાદ રાજકોટ ગ્રામ્યના એસઓજીના પીઆઈએ વધુ તપાસ માટે ઈડર આવ્યા હતા. જયાં આ બિયારણ મોકલનાર પેઢી મંગળવારે બંધ હતી. જેથી એવુ મનાય છે કે, આ વિક્રેતા ભુર્ગભમાં જતા રહ્યા હોય તેવી શકયતા નકારી શકાતી નથી. રાજકોટમાંથી મળેલા શંકાસ્પદ બિયારણનો જથ્થો પોલીસે હાલ તો પકડીને સીઝ કરી દીધો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કપાસ સહિતના અન્ય બિયારણો વેચતા વિક્રેતાઓમાં છુપો ભય ફેલાઈ ગયો છે.
લેબમાંથી નમુનાનો અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે: PI
હાલતો રાજકોટ ગ્રામ્ય એસઓજીએ શંકાસ્પદ આ બિયારણ (Fake seeds)નો જથ્થો સીઝ કર્યા બાદ કૃષિ વિભાગ દ્વારા નમુના લીધા પછી યુનિવર્સિટીની લેબમાં મોકલી અપાયા છે. જેનો અહેવાલ આવી ગયા બાદ ઘટતી કાર્યવાહી કરવામાં આવશે એમ રાજકોટ એસઓજીના પીઆઈએ જણાવ્યુ હતુ.
કપાસના આગોતરા વાવેતર માટે ખેડુતો કાળજી રાખે
હવામાન વિભાગના વરતારા મુજબ આગામી ચોમાસુ સીઝન 19મી જુનથી રાજ્યમાં શરૂ થવાની શકયતા છે ત્યારે સાબરકાંઠામાં કપાસનું આગોતરુ વાવેતર કરવા માંગતા ખેડુતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ-પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા માન્ય વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો તથા બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. જેથી, છેતરપીંડીનો અવકાશ ન રહે. તેમજ જરૂર પડે જિલ્લાની ખેતીવાડી ખાતાની ઓફીસનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની યાદીમાં જણાવાયું છે.