Surendranagar : ચોટીલા તાલુકામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે રઝળપાટ !
- ચોટીલા તાલુકામાં પાણીનો હાહાકાર: 500 લોકોનું હિજરત
- ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે રઝળપાટ
- સિંચાઈ નહીં, પીવાના પાણી માટે પણ લોકો હેરાન
- પાણીના અભાવે માલધારીઓનું 8 મહિના હિજરત
- ચોટીલા તાલુકાના ગામોમાં પાણીની વિકટ સમસ્યા
- નાનીયાણી, મોરસલ અને જશાપર પાણી વગર તરસી રહ્યું
- પાણી માટે પશુપાલકોની ઘરભૂલ, ગામો થયા સૂમસામ
- ખેતરો ખાલી, ઘરો બંધ, પાણી માટે માલધારીઓની માજી વાટ
- ઉત્તર ગુજરાત તરફ હજારો પશુઓ સાથે લોકોનું સ્થળાંતર
- નર્મદા કેનાલની વાતો, હકીકતમાં ચોટીલા તરસી રહ્યું!
Chotila Water Crisis : રાજ્ય સરકાર દ્વારા એક તરફ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત અને પૂરતું પાણી પહોંચાડવાની મોટી મોટી વાતો અને જાહેરાતો કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાનીયાણી, મોરસલ અને જશાપર સહિતના ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. આ 3 ગામનાં અંદાજે 500 થી વધુ લોકો અને પશુપાલકોને પોતાના પશુધન સાથે હિજરત કરવાની નોબત આવી છે. આ તમામ લોકો ચોટીલા તાલુકામાંથી ઉત્તર ગુજરાતના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 8 મહિના સુધી રઝળપાટ કરે છે અને ચોમાસુ શરૂ થયાં બાદ પોતાના માદરે વતન પરત ફરે છે. હાલમાં મોટી સંખ્યામાં લોકો હિજરત કરીને ચાલ્યાં જતાં ગામો સૂમસામ નજરે પડ્યા છે.
પાણીની પારાયણ, 500 થી વધુ લોકોનું પશુઓ સાથે હિજરત
સુરેન્દ્રનગરનો ચોટીલા તાલુકો ઠાંગા પ્રદેશ તરીકે ઓળખાય છે. આ તાલુકામાં માલધારી સમાજની મોટી વસ્તી છે અને પશુપાલન તેમજ ખેતી મુખ્ય વ્યવસાય હોવાથી લોકો સહિત પશુ પાલકો માટે પાણી ખુબ જ જરૂરી છે. પરંતુ ચોટીલા તાલુકાના 3 થી 4 ગામોમાં સિંચાઈ માટે તો નહી પરંતુ પીવા પુરતું પણ પાણી મેળવવા ઉનાળામાં લોકોને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. જેમાં ખાસ કરીને નાનીયાણી, મોરસલ અને જશાપર ગામના લોકો અને પશુપાલકોની હાલત કફોડી બની છે. પાણીની પારાયણથી કંટાળેલા અંદાજે 500 થી વધુ લોકો પશુઓ સાથે હિજરત કરીને ઉત્તર ગુજરાત તરફ જતા રહ્યા છે.
પશુઓની હાલત અત્યંત કફોડી
જણાવી દઇએ કે, ચોટીલા તાલુકાના નાનીયાણી, મોરસલ અને જશાપર સહિતના ગામોમાં મોટા ભાગે માલધારી સમાજ વસવાટ કરે છે. જેઓ ખેતી અને પશુપાલન થકી આજીવિકા મેળવી ગુજરાન ચલાવે છે. પરંતુ આ ત્રણેય ગામોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ જાય છે. આ ત્રણેય ગામોમાં અંદાજે 2500 થી વધુ પશુઓ છે. આ ગામોમાં પાણીનો કોઇ સ્ત્રોત ન હોવાથી ગામ લોકોને ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે. જ્યારે ટેન્કરના રૂપિયા ચૂકવી પાણી વેચાતું લાવી ગ્રામજનોની તરસ તો છીપાઇ જાય છે પરંતુ પશુઓની હાલત અત્યંત કફોડી બને છે. આથી પશુઓનો નિભાવ કરવા માટે ગ્રામજનોને નાછુટકે પોતાનું ઘર છોડી પાણી અને ઘાસ ચારા વાળા વિસ્તારમાં હિજરત કરવાનો વારો આવ્યો છે.
વર્ષના 12 મહિના પૈકી 8 મહિના સુધી રઝળપાટ
હાલ આ ત્રણેય ગામોમાંથી અંદાજે 500 જેટલા લોકો પોતાના પશુધન સાથે હિજરત કરી ઉત્તર ગુજરાતના આણંદ, ધોળકા, ચરોતર તેમજ છેક સુરત અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ચાલ્યા ગયાં છે. વર્ષના 12 મહિના પૈકી 8 મહિના સુધી રઝળપાટ કર્યાં બાદ અંતે સારો વરસાદ થયાં બાદ આ પરિવારો પોતાના વતન પરત ફરે છે. જ્યારે કાળી મજૂરી કરી પરસેવો પાડી બનાવેલા પોતાના રહેણાંક મકાનો મુકીને હિજરત કરેલ આ માલધારી પરિવારો પોતાના ઘરોની સુરક્ષા માટે હિજરત કરેલ મકાનોની ચારેય બાજુ કાંટાળી વાડ કરીને જાય છે જેથી મકાન સુરક્ષિત રહી શકે. હાલ આ ત્રણેય ગામોમાં માંડ ગણ્યા ગાંઠ્યા લોકો અને પશુઓ વસવાટ કરી રહ્યાં છે પરંતુ તેમનું જીવન પણ દોહલુ બની ગયું છે. કારણ કે કાળઝાળ ગરમીમાં પાણી વગરનું જીવન ગુજારવું મુશ્કેલ બન્યું છે.
તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હલતુ નથી
ગામોમાં પશુઓ માટે જે પાણીના અવાડા બનાવવામાં આવ્યા છે તે પણ ખાલીખમ જોવા મળી રહ્યાં છે અને મુંગા પશુઓ આ ખાલી અવાડા જોઇને નિસાસા નાંખી રહ્યાં છે. ત્યારે આ મુંગા પશુઓની દયનીય હાલત જોઇને તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હલતુ નથી. ત્યારે આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી ગ્રામજનો અને આગેવાનોમાં માંગ ઉઠવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળ્યો હોવાની અને સુરેન્દ્રનગરને સૌરાષ્ટ્રનું પાણીયારુ ગણાવી સરકાર વાહવાહી લૂંટી રહી છે, પરંતુ વાસ્તવિકતા કાંઇક જુદી જ છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા તાલુકાના અંદાજે 3 થી વઘુ ગામોમાં આજે આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવતા વર્ષોથી દર ઉનાળામાં હિજરત કરી જતાં આ પશુપાલકોને 8 મહિના હિજરત કરવામાં ક્યારે કાયમી છુટકારો મળે છે તે તો જોવું જ રહ્યું ?
આ પણ વાંચો : અમરેલીના છેવાડાના ગામમાં સિંહણે ખેડૂતને ફાડી ખાદ્યો, વનવિભાગે સિંહણને પાંજરે પૂરી